08 February, 2022 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રવીણ કુમાર સોબતી (તસવીર:ઈન્સ્ટાગ્રામ)
લોકપ્રિય શૉ `મહાભારત` (Mahabharat)માં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતી (Praveen Kumar Sobti)એ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી મુજબ, અભિનેતા લાંબા સમયથી બીમારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રવીણ કુમાર સોબતીએ માત્ર અભિનયની દુનિયામાં જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ બનાવ્યું હતું.
એશિયન ગેમ્સમાં કર્યુ ભારતનું પ્રતિનિધિત્વ
પ્રવીણ કુમાર સોબતી તેમના કદના કારણે લોકોમાં ખૂબ પ્રખ્યાત હતા. એક્ટર હોવા ઉપરાંત તેઓ એથ્લેટ પણ હતા. તેણે હેમર અને ડિસ્ક થ્રોમાં અનેક મેડલ જીત્યા છે. BSFમાં ભૂતપૂર્વ ડેપ્યુટી કમાન્ડન્ટ રહી ચૂકેલા પ્રવીણ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેણે હોંગકોંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 1960 અને 70ના દાયકા દરમિયાન એથ્લેટિક્સ તરીકે તે ખુબ લોકપ્રિય હતાં.
50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
પ્રવીણ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનને કારણે એટલા લોકપ્રિય બન્યા કે બીઆર ચોપરાએ ભીમના રોલ માટે તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રવીણ, જેણે ક્યારેય અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું ન હતું, તે પાત્ર વિશે જાણ્યા પછી બીઆર ચોપરાને મળવા પહોંચ્યા. પ્રવીણ કુમારનું કદ જોઈને તેણે કહ્યું, ભીમ મળી ગયો છે. અહીંથી પ્રવીણની એક્ટિંગ કેરિયરની શરૂઆત થઈ.
રાજકારણમાં કારકિર્દી બનાવી
50 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા પ્રવીણની છેલ્લી ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ હતું `મહાભારત ઔર બર્બર`. પ્રવીણ કુમાર સોબતીએ અહીં ભીમનું પાત્ર ભજવ્યું હતું. આ પછી અભિનય છોડીને પ્રવીણ કુમાર સોબતીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તેમણે આમ આદમી પાર્ટીની ટિકિટ પર દિલ્હીના વજીરપુરથી ચૂંટણી લડી. પરંતુ જીતી શક્યા ન હતા. થોડા સમય પછી તેઓ AAP છોડીને ભાજપમાં જોડાયા હતાં.
થોડા સમય પહેલા સરકાર પાસે મદદ માંગી હતી
થોડા સમય પહેલા પ્રવીણ કુમારે ગુજરાન ચલાવવા માટે પેન્શનની માંગણી કરી હતી. પોતાની આર્થિક કટોકટી વિશે માહિતી આપતાં તેમણે સરકાર પાસે મદદ પણ માંગી હતી.