26 September, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૈલેશ લોઢા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાનું ખરું કારણ શૈલેશ લોઢાએ જણાવ્યું છે. આ સિરિયલમાં તે તારક મહેતાના રોલમાં જોવા મળ્યો હતો. આ શો છોડ્યા બાદ તેના સ્થાને હવે સચિન શ્રોફ જોવા મળે છે. શૈલેશ લોઢાનું પેમેન્ટ પણ અટકાવવામાં આવ્યું હતું અને આ જ કારણ છે કે તેણે શોના મેકર અસિત કુમાર મોદી વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો હતો. એ કેસ શૈલેશ જીતી જતાં મેકરે એક કરોડ રૂપિયા તેને આપવાનો આદેશ આપ્યો હતો. આ શો છોડીને એક વર્ષ પસાર થઈ ગયું છે. ૨૦૨૨માં તેને એક સ્ટૅન્ડ અપ શો ‘ગુડ નાઇટ ઇન્ડિયા’માં આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ વાત અસિત મોદીને ગમી નહીં. શો છોડવાનું કારણ જણાવતાં શૈલેશ લોઢાએ કહ્યું કે ‘મેં એ શોનું શૂટિંગ કર્યું અને ત્યાં એક કવિતા પણ સંભળાવી. જોકે એના ટેલિકાસ્ટના એક દિવસ પહેલાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસરે મને ફોન કર્યો અને આ શોમાં હું જોડાયો એનો તેમને વાંધો હતો. અસિત કુમાર મોદીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. શોમાં બધાની સામે ફરી એક વખત મને પોતાનો નોકર કહ્યો. તેમની બોલવાની રીત હું સહન કરી શક્યો નહીં. શો એક વ્યક્તિથી નહીં, પરંતુ અનેક લોકોથી બને છે. મેં ૧૭ ફેબ્રુઆરીએ ઈ-મેઇલ કરીને જણાવ્યું કે હું હવે શોમાં કામ નહીં કરું.’