02 March, 2020 01:54 PM IST | Ahmedabad | parth dave
ઝી ટીવી પર ૨૫ ફેબ્રુઆરીએ ‘કુરબાન હુઆ’ નામની ડ્રામા-સિરીઝ શરૂ થઈ છે જેમાં કરણ જોટવાણી અને પ્રતિભા રતના લીડ રોલમાં છે. દેવપ્રયાગનું બૅકડ્રૉપ ધરાવતા આ શોમાં નીલ (કરણ) અને ચાહત (પ્રતિભા) નામનાં બે પાત્રોની વાત છે જેઓ એકબીજાના પરિવારને ખતમ કરવા માટે લગ્નના તાંતણે બંધાય છે. આ શોમાં સંજય ગુરબાની, નીતિન ભસીન, નિષાદ વૈદ્ય જેવા કલાકારો છે અને જાણીતા કલાકાર આયામ મહેતા પણ મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા છે
આયામ મહેતા ‘અ વેનસ્ડે’, ‘પદ્માવત’, ‘મદ્રાસ કૅફે’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં તેમણે બ્રાહ્મણની ભૂમિકા ભજવી હતી અને ઝી ટીવીના શો ‘કુરબાન હુઆ’માં પણ તેઓ એ જ પ્રકારના લુકમાં જોવા મળશે. જોકે ‘કુરબાન હુઆ’માં તેઓ વ્યાસજીનો પૉઝિટિવ રોલ ભજવશે. વ્યાસજી એક બ્રાહ્મણ પૂજારી છે અને તેમને સરસ્વતી (સોનાલી નિકમ) અને નીલકંઠ (કરણ જોટવાણી) એમ બે બાળકો છે.
અમદાવાદની મુલાકાતે આવેલા આયામ મહેતાએ પોતાના રોલ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘આ એક અલગ પાત્ર છે જે મેં પહેલાં ક્યારેય નથી ભજવ્યું. વ્યાસનું પાત્ર સશક્ત અને રસપ્રદ છે. શહેરના લોકો તેમને આદરભાવે જુએ છે. વ્યાસજી દેખાવે થોડા વર્ચસ્વવાદી છે અને તેમણે કહેલી વાત કોઈ ટાળી શકતું નથી. જોકે તેમની દીકરી સરસ્વતી આવ્યા બાદ તેઓ દીકરીનું જ સાંભળે
છે, પરંતુ સરસ્વતીના મૃત્યુ બાદ તેઓ સદમામાં સરી પડે છે.’