11 May, 2023 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉબર્ટ દ નીરો
હૉલીવુડ સ્ટાર રૉબર્ટ દ નીરો ૭૯ વર્ષની વયે સાતમા બાળકના પિતા બન્યા છે. ૧૭ ઑગસ્ટે તેમનો બર્થ-ડે છે અને તેઓ ૮૦મા વર્ષમાં પ્રવેશ કરશે. રૉબર્ટે સાતમી વખત પિતા બનવાના ન્યુઝ પોતે જ આપ્યા છે. જોકે બાળક અને તેની મમ્મી વિશે તેમણે વધુ માહિતી નથી આપી. તેમની આગામી કૉમેડી ફિલ્મ ‘અબાઉટ માય ફાધર’ રિલીઝ થવાની છે. એના પ્રમોશન દરમ્યાન તેમણે આ વાત કહી છે. રૉબર્ટ દ નીરોનાં અન્ય બાળકો અને પત્ની વિશે જણાવીએ તો પહેલી પત્ની ડાયના ઍબોટથી તેમને ડ્રેના અને રાફેલ નામનાં બે બાળકો છે. ત્યાર બાદ ઍક્ટ્રેસ ટૉકી સ્મિથ દ્વારા જોડિયાં બાળકો જુલિયન અને ઍરોન છે. ગ્રેસ હાઇટાવરથી તેને એક દીકરો ઇલિયટ અને દીકરી હેલન ગ્રેસ છે. હવે સાતમા બાળકના પણ તેઓ ડૅડી બની ગયા. ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને પેરન્ટિંગ વિશે પૂછતી વખતે જણાવવામાં આવ્યું હતું કે તેમને છ બાળકો છે. જોકે એને સુધારતાં રૉબર્ટે કહ્યું કે ‘ખરેખર તો સાત છે. તાજેતરમાં જ એક બાળકનો જન્મ થયો છે.’