02 December, 2019 12:40 PM IST | Mumbai
ધ્યેય મહેતા
ઍન્ડ ટીવી પર ગઈ કાલે રાતે ૧૦ વાગ્યે પ્રસારિત થયેલા રોમૅન્ટિક-હૉરર શો ‘લાલ ઇશ્ક’માં રાજવીરના પાત્રમાં દેખાયેલો અભિનેતા ધ્યેય મહેતા હવે દંગલ ચૅનલ પર આવનારા શો ‘ક્રાઇમ અલર્ટ’માં જોવા મળશે.
મૉડલિંગથી કરીઅર શરૂ કરીને ‘દીકરી વ્હાલનો દરિયો’ જેવી ગુજરાતી અને ‘ખીચડી’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ સહિતની હિન્દી સિરિયલો કરી ચૂકેલો ધ્યેય હવે દંગલ ચૅનલના એપિસોડિક શો ‘ક્રાઇમ અલર્ટ’માં વેદના પાત્રમાં જોવા મળશે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેણે કહ્યું કે ‘પંખુડી અને વેદની લવસ્ટોરી ક્રાઇમ અલર્ટના શોમાં દર્શાવવામાં આવશે, જેમાં રોમાંચ અને સસ્પેન્સનું તત્ત્વ છેવટ સુધી હાજર રહેશે. વેદ ગરીબ છે અને પંખુડી પૈસાદાર. પંખુડીની મમ્મીનું પાત્ર વેદને પંખુડીના જીવનમાંથી નીકળી જવા માટે પૈસાની ઑફર કરે છે. દરમ્યાન પંખુડી પ્રેગ્નન્ટ થાય છે. એ દરમ્યાન પંખુડીની મમ્મીનું મર્ડર થઈ જાય છે. આ પ્રકારની વાર્તા એમાં રજૂ થશે.’
ગઈ કાલે રજૂ થયેલા ‘લાલ ઇશ્ક’ના એપિસોડ વિશે વાત કરતાં ધ્યેયે કહ્યું, ‘ઍન્ડ ટીવી સાથે હું છેલ્લા એક વર્ષથી સંકળાયેલો છું. ‘વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથા’ અને ‘પરમવતાર શ્રી કૃષ્ણ’ સિરિયલ પૂરી કર્યા પછી તરત જ મને ‘લાલ ઇશ્ક’ માટે કાસ્ટ કરવામાં આવ્યો. મેં પહેલી વખત હૉરર જોનરમાં કામ કર્યું માટે વધારે મજા આવી અને શીખવા મળ્યું.’