મેં કોઈની પણ સાથે કાંઈ ખોટું નથી કર્યું: અસિતકુમાર મોદી

03 August, 2023 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮માં આ સિરિયલ સબ ટીવી પર શરૂ થઈ હતી. હાલમાં જ સિરિયલે પંદર વર્ષ પૂરાં કર્યાં છે. એક-એક કરીને અનેક જૂના કલાકારોએ આ શોને અલવિદા કહ્યું છે.

અસિતકુમાર મોદી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર અસિતકુમાર મોદીએ જણાવ્યું છે કે તેણે કોઈની પણ સાથે કાંઈ ખોટું નથી કર્યું. આ વાત તેણે એટલા માટે કહી છે કેમ કે આ શોમાં રોશન સિંહ સોઢીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી બન્સીવાલે તેના પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લગાવ્યા છે. સાથે જ મોનિકા ભદોરિયા, જે બાવરીનો રોલ કરતી હતી અને તારક મહેતાનો રોલ કરનાર શૈલેશ લોઢાએ પણ શોના મેકર અને ટીમ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. થોડા સમય પહેલાં રીટા રિપોર્ટરના રોલમાં દેખાયેલી પ્રિયા આહુજાએ પણ ટીમના ખરાબ વર્તનનો ખુલાસો કર્યો હતો. ૨૦૦૮માં આ સિરિયલ સબ ટીવી પર શરૂ થઈ હતી. હાલમાં જ સિરિયલે પંદર વર્ષ પૂરાં કર્યાં છે. એક-એક કરીને અનેક જૂના કલાકારોએ આ શોને અલવિદા કહ્યું છે. દયાબેનનો રોલ કરનાર દિશા વાકાણી તો છ વર્ષથી આ સિરિયલમાં નથી દેખાઈ રહી. હવે અસિતકુમાર મોદીને પૂછવામાં આવ્યું હતું કે તારા શોના કલાકારો ઘર-ઘરમાં જાણીતા થયા બાદ તારા પર આરોપો લગાવે છે તો એને લઈને ચિંતા થાય છે? એના પર પોતાનો પક્ષ માંડતાં અસિત મોદીએ કહ્યું કે ‘મને ખૂબ દુ:ખ થાય છે. હું દરેકને મારા ​પરિવારની જેમ ગણું છું. હું ફરીથી કહેવા માગું છું કે મેં કાંઈ ખોટું નથી કર્યું. હું હંમેશાં બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરું છું, કારણ કે મારા શો દ્વારા હું લોકોને ખુશી આપું છું. એથી મારી ટીમને પણ સારા અને સકારાત્મક વાતાવરણમાં ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.’

શોએ સફળતાપૂર્વક પંદર વર્ષ પૂરાં કર્યાં છે. કઈ વસ્તુ તમને સતત આગળ વધારે છે એનો જવાબ આપતાં અસિત મોદીએ કહ્યું કે ‘દરેક સફળ કામમાં અડચણ આવવાની છે. જે લોકો એ બાધામાંથી પાર પડે છે એ લોકો જીવનમાં સફળ થાય છે. એથી અમે પણ અડચણો અને પડકારોનો સ્વીકાર કરીએ છીએ. અમારી સાથે અને આસપાસ જે પણ ઘટે છે એનો અમે સકારાત્મક વિચારધારાથી સામનો કરીએ છીએ. કોઈની સાથે અમે ખરાબ નથી કર્યું. દરેકને ખુશ રાખીએ છીએ. એથી અમને વધુ ચિંતા નથી. અમે દિલના સાફ છીએ. આ જ કારણ છે કે અમે કૉમેડી ક્રીએટ કરી શકીએ છીએ. નહીં તો કૉમિક શો બનાવવો અઘરું છે. નેગેટિવ વ્યક્તિ કૉમેડી શો ન બનાવી શકે. શોમાં નિર્દોષતા છે અને દરેક પરિવાર જુએ છે. અમે સકારાત્મક અને આશાવાદી છીએ, કેમ કે અમારી પાસે દર્શકોનો પ્રેમ છે, મારી ટીમનો સપોર્ટ છે અને ભગવાનના આશીર્વાદ છે.’

શોને પંદર વર્ષ પૂરાં થતાં ખુશી વ્યક્ત કરતાં અસિત મોદીએ કહ્યું કે ‘પંદર વર્ષથી શો ચલાવવો, દરરોજ કૉમેડી બનાવવી એવું વિશ્વમાં અત્યાર સુધી નથી બન્યું. મારી આ લાગણીને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. ૨૦૦૮થી મારી સખત મહેનતનું આ પરિણામ છે, હું દરરોજ નવી સ્ટોરીઝ લઈને આવું છું. દરેક એપિસોડમાં તાજગી લાવનાર મારી ટીમનો આભાર માનું છું. કોઈ પણ લીપ લીધા વગર આ જર્નીને જાળવી રાખી એ ભગવાનની કૃપા, અમારો અથાક પરિશ્રમ અને ટીમ વર્કને કારણે બન્યું છે.’

asit kumar modi taarak mehta ka ooltah chashmah television news indian television entertainment news