06 February, 2024 06:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૅપર જે ઝી
રૅપર જે ઝીએ તેની પત્ની બિયોન્સેને એક પણ વાર ‘આલબમ ઑફ ધ યર’નો અવૉર્ડ ન આપતાં ગ્રૅમીની આલોચના કરી છે. લૉસ ઍન્જલસમાં યોજાયેલા ૬૬મા ગ્રૅમી અવૉર્ડ્સમાં જે ઝીને ડૉ. ડ્રે ગ્લોબલ ઇમ્પૅક્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ અવૉર્ડ સ્વીકારવા તે તેની દીકરી બ્લુ આઇવી સાથે સ્ટેજ પર ગયો હતો. એ દરમ્યાન સ્પીચમાં જે ઝીએ કહ્યું કે ‘હું ફક્ત એટલું કહી રહ્યો છું કે તમે યોગ્ય રીતે કામ કરો. અમે બધા તમને પસંદ કરીએ છીએ. અમે બધા ઇચ્છીએ છીએ કે તમે યોગ્ય કામ કરો. બની શકે તો એકદમ યોગ્ય રહેવાની કોશિશ તો કરો. મને ખબર છે કે આ મ્યુઝિક છે એથી એ ઓપિનિયન પર આધારિત છે, પરંતુ કેટલીક વાતો ધ્યાનમાં રાખવા જેવી છે (પત્ની બિયોન્સે તરફ જોઈને). હું આ યુવાન છોકરીને શરમમાં મૂકવા નથી માગતો, પરંતુ તેની પાસે દરેક વ્યક્તિ કરતાં વધુ ગ્રૅમી છે અને એમ છતાં તેને એક પણ વાર આલબમ ઑફ ધ યરનો અવૉર્ડ નથી મળ્યો. તમે તમારા પોતાના મેટ્રિક્સ મુજબ જોશો તો પણ આ શક્ય નથી. આ વિશે વિચાર કરવો જોઈએ. સૌથી વધુ ગ્રૅમી જીતનારને એક પણ આલબમ ઑફ ધ યર નથી મળ્યો. એ શક્ય નથી. હું જ્યારે નર્વસ હોઉં છું ત્યારે એકદમ સાચું બોલું છું.’