19 May, 2023 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોનિકા ભદોરિયા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરનાર મોનિકા ભદોરિયાએ પણ અસિતકુમાર મોદી પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે ૨૦૧૯માં આ શો છોડી દીધો હતો, પરંતુ જેનિફર મિસ્ત્રી બન્સીવાલે તેના પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો ત્યાર બાદ આ શોમાં બાવરીનું પાત્ર ભજવનાર મોનિકાએ પણ તેના વિશે કહ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સને એક ઇન્ટરવ્યુમાં મોનિકાએ કહ્યું હતું કે ‘મેં શો છોડ્યો ત્યારે તેમણે મારા ચાર-પાંચ લાખ રૂપિયા અટકાવી રાખ્યા હતા. મારે એક વર્ષ સુધી મારા પૈસા માટે ફાઇટ કરવી પડી હતી. તેમણે દરકે આર્ટિસ્ટના પૈસા અટકાવી રાખ્યા છે. રાજ અનડકટ, ગુરુચરણ સિંહ ભાઈ વગેરેના પૈસા તેમને ટૉર્ચર કરવા માટે અટકાવી રાખ્યા છે. તેમની પાસે પૈસાની કમી નથી.’
મોનિકાની મમ્મી હૉસ્પિટલમાં હતી અને કૅન્સરની ટ્રીટમેન્ટ લઈ રહી હતી. આ દરમ્યાન તેને કોઈએ સપોર્ટ નહોતો કર્યો. આ વિશે વાત કરતાં મોનિકાએ કહ્યું કે ‘હું રાત હૉસ્પિટલમાં વિતાવતી હતી અને તેઓ મને વહેલી સવારે શૂટિંગ માટે બોલાવતા હતા. હું તેમને કહેતી કે હું હમણાં શૂટિંગ કરી શકું એવી હાલતમાં નથી તો પણ તેઓ મારી સાથે જબરદસ્તી કરતા હતા. સૌથી ખરાબ વાત તો એ છે કે હું સેટ પહોંચી જતી હોવા છતાં મારે રાહ જોઈને બેસી રહેવું પડતું હતું. મારું કોઈ કામ જ નહોતું થતું. મારી મમ્મીના મૃત્યુ બાદ મેકર્સનો સાંત્વના માટે પણ ફોન નહોતો આવ્યો. અસિતકુમાર મોદીએ સાત દિવસ બાદ મને ફોન કરીને કહ્યું કે મારે સેટ પર આવવું પડશે. મેં તેમને વિનંતી કરી હતી કે મારી માનસિક હાલત ખરાબ છે, પરંતુ તેની ટીમ મને કહેતી કે અમે લોકો તમને પૈસા આપીએ છીએ એથી જ્યારે ઇચ્છીએ ત્યારે તમને બોલાવી શકીએ છીએ પછી તમારી મમ્મી હૉસ્પિટલમાં હોય કે બીજું કોઈ. હું રોજ સેટ પર જતી હતી, કારણ કે મારી પાસે બીજો કોઈ ઑપ્શન નહોતો. તેમના સેટ પર ખૂબ જ ગુંડાગર્દી કરવામાં આવે છે. અસિતકુમાર મોદી કહે છે કે હું ભગવાન છું. આથી મેં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. આવી જગ્યા પર કામ કરવા કરતાં સુસાઇડ કરી લેવું સારું છે. સેટ પર જે કોઈ આવે છે તે ગંદી રીતે વાત કરે છે. સૌથી ખરાબ વર્તન તો સોહિલનું રહેતું હતું. શોમાં હાલમાં જે કામ કરી રહ્યા છે એ બોલશે નહીં. મારી પાસે પણ કંઈ ન બોલવાનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરાવ્યો હતો. અન્ય લોકો શો છોડીને જતા રહ્યા ત્યારે જેનિફર પણ કંઈ નહોતી બોલી. તેમની સાથે જ્યારે આવું થયું ત્યારે તેમણે અવાજ ઉઠાવ્યો. દરેકને પોતાની જૉબ બચાવવી છે. તેમણે જેટલું ટૉર્ચર કર્યું છે એટલું તો કોઈએ નથી કર્યું. શરૂઆતમાં મને મહિનાના ત્રીસ હજાર આપવામાં આવતા હતા. છ મહિના બાદ મારી સૅલરી વધારવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તેમણે એ નહોતું કર્યું. તેઓ હંમેશાં પૈસામાં બેઈમાની કરે છે. તેઓ સાચે જ કૂતરાની જેમ ટ્રીટ કરે છે. સૌથી ખરાબ વ્યક્તિ તો સોહિલ રામાણી છે. તેણે તો નટુકાકાને પણ નહોતા છોડ્યા.’