19 June, 2024 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવિકા ગોર
અવિકા ગોરને ‘બાલિકા વધૂ’માં આનંદીના રોલથી ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તે હવે ફિલ્મોમાં પણ સક્રિય છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘બ્લડી ઇશ્ક’માં તે જોવા મળવાની છે. અવિકાને એક વખત બૉડીગાર્ડે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો છે. સાથે જ તેણે જણાવ્યું છે કે આપણામાં હિમ્મત હોવી જોઈએ આવા લોકો સામે અવાજ ઉઠાવવાની.
પોતાની સાથે ભૂતકાળમાં એક ઇવેન્ટ દરમ્યાન થયેલા ખરાબ વર્તન વિશે અવિકા કહે છે, ‘હું સ્ટેજ તરફ જઈ રહી હતી. એ વખતે મને અહેસાસ થયો કે કોઈએ મને પાછળથી સ્પર્શ કર્યો છે. મેં પાછળ ફરીને જોયું તો બૉડીગાર્ડ સિવાય અન્ય કોઈ નહોતું. એથી મને શૉક લાગ્યો હતો. બીજી વખત પણ તેણે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો, મેં તરત તેની સામે જોઈને સવાલ કર્યો વૉટ? તો તે માફી માગવા લાગ્યો. તો હું પણ શું કરી શકું? એથી મેં જવા દીધું. તેઓ એ નથી સમજતા કે અન્ય વ્યક્તિ પર એની શું અસર થાય છે.’