02 June, 2024 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
બરાબર ૧૫ વર્ષ પહેલા ટીવી પર એક સિરિયલ `પવિત્ર રિશ્તા` (Pavitra Rishta) શરૂ થઈ હતી. અંકિતા લોખંડે (Ankita Lokhande) અને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajputદ) આ શોમાં અર્ચના અને માનવ તરીકે આવ્યા અને બધાના દિલમાં વસી ગયા. આજે, `પવિત્ર રિશ્તા`ને ૧૫ વર્ષ પૂરા (15 years of Pavitra Rishta) થવા પર, અંકિતાએ શો અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો, જે એક સમયે તેનો બોયફ્રેન્ડ હતો અંકિતાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે જે પણ છે તે સુશાંતના કારણે છે અને તેના વિના તે કંઈ પણ કરી શકી ન હોત. ઈમોશનલ નોટની સાથે અંકિતાએ સુશાંત સિંહ રાજપૂત સાથેની ઘણી જૂની તસવીરો પણ શેર કરી છે, જેને જોઈને તમે જૂની યાદોમાં ખોવાઈ જશો.
`પવિત્ર રિશ્તા`ને ૧૫ વર્ષ પુર્ણ થતા અંકિતા લોખંડેએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ કરી છે. પ્રથમ પોસ્ટમાં, તેણે પવિત્ર રિશ્તાથી તેના સમગ્ર પ્રવાસની ઝલક બતાવી છે અને એકતા કપૂર તેમજ ચાહકોનો આભાર માન્યો છે. તો બીજા પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીતો પોસ્ટ કરીને ઈમોશનલ થઈ છે.
અંકિતા લોખંડેએ લખ્યું છે કે, ‘આ ફક્ત અર્ચનાના ૧૫ વર્ષ નથી. આ અર્ચના અને માનવના પણ ૧૫ વર્ષ છે. એક એવું કપલ જેણે પ્રેમ, લગ્ન, પરસ્પર સમજણ અને સાથનો આકાર આપ્યો. તેઓ સંપૂર્ણ છે. તે એ છે જેને આપણે "કપલ ગોલ્સ" કહીએ છીએ. તેઓએ મને શીખવ્યું કે લગ્નનો અર્થ શું છે.’
અભિનેત્રીએ આગળ લખ્યું છે કે, ‘મને ખાતરી છે કે અર્ચના અને માનવ જેવું વાસ્તવિક અને સુંદર ઓન-સ્ક્રીન કપલ બીજું કોઈ નથી અને આનો મોટો શ્રેય દર્શકોને જાય છે જેમણે અમને આટલો પ્રેમ આપ્યો. એકતા મેમના અમારા પરના વિશ્વાસને કારણે ચોક્કસ અમે તે જાદુ સર્જી શક્યા છીએ. માનવે અર્ચના પૂરી કરી. જ્યારે પણ અર્ચનાનો ઉલ્લેખ થશે, ત્યારે તે યાદ આવશે, કારણ કે તેનો પવિત્ર સંબંધ તમારા બધા સાથેના મારા પવિત્ર સંબંધ જેટલો પવિત્ર હતો! તેના માર્ગદર્શન વિના હું આજે જે છું તે બની શકી ન હોત. માનવ વિના અર્ચના નથી. આ મારી ઉજવણી જેટલી છે તેટલી જ તેની છે. તે જે હાંસલ કર્યું છે અને ત જે અભિનય પ્રતિભા બતાવી છે અમને તેના પર ગર્વ છે અને યાદ રાખો કે જ્યાં સુધી આકાશમાં તારા છે ત્યાં સુધી અમે એકબીજાને ટેકો આપીશું. નિકટતા હોય કે અંતર, આપણી વચ્ચે માત્ર પ્રેમ જ રહેશે... પવિત્ર રિશ્તા ત્યારથી અત્યાર સુધી અને હંમેશ માટે. અમે તમને યાદ કરીએ છીએ #સુશાંત.’
અંકિતા લોખંડેના આ પોસ્ટ પર ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો પ્રેમ વરસાવી રહ્યાં છે.
નોંધનીય છે કે, સિરિયલ `પવિત્ર રિશ્તા’ ૨૦૦૯થી ૨૦૧૬ દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. જેમાં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો હતો.