હિટ ગીત આપ્યા છતાં ગીતોની ઑફર્સ ન મળવાનું દુઃખ છે આદિત્ય નારાયણને

09 August, 2021 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં ઘરે બેસી રહેવાને બદલે ફરીથી ટેલિવિઝન પર કામ કરવાનો નિર્ણય લીધો. સાથે જ મારી યુટ્યુબ મ્યુઝક ચૅનલ પર પણ કામ કરવા લાગ્યો. મારી ચૅનલ પર કવર સાંભળ્યા બાદ એ. આર. રહમાને મને ‘દિલ બેચારા’માં એક ગીત ઑફર કર્યું.

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણનું કહેવું છે કે તેણે અનેક હિટ ગીતો ગાયાં છે આમ છતાં તેને ગીત ગાવાની ઑફર્સ નથી મળી રહી. તે ‘ઇન્ડિયન આઇડલ 12’નો હોસ્ટ છે અને આ જ તેની એક ઓળખ બની ગઈ છે. લોકો તેને એક હોસ્ટ તરીકે પણ જાણે છે. તેણે બાળપણથી જ સિન્ગિંગમાં કરીઅર બનાવવાની શરૂઆત કરી દીધી હતી. તેણે ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’માં પણ ગીત ગાયું હતું. ગીતોની ઑફર્સ ન આવવા વિશે આદિત્યએ કહ્યું હતું કે ‘મને એક ‘તતડ તતડ’ ગીત ગાવા મળ્યું હતું, જે હિટ થયું હતું. આ ફિલ્મથી તો રણવીર સિંહ પણ સ્ટાર બની ગયો અને મને લાગ્યું કે મારું જીવન હવે સરળ બની જશે. જોકે એ પછી તો મને કોઈ ઑફર્સ નથી આવી. મેં ઘરે બેસી રહેવાને બદલે ફરીથી ટેલિવિઝન પર કામ કરવાનો નિર્ણય લીધો. સાથે જ મારી યુટ્યુબ મ્યુઝક ચૅનલ પર પણ કામ કરવા લાગ્યો. મારી ચૅનલ પર કવર સાંભળ્યા બાદ એ. આર. રહમાને મને ‘દિલ બેચારા’માં એક ગીત ઑફર કર્યું.’
‘સા રે ગા મા પા’ને હોસ્ટ કરવાની જર્નીને યાદ કરતાં આદિત્યએ કહ્યું હતું કે ‘મને લાગ્યું કે આ એક સંગીત શો હતો. હું એક ગાયક છું એથી એ એક સ્વાભાવિક પસંદ છે. તો ચાલો એને અજમાવીએ. ત્યાર બાદથી હું ખૂબ પૉપ્યુલર બની ગયો. મને જલદી જ વધુ ટીવીની ઑફર મળવા લાગી હતી. ફિલ્મો પણ મળવા લાગી હતી. જોકે ગીત ત્યારે પણ મને મળ્યું નહીં.’

television news aditya narayan entertainment news