03 April, 2024 06:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલીનું કહેવું છે કે તેના પિતાને સારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા માગતી હોવાથી તેણે ઍક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. રૂપાલી ગાંગુલીએ ઘર ચલાવવાનું હોવાથી અને તેના પિતાનાં હૉસ્પિટલનાં બિલ ભરવાનાં હોવાથી કામ કરવાની શરૂઆત કરી હતી. તેના પિતા ખૂબ જ જાણીતા ફિલ્મમેકર અનિલ ગાંગુલી હતા જેમનું મૃત્યુ ૨૦૧૬માં થયું હતું. કામની શરૂઆત વિશે વાત કરતાં રૂપાલી ગાંગુલીએ કહ્યું કે ‘ટેલિવિઝનના દિવસો મારા સ્ટ્રગલિંગના દિવસો હતા. મારે ઘર ચલાવવાનું હોવાથી મને જે કામ મળતું એ હું કરી રહી હતી. બંગાળી કમ્યુનિટીમાં જાણે મને તરછોડી મૂકી હોય એવો વ્યવહાર કરવામાં આવતો હતો. લોકો મારા માટે દિલગીરી વ્યક્ત કરતા હતા, કારણ કે હું ટીવીમાં કામ કરતી હતી. જોકે મને એનાથી ફરક નહોતો પડતો, કારણ કે મારે ઘર ચલાવવાનું હતું. મારી કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી. મારાં કોઈ સપનાં નહોતાં. મારી એ જ ઇચ્છા હતી કે મારે મારા પિતાને મ્યુનિસિપલ હૉસ્પિટલમાં નહોતા રાખવા. મારે તેમને લીલાવતી જેવી સારી હૉસ્પિટલમાં રાખવા હતા. એ માટે હું કામ કરું એ જરૂરી હતું. હું અને મારો ભાઈ અમને જે મળ્યું એમાંથી સૌથી સારું શોધી લેતાં હતાં. હું મારા પિતા માટે કંઈ પણ કરી શકું છું. તેઓ મારી પ્રેરણા હતા, મારા ભગવાન હતા અને આજે પણ છે.’