12 January, 2022 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
રામાનંદ સાગર દ્વારા નિર્મિત ધાર્મિત સીરિયલ `રામાયણ` સૌથી વધારે લોકપ્રિય શૉ હતો. 1987માં ડીડી નેશનલ પર પ્રસારિત થનાર આ શૉના 10 કરોડ દર્શક હતા. વાલ્મિકી રામાયણ અને તુલસીદાસના રામચરિતમાનસ પર આધારિત આ શૉના પ્રસારિત થવાની રાહ દરેક ઘરમાં જોવાતી. આ શૉની લોકપ્રિયતા એ હદે વધી ગઈ હતી કે આ શૉના કલાકારને લોકો ખરેખર ભગવાન સમજવા માંડ્યા હતા.
12 જાન્યુઆરી, 1958ના રોજ જન્મેલા અરુણ ગોવિલે આ ધારાવાહિક શૉમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ લોકો તેમને આ પાત્ર દ્વારા ઓળખે છે. તો આજે અરુણ ગોવિલના જન્મદિવસના અવસરે રામાયણના શૂટિંગ દરમિયા ભગવાન રામ સાથે થયેલી એક ઘટના વિશે જાણો અહીં.
રામાયણની લોકપ્રિયતાને કારણે જ આના કલાકારો પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ તેમને જુએ, તો તરત જઈને તેમને પગે લાગવા માંડે. આનું એક કારણ એ પણ હતું કે અરુણ ગોવિલે પોતાના પાત્રને ખૂબ જ પ્રમાણિકતાથી અને સરસ રીતે ભજવ્યું હતું જેથી લોકોને તેમનામાં પોતાના ભગવાન રામ દેખાવા લાગ્યા હતા. તાજેતરમાં જ રામાયણની સ્ટારકાસ્ટ `ધ કપિલ શર્મા શૉ`માં પહોંચી હતી. જેમાં અરુણ ગોવિલે રામાયણના શૂટ દરમિયાનનો એક કિસ્સો શૅર કર્યો હતો.
અરુણ ગોવિલ જણાવે છે કે, "હું તે સમયે ખૂબ જ સિગરેટ પીતો હતો. જેવો શૂટમાંથી બ્રેક મળતો હું સેટના પડદાની પાછળ જઈને સિગરેટ પીવા માંડતો. એકવાર જ્યારે લન્ચ બ્રેકમાં હું પડદા પાછળ સિગરેટ પીવા ગયો, તો એક અજાણ્યો શખ્સ મારી પાસે આવ્યો અને પોતાની ભાષામાં મને કંઇક કહેવા માંડ્યો. મને તેની ભાષા તો ન સમજાઇ, પણ એ સમજાયું કે તે કોઈક વાત માટે મને સંભળાવી રહ્યો હતો."
અરુણે આગળ જણાવ્યું તે, તેની વાત સમજવા માટે મારે સેટ પર હાજર એક વ્યક્તિને બોલાવીને તેને પૂછવું પડ્યું કે આ શખ્સ મને શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે તેણે મને જણાવ્યું કે આ કહી રહ્યો છે કે અમે તમને ભગવાન રામ સમજીએ છીએ અને તમે અહીં સિગરેટ પી રહ્યા છો. તેની આ વાત મને લાગી આવી અને ત્યારથી અત્યાર સુધી મેં ક્યારેય સિગરેટને હાથ નથી લગાડ્યો.
અરુણ ગોવિલના અભિનય કરિઅરની વાત કરીએ તો તેમણે મોટા પડદા પર ફિલ્મ `પહેલી` દ્વારા ડેબ્યૂ કર્યો હતો. તેમના અભિનયને કારણે તેમને `સાવન કો આને દો`, `અય્યાશ`, `ભૂમિ`, `હિમ્મતવાલા`, `દો આંખે બારહ હાથ` અને `લવ કુશ` જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી. થોડોક સમય પછી વર્ષ 1987માં દૂરદર્શન પર રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત સીરિયલ `રામાયણ` આવી. આ ધારાવાહિકમાં ભગવાન રામની ભૂમિકા માટે અરુણ ગોવિલની પસંદગી કરવામાં આવી. આ ધારાવાહિકના પ્રસારણના થોડાક દિવસ આ શૉની લોકપ્રિયતા એવા સ્તરે પહોંચી કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક વર્ષ સુધી ચાલનારી સીરિયલ પછી અરુણે ભગવાન બુદ્ધ, શિવ, રાજા હરીશચંદ્ર જેવા અનેક પાત્ર ભજવ્યા હતા. આ સિવાય તેમને અનેક ક્ષેત્રે ફિલ્મોમાં પણ જોવામાં આવ્યા હતા.