ફિલ્મ-રિવ્યુ: પતિ, પત્ની ઔર વોહ - જૂની પ્રોડક્ટનાં નવાં રંગરૂપ

07 December, 2019 12:29 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ: પતિ, પત્ની ઔર વોહ - જૂની પ્રોડક્ટનાં નવાં રંગરૂપ

પતિ, પત્ની ઔર વોહ

ભૂમિ પેડણેકર, અનન્યા પાન્ડે અને કાર્તિક આર્યનની ગઈ કાલે રિલીઝ થયેલી ‘પતિ, પત્ની ઔર વોહ’ સંજીવકુમારની ૧૯૭૮માં આવેલી એ જ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મને જોકે આજના યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓને. આજના જમાનામાં મહિલાઓ કોઈથી દબાઈને નથી રહેતી, પછી તે તેના પિતા હોય કે પતિ.

સ્ટોરી-ટાઇમ

આ ફિલ્મમાં એવું કંઈ નથી જે તમે આજ સુધી ન જોયું હોય, પરંતુ એમ છતાં એને કૉમેડી સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. ‘પતિ’ એટલે કે ચિન્ટુ-અભિનવ- ત્યાગીના પાત્રમાં કાર્તિક આર્યને કામ કર્યું છે. ‘પત્ની’ એટલે કે વેદિકા ત્રિપાઠીના પાત્રમાં ભૂમિ પેડણેકર અને ‘વોહ’ એટલે કે તપસ્યા સિંહના પાત્રમાં અન્નયા પાન્ડેએ કામ કર્યું છે. ચિન્ટુ કાનપુરના પીડબ્લ્યુડીમાં એન્જિનિયર હોય છે. તે એન્જિનિયર બનતાં તેના પપ્પા તેનાં લગ્ન વેદિકા સાથે કરાવી દે છે. વેદિકા સાથેનાં ત્રણ વર્ષના લગ્નજીવન બાદ ચિન્ટુ કંટાળી જાય છે. આ જ દરમ્યાન ‘વોહ’ એટલે કે તપસ્યાની એન્ટ્રી થાય છે. તપસ્યાથી અટ્રૅક્ટ થઈ ચિન્ટુ તેના લગ્નજીવન વિશે છુપાવવાની કોશિશ કરે છે. તે એમ પણ કહે છે કે તેની પત્નીનું બીજા સાથે અફેર ચાલે છે અને તે લગ્નજીવનમાં ખુશ નથી. જોકે તેનું અફેર પકડાઈ જાય છે ત્યારે શું થાય છે એ જોવું રહ્યું.

ઑલ-ઇન-વન

ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન અને સ્ક્રીનપ્લે બધું જ મુદસ્સર અઝીઝે કર્યું છે. ‘હૅપી ભાગ જાએગી’ના રાઇટર-ડિરેક્ટરે આ ફિલ્મ સાથે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. સ્ટોરીમાં કોઈ નવીનતા નહોતી. આ કોઈ આઉટ-ઑફ-ધ-બૉક્સ ફિલ્મ નથી, પરંતુ એમ છતાં એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મુદસ્સર અઝીઝે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. તેણે સ્ટોરીમાં સૌથી મહત્વનું કામ એ કર્યું છે કે તેણે ક્યારેય મહિલાને બિચારી નથી દેખાડી. તેમ જ જરૂર પડ્યે તેણે મહિલાઓ જે કરતાં ડરે છે એ પણ કરીને દેખાડ્યું છે. તેણે મૉડર્ન છોકરીની ઇમેજને ખૂબ જ સારી રીતે ચીતરી છે. ફિલ્મ બે કલાકની છે અને એમાં દર્શકોને સતત એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા અને એન્ગેજિંગ બનાવવા તેણે સ્ક્રીનપ્લે અને ડિરેક્શનમાં ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મ સતત આગળ વધતી રહે છે અને એમાં તેણે લખનઉ અને કાનપુરનાં રિયલ લોકેશનને ખૂબ જ સારી રીતે દેખાડ્યાં છે. એક મિડલ-ક્લાસ ફૅમિલીની લાઇફમાં કોઈ ખૂબસૂરત છોકરીની એન્ટ્રી થાય એને પણ તેણે ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ ડાયલૉગ છે. સ્ટોરી, ડિરેક્શન અને ઍક્ટિંગની સાથે ડાયલૉગ પણ દર્શકોને હસાવવા માટે ખૂબ જ જરૂરી છે અને એ પાછળ ખૂબ જ મહેનત કરવામાં આવી છે.

ઍક્ટિંગ

કાર્તિક આર્યને તેની ઍક્ટિંગની ક્ષમતા પૂરી કરી છે અને આ ફિલ્મમાં પણ તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે ઘણી વાર તે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ના ઝોનમાં જતો જોવા મળ્યો છે, પરંતુ ફરી એમાંથી તરત બહાર નીકળી આવે છે. આ ફિલ્મ માટે તેણે લુકની સાથે પેટ પણ વધાર્યું હોય એવું લાગી રહ્યું છે. ભૂમિ એક મૉડર્ન અને ઇન્ડિપેન્ડન્ટ પત્નીના લુકમાં લાજવાબ છે. તે પહેલી વાર ગ્લૅમરસ લુકમાં જોવા મળી છે અને તે ઑન-ધ-પૉઇન્ટ છે. અનન્યાની આ બીજી ફિલ્મ છે, પરંતુ તે ખૂબ જ કૉન્ફિડન્ટ લાગી રહી છે. તેના પાત્રને તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે ફિલ્મમાં સૌથી મોટો પ્લસ પૉઇન્ટ અપારશિક્ત ખુરાના છે. તેની ઍક્ટિંગ ખૂબ જોરદાર છે અને તેની પાસે સૌથી સારા ડાયલૉગ છે. તેની પંચલાઇન, તેની ઍક્ટિંગ અને ટાઇમિંગ બધું જ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા માટે પૂરતું છે.

મ્યુઝિક

ફિલ્મનું મ્યુઝિક પહેલેથી લોકપ્રિય છે. એનું દરેક ગીત ફેમસ છે. ફિલ્મમાં પણ ગીત આવે ત્યારે એ બોરિંગ નથી લાગતાં. ‘દિલબરા’ અને ‘ધીમે ધીમે’ ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે.

મેસેજ

ફિલ્મમાં એક અદ્ભુત મેસેજ આપવામાં આવ્યો છે કે મહિલાઓ કોઈ કમ નથી. ભૂમિ ફિલ્મમાં ટીચર છે અને તેની પાછળ સ્કૂલના છોકરાઓ લટ્ટુ થઈને ફરે છે. તેમ જ તે પોતાને ફિટ રાખવા જિમમાં જતી હોય છે. ફિલ્મમાં એક ડાયલૉગ છે કે છોકરા કરતાં છોકરીઓ પાસે એક ઑપ્શન વધુ હોય છે, પરંતુ તેમને તેમની સીમા ખબર હોય છે.

માઇન્સ પૉઇન્ટ

ફિલ્મમાં કાર્તિક આર્યન શું કામ ત્રણ વર્ષમાં તેની પત્નીથી કંટાળી જાય છે એને સારી રીતે દેખાડવામાં નથી આવ્યું. તે કંટાળી ગયો હોય છતાં તે નવાં-નવાં લગ્ન થયાં હોય એમ તેની પત્ની પાસે સેક્સ માટે ફલર્ટ કરતો જોવા મળે છે. ભૂમિ કાનપુર છોડીને દિલ્હી જવા માટે સતત ફોર્સ કરતી હોય છે, પરંતુ એ કારણસર લગ્નજીવનમાં કંટાળી ગયો હોય એ જરૂરી નથી. બસ, ફિલ્મમાં એક દૃશ્ય દેખાડવામાં આવ્યું છે કે તેનું ટિફિન ત્રણ વર્ષમાં સતત નાનું થતું જાય છે અને એક દિવસ ફક્ત એમાં બિસ્કિટ અને સૅન્ડવિચ હોય છે. જોકે એ પરથી એવું નથી લાગતું કે તેમના લગ્નજીવમાં કોઈ રિયલ પ્રૉબ્લેમ હોય.

આ પણ વાંચો : ઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે

આખરી સલામ

નવી બૉટલમાં જૂના દારૂને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે ભરવામાં આવ્યો છે. કોઈ પણ જાતના સરપ્રાઇઝ વિના ફૅમિલી સાથે આ હળવી કૉમેડી ફિલ્મને જોઈ શકાય છે.

kartik aaryan bhumi pednekar Ananya Panday bollywood news film review movie review bollywood movie review