જેનિફર મિસ્ત્રીના ગંભીર આરોપો બાદ મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ, ટૂંક સમયમાં થશે પૂછપરછ

12 May, 2023 08:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યૌન શોષણ મામલે મુંબઈ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે અભિનેત્રીના ફરિયાદ નોંધવાના સમાચારની પુષ્ટિ કરી છે અને સાથે જ કહ્યું છે કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

ફાઇલ તસવીર

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશન ભાભીનો રોલ કરનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal)એ અસિત મોદી (Asit Kumarr Modi) પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમણે મુંબઈ પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીની ફરિયાદ મુજબ નિર્માતા અસિત કુમાર મોદી અને કેટલાક ક્રૂ મેમ્બર્સ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓ પર આરોપ લગાવતા અભિનેત્રીએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. હવે યૌન શોષણ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police)નું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે અભિનેત્રીના ફરિયાદ નોંધવાના સમાચારની પુષ્ટિ કરી છે અને સાથે જ કહ્યું છે કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અસિત મોદીની પ્રતિક્રિયા સામે આવી

યૌન શોષણના આરોપ બાદ અસિત મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. તે મને અને શૉ બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેની સેવાઓ સમાપ્ત કરી દીધી છે, તેથી તે પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.”

આ સિવાય શૉમાં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચંદાવરકરે પણ અભિનેત્રી દ્વારા નિર્માતાઓ પર લગાવેલા આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. મને એ પણ ખબર નથી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે.”

‘સત્ય બહાર આવશે’

આ બધાની વચ્ચે `રોશન સોઢી` ઉર્ફે જેનિફર મેસ્ત્રી બંસીવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે સીધું કહ્યું છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.

તારક મહેતાના નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ, જેનિફરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મામલાને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણીએ તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોને ખોટા ગણાવનારાઓને કવિતાની શૈલીમાં જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: `મારા મૌનને નબળાઈ ન સમજો...` જાતીય સતામણી મામલે જેનિફર મિસ્ત્રીએ શેર કર્યો વીડિયો

અભિનેત્રીએ કહ્યું, “મારા મૌનને નબળાઈ ન સમજો, હું ચૂપ હતી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે, યાદ રાખો તેના ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી.” રોશન સોઢીએ આ જવાબની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “સત્ય ટૂંક સમયમાં બધાની સામે આવશે, ન્યાય મળશે.”

entertainment news television news taarak mehta ka ooltah chashmah indian television mumbai mumbai police