11 September, 2022 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભાંગી અત્રે
‘ભાબીજી ઘર પર હૈં’ માટે જાણીતી શુભાંગી અત્રે સાથે હાલમાં ઑનલાઇન ફ્રૉડ થયો હતો. તેણે આ માટે સાઇબર ક્રાઇમની મદદ માગી છે. એ માટે તેણે લોકોને પણ જાગરૂક કર્યા છે. આ વિશે વાત કરતાં શુભાંગીએ કહ્યું કે ‘મને નહોતી ખબર કે મારી સાથે પણ આવો ફ્રૉડ થશે, કારણ કે આપણને બધાને ખબર છે કે આપણે ઓટીપી અને અન્ય વિગતો શૅર ન કરવી જોઈએ અને અજાણી લિન્ક પર ક્લિક પણ ન કરવું જોઈએ. હું આમાંનું કંઈ પણ નથી કરી રહી, પણ આ લોકો નવો રસ્તો શોધી આવ્યા હતા, જેની જાણ મને નહોતી. આથી હું દરેકને કહેવા માગું છું કે સચેત રહેજો.’
આ ઘટના વિશે શુભાંગીએ વિસ્તારપૂર્વક કહ્યું કે ‘હું ૮ સપ્ટેમ્બરે મારા માટે જાણીતી ફૅશન ઍપ્લિકેશન પરથી ઑનલાઇન ખરીદી કરી રહી હતી. મેં ઑર્ડર કર્યો અને ત્યાર બાદ મને તેમણે કૉલ કર્યો હતો. તેમણે મને મારું ઍડ્રેસ જણાવ્યું અને એમ પણ કહ્યું કે હું કેવી રીતે તેમની સાથે છેલ્લાં ત્રણ વર્ષથી શૉપિંગ કરી રહી છું. તેમણે મારા અત્યારના ઑર્ડરની પણ ડિટેઇલ આપી હતી. એથી મારી બધી માહિતી તેમની પાસે હોવાથી મને લાગ્યું કે આ જેન્યુન કૉલ છે, કેમ કે આ માહિતી કંપની પાસે જ હોય છે. તેમણે મને ફક્ત જીએસટીની રકમ ચૂકવવાનું કહ્યું હતું. મેં જ્યારે એ માટેની રકમ ચૂકવી ત્યારે મારા પર અન્ય ઘણાં ટ્રાન્ઝૅક્શન થવા લાગ્યાં હતાં. મારા અકાઉન્ટમાંથી પૈસા કપાઈ રહ્યા હતા. મને કોઈ શક નહોતો ગયો, કારણ કે મને તેમની ઑફિશ્યલ વેબસાઇટ પરથી મેસેજ મળી રહ્યા હતા. જોકે કેટલાંક ટ્રાન્ઝૅક્શન થતાં મેં કાર્ડને તરત બ્લૉક કરાવી દીધાં હતાં.’
સાઇબર પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ વિશે શુભાંગીએ કહ્યું કે ‘મેં ૯ સપ્ટેમ્બરે આ માટે સાઇબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટમાં સ્પેશયલ આઇજી યશશ્વી યાદવે મને આ ફ્રૉડ કેવી રીતે કરવામાં આવે છે એ વિશે સમજાવ્યું હતું. આશા છે કે આ લોકો પકડાઈ જાય. આ ખૂબ દુઃખની વાત છે. મારી કપાયેલી રકમ ખૂબ જ મોટી હતી એમ હું નથી કહેતી, પરંતુ એ મારી મહેનતના પૈસા હતા.’