Dhunki Movie Review:એક સપનું પુરુ કરવાની સ્ટ્રગલ એટલે 'ધૂનકી'

27 July, 2019 01:32 PM IST  |  મુંબઈ ડેસ્ક | ભાવિન રાવલ

Dhunki Movie Review:એક સપનું પુરુ કરવાની સ્ટ્રગલ એટલે 'ધૂનકી'

ધુનકી

કાસ્ટઃ પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, વિશાલ શાહ, કૌશાંબી ભટ્ટ

ડિરેક્ટરઃ અનિશ શાહ

સ્ટોરી કહેતી હૈ.....

જરા વિચારો કે જો સવારે તમારા વાઈફ ઓફિસ જાય છે, અને ટિફિન તમે તૈયાર કરીને આપો !! ઉંધું છે ને, મેલ ઈગોને ન ગમે ને ! પણ છે નોર્મલ, બસ આપણે કરતા નથી. તો જે નથી કરતા એ કરવાની વાત અને એમાં આવતી મુશ્કેલીઓની વાર્તા એટલે અનીશ શાહની ધૂનકી. ફિલ્મની વાર્તા તમને કહી દઈશ તો તમને જોવાની મજા નહીં આવે. પણ ઈશારા ઈશારામાં વાત કરીએ તો આ બે કપલની નહીં પણ ચાર લોકોની વાત છે, ચાર જુદા જુદા વ્યક્તિઓની જર્ની છે. નિકુંજ (પ્રતીક ગાંધી)ને રસોઈ બનાવવી ગમે છે, અને 9 ટુ 5ની જોબથી કંટાળીને એ પેશનને ફોલો કરે છે. તેની ખાસ મિત્ર શ્રેયા (દીક્ષા જોશી)ને પણ રૂટિનથી હટીને કંઈક કરવું છે. એટલે બંને એક સ્ટાર્ટ અપમાં જોડાય છે. જો કે ફિલ્મ સ્ટાર્ટઅપની જર્ની નથી. એક ગમતું કામ કરવામાં આવતી અડચણો, બિઝનેસની મુશ્કેલીઓ અને પર્સનલ લાઈફના ક્લેશની વાર્તા છે. જેને દરેક વ્યક્તિ પોતાની સાથે કનેક્ટ કરી શકે છે. એટલે ફિલ્મનો પ્લસ પોઈન્ટ તેની સ્ટોરી તો છે જ.

એક્ટિંગમાં અવ્વલ

સાથે જ પ્રતીક ગાંધી એઝ ઓલવેઝ એક્સપ્રેશનના બાદશાહ છે. કોમિક સીન હોય કે ઈમોશનલ, પ્રતીકનો ફેસ જોઈને જ દર્શકો કનેક્ટ કરી લે. એમાંય સેલફીશ વાળો સીન તો ગજ્જબ (ના, ના હવે સ્પોઈલર નથી !) તો દીક્ષા જોશીને ફિલ્મની શરૂઆતથી જોવાની મજા આવશે. વિશાલ શાહે પોતાનું પાત્ર એવું પકડ્યું છે કે જો કદાચ તમે તેમને રિયલમાં મળો તો તમે તેમની સ્ક્રીન ઈમ્પેક્ટ લઈને જ મળશો. અને કૌશામ્બી ભટ્ટ બ્યુટીની સાથે બ્રિલિયન્ટ એક્ટિંગ.

આ તો જોવું જ પડે

સાથે એક વાત ખાસ જે ગમી એ છે ફિલ્મનું ડિટેઈલિંગ. તમે ધ્યાન આપશો તો AP નંબરની કાર જોઈને સવાલ થશે ! જવાબ તમને ફિલ્મમાં જ મળશે. આ ઉપરાંત કેટલીક મોમેન્ટ્સ પર આવતી ધૂનકીની બેકગ્રાઉન્ડ ધૂન પણ અમેઝિંગ છે. તો પછી ખરાબ શું છે ?

લાગે છે અહીં ચૂકી ગયા

ફિલ્મમાં ચોટદાર વન લાઈનર્સની કમી વર્તાય. જેમ કે દાળમાંથી મીઠુ કેમ કાઢવું, એવા 4-5 કોમિક સીન વધારે હોત તો હજી મજા આવત. વળી, ફર્સ્ટ હાફ સ્લો છે. તમારે વેઈટ કરવી પડે એક કલાક સુધી કે આગળ ફિલ્મ કેમ જોવી ? કારણ કે જર્નીના ટર્ન આવતા જ સુધીની સ્ક્રીપ્ટ ખેંચાઈ છે. અને ઈન્ટરવલ પણ કોઈ ટ્વિસ્ટ વગર આવી જાય છે. માંડ ફિલ્મ શરૂ થાય, ત્યાં જ ઈન્ટરવલ આવે.

જો કે ફિલ્મની આ 3-4 નેગેટિવ બાબતો સારી સ્ક્રીપ્ટ અને મસ્ત એક્ટિંગ સામે માફ કરી શકાય. પણ એઝ અ વ્યુઅર બધાને પસંદ આવે એવી શક્યતા ઓછી છે. કારણ કે ટિપિકલ કોમેડી સ્ટાઈલ ગુજરાતી ફિલ્મ નથી. વીક એન્ડમાં ફેમિલી સાથે જોશો તો મજા આવશે. કદાચ તમારા પોતાના સપના માટે પ્રેરણા પણ મળી જાય.

આ પણ વાંચો : Dhunki:એક નવી શરૂઆતથી સફળતા સુધીનો સંઘર્ષ દેખાયો ટ્રેલરમાં

એટલે તમામ સારા અને ખરાબ પાસાને ધ્યાનમાં રાખતા મિડ ડે મીટર પર 'ધૂનકી'ને મળે છે 5માંથી 3 સ્ટાર

મિડ ડે મીટર: 5માંથી 3 સ્ટાર

તા.ક. યાર, તમે ક્યારેય ઈંટવાળી દાળ ખાધી છે !!!!

gujarati film gujarati mid-day movie review