કેરલાના બુકચોરની સ્ટોરીથી ખુશ થઈ હૅરી પૉટરની રાઇટર જે. કે. રોલિંગ

13 July, 2024 10:14 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

૧૭ વર્ષ બાદ મલયાલમ ફિલ્મમાં પણ કામ કરતા રીઝ થોમસે એક બુક લખી છે જેનું નામ છે 90’s કિડ.

જે. કે. રોલિંગ

કેરલાના એક માણસે હાલમાં જ એક બુક સ્ટોરમાં જઈને ૧૭ વર્ષ પહેલાં ચોરેલી બુક પાછી આપી હતી. આ બુક જે. કે. રોલિંગ દ્વારા લખેલી હૅરી પૉટર સિરીઝની સાતમી એટલે કે હૅરી પૉટર ઍન્ડ ધ દેથલી હોલોસ હતી. આ બુક ૨૦૦૭માં આવી હતી અને કેરલાના રીઝ થોમસને એ બુક વાંચવી હતી. એ સમયે તે નવમા ધોરણમાં ભણતો હતો. તેની ફૅમિલીએ એ બુક ખરીદવાની ના કહેતાં તેણે લોકલ લાઇબ્રેરીમાં એ બુક શોધી હતી. જોકે એ બુક તેને ન મળતાં તેના ફ્રેન્ડે તેને એ બુક ચોરી કરવાની ચૅલેન્જ આપી હતી. રીઝ થોમસે એ બુક ચોરી લીધી હતી. જોકે થોડા દિવસ બાદ તે ફરી જ્યારે એ બુક સ્ટોરમાં અન્ય બુક લેવા ગયો ત્યારે માલિકને તેના પર શક ગયો હતો. આને લીધે રીઝ થોમસ ફરી ક્યારેય એ શૉપમાં નહોતો ગયો. ૧૭ વર્ષ બાદ મલયાલમ ફિલ્મમાં પણ કામ કરતા રીઝ થોમસે એક બુક લખી છે જેનું નામ છે 90’s કિડ. પોતે લખેલી આ બુકની સાથે ૧૭ વર્ષ પહેલાં ચોરેલી હૅરી પૉટરની બુક પણ એ માલિકને આપી હતી. આ સ્ટોરી વાઇરલ થતાં જે. કે. રોલિંગે એ વિશે ટ્વીટ કર્યું હતું કે ‘આ સ્ટોરી શૅર કરવાથી લોકો મારા પર બુક ચોરવા માટે હું પ્રોત્સાહિત કરી રહી હોવાનો આરોપ મૂકશે. એથી મહેરબાની કરીને ક્યારેય બુક ચોરી ન કરવી, એ ખૂબ જ ખરાબ વાત કહેવાય છે. જોકે આ વાંચીને મને ખૂબ જ ખુશી થઈ છે.’

harry potter jk rowling kerala hollywood news life masala entertainment news