‘અનુપમા’માં જોવા મળતા નિતેશ પાન્ડેનું કાર્ડિઍક અરેસ્ટને કારણે નિધન

25 May, 2023 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસને તપાસમાં જાણ થઈ છે કે નિતેશે ફૂડ ઑર્ડર કર્યું હતું અને હોટેલના સ્ટાફે અનેક વખત દરવાજો નૉક કરવા છતાં પણ તેણે દરવાજો ન ખોલ્યો તો તેમને શંકા ગઈ.

નિતેશ પાન્ડે

‘અનુપમા’માં ધીરજ કપૂરના રોલમાં જોવા મળતા નિતેશ પાન્ડેનું કાર્ડિઍક અરેસ્ટને કારણે ૫૧ વર્ષની વયે ગઈ કાલે અવસાન થયું છે. તે ઇગતપુરીની હોટેલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેણે ‘સાયા’, ‘અસ્તિત્વ... એક પ્રેમ કહાની’, ‘કુછ તો લોગ કહેંગે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. સાથે જ તે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ખોસલા કા ઘોસલા’માં પણ જોવા મળ્યો હતો. પોલીસને તપાસમાં જાણ થઈ છે કે નિતેશે ફૂડ ઑર્ડર કર્યું હતું અને હોટેલના સ્ટાફે અનેક વખત દરવાજો નૉક કરવા છતાં પણ તેણે દરવાજો ન ખોલ્યો તો તેમને શંકા ગઈ. બાદમાં માસ્ટર કી દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો. ત્યારે તે બેડરૂમમાં મળી આવ્યો હતો અને તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અર્પિતા અને દીકરો આરવ છે. તાજેતરમાં જ આદિત્ય સિંહ રાજપૂત, વૈભવી ઉપાધ્યાય અને નિતેશનાં અવસાન થયાં છે. એ વિશે ફિલ્મમેકર હંસલ મહેતાએ કહ્યું કે ‘રેસ્ટ ઇન પીસ ડિયર કલીગ્સ. આ ખરાબ સમય ચાલી રહ્યો છે. તેમના પરિવારને દુઃખની આ ઘડીમાં સામર્થ્ય મળે એવી પ્રાર્થના કરું છું.’

ફિલ્મમેકર અશોક પંડિતે કહ્યું કે ‘તેમના નિધનથી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન છે. તેના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’
નિતેશનો બ્રધર-ઇન-લૉ અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ નાગરે કહ્યું કે ‘તે શૂટ માટે ઇગતપુરી ગયો હતો અ‌ને રાત્રે દોઢ વાગ્યે તેનું નિધન થયું. હું શૉક્ડ છું. ત્રણ-ચાર દિવસ અગાઉ જ અમે વાત કરી હતી. અચાનક કેમ આવું થઈ ગયું?’

આ પણ વાંચો: `સારાભાઈ વર્સીસ સારાભાઈ` ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન

‘કુછ તો લોગ કહેંગે’માં નિતેશ સાથે કામ કરનાર ક્રિતિકા કામરાએ કહ્યું કે ‘તેના અવસાનથી શૉક લાગ્યો છે. શૂટિંગમાં તેની સાથે પસાર કરેલો સમય યાદ આવે છે. તેની ખૂબ યાદ આવશે.’
ઍક્ટર અશ્વિન મુશરાને કહ્યું કે ‘આજે મેં એક ફ્રેન્ડ અને એક પ્રેમાળ વ્યક્તિને ગુમાવ્યો છે. નિતેશ પાન્ડેના નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. થોડા દિવસો અગાઉ જ અમારી વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે ‘અશ્વિન, ચાલ મળીએ. નહીં તો જિંદગીભર ફોન પર બાત કરેંગે.’ હવે તો એ પણ નહીં કરી શકીએ. મારા ફ્રેન્ડ, હવે શાંતિથી યાત્રા કરજે.’

‘અનુપમા’માં લીડ રોલ ભજવતી રૂપાલી ગાંગુલીએ કહ્યું કે ‘તે એકમાત્ર ઇન્ડસ્ટ્રીમાં મારો ફ્રેન્ડ છે જે મારી સાથે સતત સંપર્કમાં હતો. મારા દીકરા રુદ્રાંશના જન્મ બાદ તે મને મળવા આવ્યો હતો. તેના અવસાન પર વિશ્વાસ નથી બેસતો. તેનો દીકરો આરવ મારા દીકરા રુદ્રાંશ કરતાં થોડા મહિના મોટો છે. તેણે થોડાં અઠવાડિયાં પહેલાં જ મને પેઇન્ટિંગ વિશે મેસેજ કર્યો હતો અને અમે દીકરાઓની મુલાકાતનો પ્લાન પણ ગોઠવી રાખ્યો હતો. અમારા ડૉગીને લઈને પણ પરસ્પર સંબંધો હતા. તેની વાઇફ અર્પિતા મારી જેમ જ ઍનિમલ કૅર ગિવર અને ફીડર છે. હું ભાંગી પડી છું. તે ખૂબ પ્રોટેક્ટિવ હતો. તે જ્યારે ‘અનુપમા’માં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારો બેસ્ટી મારી સાથે આવી ગયો છે. આ મહિનાની શરૂઆતમાં મને ફિલ્મના ગેટ-ટુગેધરમાં ખૂબ મોડું થઈ ગયું હતું. મેં તેને કહ્યું કે નો નો, ઘર જા અગલે હફ્તે મિલતે હૈં. એ વાતને આજે ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયાં. હવે તો હું તેને કદી પણ નહીં મળી શકું. વિશ્વાસ જ નથી બેસતો.’

entertainment news television news indian television