08 November, 2022 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બૈસલા એકેએ એમસી સ્ક્વેર
ખેડૂતના દીકરા રેપર અભિષેક બૈસલા, જેનું સ્ટેજ નેમ એમસી સ્ક્વેર છે, તેણે ‘હસલ 2.O’ની ટ્રોફી જીતી લીધી છે. એમટીવી પર આવતા આ શોને રૅપર બાદશાહ જજ કરતો હતો. તેના તરફથી મળેલી પ્રશંસાથી તે અતિશય ખુશ છે. પોતાની જર્ની વિશે એમસી સ્ક્વેરે કહ્યું કે ‘ખેતીવાડીનું બૅકગ્રાઉન્ડ હોવાથી મારા માટે આ થોડું અઘરું રહ્યું, કેમ કે અમારા વિસ્તારમાં કોઈને હિપ-હોપ વિશે માહિતી નથી. આ સિવાય હું જે પરિવારમાંથી આવું છું ત્યાં હિપ-હોપની ચર્ચા કરવી એ સારી બાબત નથી ગણવામાં આવતી. એથી મારી ફૅમિલીને આના માટે મનાવવામાં ઘણો સમય લાગી ગયો.’
તે સિવિલ એન્જિનિયર છે, પરંતુ તેને હંમેશાંથી મ્યુઝિક પ્રત્યે જ પ્રેમ રહ્યો છે. એ વિશે એમસી સ્ક્વેરે કહ્યું કે ‘હું મારી બીટેક ડિગ્રીની તૈયારી કરી રહ્યો હતો. એ વખતે હું માત્ર એટલું જ વિચારતો હતો કે હું એવું શું લખું જેનાથી મારું મ્યુઝિક સારું બને. હું સ્ટડીમાં સારો હતો. એક કલાકાર હોવાથી હું જાણતો હતો કે શું વિચારું અને કંઈક એવું લૉજિક કરું અને સ્ટડીઝ પણ સારી રીતે થઈ ગઈ.’