10 August, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અસિત મોદી અને શૈલેષ લોઢા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ નિભાવનાર એક્ટર શૈલેષ લોઢા અને અસિત મોદી વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. થોડાક સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે આ કેસમાં અસિત મોદીએ હવે એક કરોડ રૂપિયાનું બાકી રહેલું ચુકવણું આપવું પડશે.
આ જ કેસને લઈને અસિત મોદીએ હવે એક ખુલાસો કર્યો છે. અસિત મોદીએ આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, “શૈલેષ લોઢા કેસ જીત્યા હોવાના જે સમાચાર છે તે સાવ ખોટા છે. તેમના અને પ્રોડક્શન હાઉસ વચ્ચે જે કરાર થયા હતા તે મુજબ પહેલેથી જ સમાધાન કરી લેવામાં આવ્યું છે. બંને વચ્ચે સમાધાન થયું હોઈને તેમને એ સમયે જ જે કંઈ રૂપિયા બાકી રહેલા હતા તેની ચુકવણી કરી દેવામાં આવી હતી.”
આ ઉપરાંત અસિત મોદીએ એક વધુ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે શૈલેષ લોઢા દ્વારા પોતે આખો કેસ જીત્યા હોવાનો જે દાવો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે ખોટો છે. કારણકે કારણ કે હકીકતમાં આ કેસ બંને વચ્ચે સમાધાન થઈને ઉકેલાયો હતો. ઉપરાંત કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોની સંમતિથી આ કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું.
અસિત મોદી (Asit Kumar Modi)ના કહેવા અનુસાર જ્યારે પણ કોઈ કલાકાર શો છોડીને જતા હોય છે. ત્યારે તે કલાકારે નિર્ધારિત પ્રક્રિયા પુરી કરવી પડતી હોય છે. અમુક દસ્તાવેજો પર સહી પણ કરાતી હોય છે. પરંતુ શૈલેષે કોઈ જ દસ્તાવેજો પર સહી કર્યા વગર અને નિયમોનું પાલન કર્યા વગર શો છોડી દીધો હતો. બસ આ જ કારણોસર કેસ કોર્ટમાં ગયો હતો. પરંતુ કોર્ટમાં આ કેસનો નિવેડો સમાધાન કરીને આવી ગયો હતો.
શૈલેષ લોઢાના પૈસા ચુકવણી વિશે વાત કરતાં અસિત મોદીએ જણાવ્યું હતું કે, `અમે ક્યારેય શૈલેષ લોઢાને પૈસા પરત કરવાની ના પાડી નથી. વળી જ્યારે તેઓની શો છોડવાની વાત સામે આવી હતી ત્યારે કોઈપણ ડોક્યુમેન્ટેશન થાય તે પહેલા પણ તેમને અમે મિટિંગ માટે બોલાવ્યા હતા. આ સાથે જ તેઓને જે કંઈ પ્રોબ્લેમ હોય તે માટે સમાધાનની વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ શૈલેષે બહાર નીકળવાની ઔપચારિકતા પૂરી કરવાને બદલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને કાનૂની પગલાં લીધા હતા.”
શૈલેષ લોઢાના અચાનકથી શો છોડીને જવાના કારણ અસિત મોદીએ કહ્યું હતું કે, “શૈલેષ લોઢાએ અમારી સાથે 14 વર્ષ સુધી કામ કર્યું અને અમારા માટે એક પરિવારના સભ્ય સમાન જ હતો. તેઓ પાસેથી તેમના કામકાજ દરમ્યાન ક્યારે ફરિયાદ સાંભળી આવી નહોતી. આમ અચાનકથી તેમનું શો માંથી જતાં રહેવું તે અમારા માટે પણ આશ્ચર્યની વાત છે.”