26 February, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપ સોની
‘ક્રાઇમ પૅટ્રોલ’ને હોસ્ટ કરનાર અનુપ સોનીનું કહેવું છે કે અન્ય ઍક્ટર્સની સરખામણીએ તેને ખૂબ ઓછું કામ મળે છે. તેણે ૨૦૧૯માં આ શો છોડી દીધો હતો. ત્યાર બાદ તેણે ‘ક્લાસ ઑફ 83’, ‘સાસ બહૂ આચાર પ્રાઇવેટ લિમિટેડ’, ‘તાંડવ’ અને ‘મિર્ગ’માં કામ કર્યું છે. પ્રોજેક્ટની પસંદગી વિશે અનુપ સોનીએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે મારું એવું માનવું છે કે હું જે પણ પસંદગી કરું એને અનેક લોકો જુએ. મારે હટકે અને અગત્યના રોલ કરવા છે. સાથે જ ઇન્ડસ્ટ્રીના ચોક્કસ લોકો સાથે પણ મારે કામ કરવુ છે. મને જે પણ સ્ક્રિપ્ટ ઑફર કરવામાં આવે એ મને પણ ગમવી
જોઈએ.’ પોતાને ઓછું કામ મળે છે એ વિશે અનુપ સોનીએ કહ્યું કે ‘એક વર્ષમાં કેટલાક ઍક્ટર્સ ઘણુંબધું કામ કરે છે અને એની સરખામણીએ મારી પાસે ખૂબ ઓછું કામ છે. મારી ઇમેજ બદલવામાં હજી સમય લાગશે. એક રાતમાં એ બધું નહીં બદલાઈ જાય. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે શો છોડ્યા પછી એક ઍક્ટર જે મહિનાના પચીસ દિવસ કામ કરતો હતો, તે હવે મહિનાના પાંચ જ દિવસ કામ કરે છે. હું નવા રોલ એક્સપ્લોર કરવા માટે તૈયાર છું.’