06 January, 2020 04:30 PM IST | Mumbai Desk | parth dave
તામિલ કવિ તેનાલી રામાકૃષ્ણના જીવન પર આધારિત સબ ટીવી પર ૨૦૧૭થી આવતી સિરિયલ ‘તેનાલી રામા’ દર્શકોમાં અત્યંત લોકપ્રિય છે. તેનાલી રામાનું વાક્ચાતુર્ય અને બુદ્ધિક્ષમતા અભિનેતા કૃષ્ણા ભારદ્વાજ બખૂબી રીતે રજૂ કરે છે. આ ઉપરાંત રાજા કૃષ્ણદેવ રાયાના રોલમાં માનવ ગોહિલ, તાથાચાર્ય તરીકે પંકજ બેરી, રાજા બાલકુમારન તરીકે શક્તિ આનંદ તથા કાયકલા તરીકે વિશ્વજિત પ્રધાન પણ જાણીતા ચહેરા છે.
હવે સમાચાર છે કે કાયકલાના પુત્રના પાત્રને મેકર્સ ઇન્ટ્રોડ્યુસ કરાવવાના છે. વિશ્વજિત પ્રધાનનું પાત્ર ગયા વર્ષે એટલે કે ૨૦૧૯માં આવ્યું હતું. હવે તેના પુત્રના નેગેટિવ પાત્ર માટે અભિનેતા અજય ચૌધરીની પસંદગી થઈ છે. અજયને સ્ટાર પ્લસના ‘રિશ્તોં કા ચક્રવ્યૂહ’માં બલદેવ સિંહ તરીકે, કલર્સની ‘ઉત્તરણ’માં વિષ્ણુ કશ્યપ તરીકે તથા કલર્સની જ ‘ફૂલવા’માં એસીપી અભય સિંહના પાત્રમાં લોકોએ જોયો છે અને સ્વીકાર્યો છે.
છેલ્લે લાલ ઇશ્કના એક એપિસોડમાં દેખાયેલો અજય તેરી મેરી લવ સ્ટોરીઝ, દિલ સે દિયા વચન, કુમકુમ તથા સુજાતા સહિતની સિરિયલો પણ કરી ચૂક્યો છે. જોવાનું એ છે કે આ મહત્ત્વનું નેગેટિવ પાત્ર દર્શકોને કેટલું ગમે છે.