11 January, 2025 10:52 AM IST | Mumbai | Jigisha Jain
એકતા સરૈયા
‘કેટલાક લોકો એવા હોય છે જેમણે પોતાનાં સપનાં પૂરાં કરવા માટે કિસ્મતથી ખૂબ લડવું પડે છે. ઘણા લોકો એવા હોય છે જેમને તેમની કિસ્મત ખોબા ભરી-ભરીને આપે છે. હું મારી જાતને નસીબદાર સમજું છું. ટીવી-ઇન્ડસ્ટ્રીએ મને ખૂબ આપ્યું છે. કામ તમને શીખવે અને કામ જ તમને બીજું કામ અપાવડાવે એ નિયમ પ્રમાણે છેલ્લાં ૧૯ વર્ષથી હું ટીવીમાં કામ કરું છું અને ઇચ્છું છું કે આ જ રીતે કામ કરતી રહું.’
આ શબ્દો છે એકતા સરૈયાના જે ‘અનુપમા’ સિરિયલમાં અનુપમાની નણંદ ડૉલીનો રોલ ભજવે છે. એકતાએ ૨૦૦૬માં બાલાજી ટેલિફિલ્મ્સની ‘કહીં તો હોગા’સિરિયલથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં એક ઍક્ટર તરીકે પદાર્પણ કર્યું અને પછી તેને એક પછી એક સિરિયલ મળતી ગઈ અને તે કામ કરતી ગઈ. લગ્ન પછી તેણે પોતે ૬ વર્ષનો બ્રેક લીધો હતો અને ત્યાર બાદ ફરીથી કામ કરવાનું શરૂ કર્યું હતું.
નાનપણ
એકતા અંધેરીમાં જ ઊછરી, મોટી થઈ અને અત્યારે પરણીને અંધેરીમાં જ રહે છે. નાનપણમાં સોનુ નિગમની બહેન ટીશા નિગમ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે મ્યુઝિકમાં ખાસ્સો રસ તેનો ડેવલપ થયો હતો. સ્કૂલના મ્યુઝિક ગ્રુપમાં તે ટીશા સાથે જ રહેતી. જોકે ક્યારેય ફૉર્મલ ટ્રેઇનિંગ નહીં લઈ શકવાનો એકતાને અફસોસ છે. સ્કૂલ પછી SNDT કૉલેજમાં હૉસ્પિટલિટી ઍડ્મિનિસ્ટ્રેશનમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. એ સમયની વાત કરતાં એકતા કહે છે, ‘મેં ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષમાં IITના મૂડ ઇન્ડિગો ફેસ્ટિવલમાં ફૅશન-શોમાં ભાગ લીધો હતો અને એમાં મને બેસ્ટ ફીમેલ મૉડલનો અવૉર્ડ મળ્યો હતો. આ અવૉર્ડે મારો આત્મવિશ્વાસ ખૂબ વધારી દીધો હતો. બાકી નાનપણથી હું અતિ શરમાળ છોકરી હતી, ઇન્ટ્રોવર્ટ હતી; પરંતુ આ એક કૉમ્પિટિશને મારામાં એક નવો ઉત્સાહ ભર્યો હતો.’
શરૂઆત
તો શું ત્યારે તમે નક્કી કરી લીધું હતું કે હવે ગ્લૅમરના રસ્તે જ જવું છે? એના જવાબમાં હસીને ના પાડતાં એકતા કહે છે, ‘મને તો લાગ્યું કે હું હૉસ્પિટલિટીમાં ભણી છું તો ઍરહૉસ્ટેસ બનું. એને માટે અમુક પ્રકારનો અનુભવ જોઈએ તો મેં ગ્રૅજ્યુએશન પછી એક જગ્યાએ કૉન્ટેક્ટ સેન્ટરમાં જૉબ પણ લીધી. એ સમયે મને પેલો અવૉર્ડ જીતવાને કારણે નાનું-સૂનું મૉડલિંગનું કામ મળ્યું હતું. પૉકેટમની માટે મેં એ કરી લીધેલું. એમાં પડાવેલા ફોટો ખબર નહીં કઈ રીતે બાલાજી ટેલિફિલ્મ્સમાં પહોંચી ગયા. હું તો ઍરલાઇનમાં જવાનું વિચારતી હતી પરંતુ એ પહેલાં જ એટલે કે ગ્રૅજ્યુએશન પછી કૉન્ટેક્ટ સેન્ટરમાં જૉબ લીધાને ૬ મહિના પણ નહીં થયા હોય ત્યાં મને બાલાજીમાંથી ફોન આવ્યો. તેમણે મને પૂછ્યું કે તમે ઍક્ટિંગ કરશો? મેં તેમને કીધું કે મેં ક્યારેય ઍક્ટિંગ કરી નથી. તેમણે કીધું કે આ ઑડિશન ‘કહીં તો હોગા’ માટે છે. આ એ શો હતો જે ઘરે બેસીને હું મારાં મમ્મી-પપ્પા સાથે દરરોજ જોતી. એના ઍક્ટર્સની હું તો ફૅન હતી. આવો ફોન આવે તો ના પડવાનો તો સવાલ જ નથી આવતો. એટલે હું ઑડિશન આપવા ગઈ અને સિલેક્ટ પણ થઈ ગઈ. ઘણા લોકોનું સપનું હોય છે આવું કામ કરવાનું, પણ મેં તો ક્યારેય વિચારેલું નહીં. બસ, કિસ્મતથી મને આ કામ મળ્યું અને હું કરતી ગઈ.’
લગ્ન
‘હમારી દેવરાની’ નામની સિરિયલ જ્યારે એકતા કરતી હતી ત્યારે એનાં પ્રોડ્યુસર શોભના દેસાઈનો ભાણેજ તેમના સેટ્સ પર અવારનવાર આવતો અને એ હતો જાગ્રત મહેતા. એના વિશે વાત કરતાં એકતા કહે છે, ‘જાગ્રત ફાસ્ટ બોલર હતો, જેણે ભારતની અન્ડર-17 ટીમમાં પર્ફોર્મ પણ કર્યું હતું, પણ એ સમયે તેને ઇન્જરી થઈ એટલે ક્રિકેટ છોડવું પડ્યું. તે ઘણો નિરાશ હતો અને તેને કોઈ નવી દિશા મળે એ માટે તેનાં માસી શોભનાબહેન તેને સેટ પર બોલાવતાં હતાં. અમે સેટ પર જ મળ્યાં. અમારા મનના તાર જોડાયા. બે વર્ષ અમે ડેટિંગ કર્યું. પછી સગાઈ કરી અને એક વર્ષ પછી લગ્ન. જાગ્રતે ધીમે-ધીમે આ ફીલ્ડમાં પોતાનો પગ જમાવ્યો. તેણે ડિરેક્શન કર્યું. ક્રીએટિવ તરીકે એક ચૅનલમાં પણ કામ કર્યું અને હાલમાં એક ઑડિયો પ્લૅટફૉર્મમાં તે ક્રીએટિવ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે.’
અફસોસ
૨૦૧૮માં એકતાના પપ્પા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેના જીવનની એ સૌથી મોટી દુખદ ઘટના હતી. એ વિશે વાત કરતાં એકતા કહે છે, ‘કોઈની એકદમ જ એક્ઝિટ ખૂબ જ અઘરી છે જીરવવી. એવું લાગે કે એકદમ જતા રહ્યા. કેટલું કહેવું હોય, કેટલું સાંભળવું હોય, એકબીજાને સમય આપવો હોય કે સાથે ફરવા જવું હોય. તેમની સાથે નાનપણથી જીવતાં હતાં અને અચાનક હવે તે નથી એ ખાલીપો કઈ રીતે પૂરવો? મને ખૂબ જ અફસોસ છે કે પપ્પા હવે મારી સાથે નથી.’
ડર
ડર તો મને વાઘ-ચિત્તાનોય નથી, પણ આ સોય... સોયથી મને ખૂબ ડર લાગે છે એ વિશે વાત કરતાં એકતા કહે છે, ‘તમે ટીવી પર જોયું હશે કે કેટલાક લોકો ડૉક્ટર પાસે જતા હોય ત્યારે ઇન્જેક્શન માટે બૂમાબૂમ કરી મૂકતા હોય છે. સોય જોઈને તેમની હાલત ખરાબ થઈ જાય છે એ વ્યક્તિ એટલે હું. મને ઇન્જેક્શન લેતી જોઈને બાળકો ડરી જાય છે. મારા પતિ જાગ્રતની હાલત ખૂબ જ ખરાબ થાય છે જ્યારે તેણે મને ડૉક્ટર પાસે લઈ જવાની હોય અને ડૉક્ટર કહે કે ઇન્જેક્શન આપવું પડશે. મને લાગે છે કે આ કોઈ ગયા જનમનો ડર પેસી ગયો છે. વધુમાં તકલીફ ત્યાં છે કે મને જેનાથી ડર લાગે છે એનો સામનો મને સૌથી વધુ કરવો પડે છે. મારા ઘરમાં સૌથી વધુ ડૉક્ટર પાસે મારે જ જવું પડે અને મારે જ ઇન્જેક્શન લેવાં પડે. એક વાર તો મેં ઇન્જેક્શન માંડ લીધું હતું અને એ પાકી ગયું. એની રસી નાનીએવી સર્જરી કરીને કાઢવી પડી. વળી એ ઘા જલદી રુઝાય એટલે એને ખુલ્લો રાખેલો અને જે ડ્રેસિંગ કરતા એમાં મને જ બળતરા થતી એ વાતથી અત્યારે પણ હું ધ્રૂજી જાઉં છું.’
ટ્રાવેલનો શોખ
એકતાને ટ્રાવેલ કરવાનો ઘણો શોખ છે. ટીવીના કામમાંથી સહેલાઈથી રજા મળતી નથી, પરંતુ જ્યારે પણ રજા મળે ત્યારે તે એનો પૂરેપૂરો સદુપયોગ કરી લે છે. પોતાના હૉલિડેઝ વિશે વાત કરતાં એકતા કહે છે, ‘મને ઍરલાઇન્સમાં જૉબ પણ એટલે જ કરવી હતી કે મને ટ્રાવેલ ખૂબ ગમતું. જુદી-જુદી જગ્યાએ ફરવું અને નવી-નવી જગ્યા એક્પ્લોર કરવાનું મને ખૂબ ગમે. ભારતમાં અમે ખૂબ ઓછું ફર્યાં છીએ.
બહાર પણ લંડન, હૉન્ગકૉન્ગ, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા અને બાલી જઈ આવી છું. આ વર્ષે યુએસ જવાનો પ્લાન છે અને જમૈકા એક્સ્પ્લોર કરીશું. જાણીતી જગ્યાએ જઈને હું અજાણ્યાં સ્થળો શોધી કાઢું અને ત્યાં એક્સ્પ્લોર કરું. આમ, હું બીચ પર્સન છું. મુંબઈમાં વર્ષોથી રહીને દરિયા સાથે પ્રેમ ન થાય એવું કઈ રીતે બને? મને સ્વિમિંગ નથી આવડતું પણ સ્નોર્કેલિંગ કરવાનું ગમે છે.’
આંતરિક ખુશી
એકતા નાની હતી ત્યારે તેને પશુઓ સાથે ખાસ કોઈ લગાવ નહોતો, પરંતુ એક સમયે તેના જીવનમાં તેનો પ્રથમ ડૉગ મિલર આવ્યો જેના થકી તે પેટ-મધર બની. એ અનુભવ વિશે વાત કરતાં એકતા કહે છે, ‘પ્રાણીઓ માટે ક્યારેય કોઈ જુદા પ્રકારનો પ્રેમ મેં અનુભવ્યો નથી, પરંતુ જે દિવસે મિલર અમારા જીવનમાં આવ્યો એ ક્ષણે મને ખરેખર માતૃત્વનો અહેસાસ થયેલો. એને અમે અમારા બાળકની જેમ ઉછેરીએ છીએ. પહેલાં તો ખૂબ ડર લાગતો, કારણ કે એક પશુનો ઉછેર સહેલો નથી. પશુઓ જીવનભર બાળક જ રહે છે. બાળક તો મોટું થાય અને આત્મનિર્ભર બને, પરંતુ કૂતરા તો જે રીતે હોય એ તમારી સંપૂર્ણ જવાબદારી જ ગણાય. પહેલાં તો મને ડર હતો કે હું એ જવાબદારી કઈ રીતે નિભાવીશ, પણ મિલર સાથે જીવન એટલું સુંદર બની ગયું કે હવે એના વગરના જીવનની અમે કલ્પના પણ નથી કરી શકતા.’
જોકે મિલર આવ્યાનાં થોડાં વર્ષ પછી એકતાના જીવનમાં બીજો શ્વાન પણ આવ્યો જેનું નામ તેમણે પાળ્યું ગ્લેન. એના વિશે વાત કરતાં તે કહે છે, ‘જેમ પેરન્ટ્સ નક્કી કરે કે એક બાળક બસ છે, અમને બીજાની જરૂર નથી એવું જ અમારું હતું. બીજા પેટ વિશે અમે વિચારતા જ નહોતા, પણ આ બધું પહેલેથી લખાયેલું હોય છે. ગ્લેન આવ્યા પછી અમારી ખુશી બેવડાઈ ગઈ છે. અમે ખૂબ ખુશ છીએ. આ અમારો એક જુદો જ સંસાર છે.