30 May, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન બિજલાણી તેના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો
અર્જુન બિજલાણી તેના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. એની એક ઝલક તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. તેને જોઈને ફૅન્સ પણ તેની સાથે સેલ્ફી લેવા માંડ્યા હતા. તેની નવી સિરિયલ ‘પ્યાર કા પહલા અધ્યાય : શિવશક્તિ’ની શરૂઆત થવાની છે. તે કાંઈ પણ નવી શરૂઆત કરતાં પહેલાં ભગવાનના આશીર્વાદ લેવા જાય છે. એ વિશે અર્જુન બિજલાણીએ કહ્યું કે ‘મારા માટે આ એક પરંપરા છે. હું જ્યારે પણ નવી શરૂઆત કરું ત્યારે બાપ્પાના આશીર્વાદ લઉં છું. આ વખતે તો મારો લકી ચાર્મ મારો દીકરો પણ મારી સાથે છે.’
મંદિરમાં દર્શન કરવાની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન બિજલાણીએ કૅપ્શન આપી હતી, ‘હું તમને સૌને જણાવવા માગું છું કે સિદ્ધિવિનાયક મંદિરે આશીર્વાદ મેળવવા માટે હું દર્શને ગયો હતો. મારા નવા શો ‘પ્યાર કા પહલા અધ્યાય : શિવશક્તિ’નું શૂટિંગ બનારસમાં શરૂ થવાનું છે. હંમેશાંની જેમ મને તમારા પ્રેમ અને આશીર્વાદ આ પ્રોજેક્ટની સફળતા માટે જોઈએ છે. મારા માટે પ્રાર્થના કરજો. તમે સૌએ આપેલા સપોર્ટ માટે આભાર.’