17 August, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્વેઇન જોન્સન
હૉલીવુડના સ્ટાર ડ્વેઇન જોન્સને તેના પાત્ર બ્લૅક ઍડમની એકલાની ફિલ્મ બનાવવા માટે મેકર્સ સાથે ઘણી ફાઇટ કરવી પડી હતી. ડીસી કૉમિકના સુપરહીરો બ્લૅક ઍડમ તરીકે ડ્વેઇન જોવા મળી રહ્યો છે. તેનું બ્લૅક ઍડમનું પાત્ર અને શઝામ બન્ને સાથે જોવા મળવાનાં હતાં. જોકે આ સ્ટોરી જ્યારે ડ્વેઇન પાસે આવી ત્યારે તેણે અલગ જ મંતવ્ય આપ્યું હતું. મેકર્સ સાથે કરેલી વાતચીત વિશે ડ્વેઇને કહ્યું કે ‘અમારી પાસે જ્યારે ફિલ્મને પહેલો પાર્ટ આવ્યો ત્યારે બ્લૅક ઍડમ અને શઝામ બન્ને કેવી રીતે આવ્યા એની સ્ટોરી એક જ ફિલ્મમાં હતી. આ જ તેમનો ગોલ હતો એથી એમાં કોઈ સરપ્રાઇઝ નહોતી લાગી. જોકે મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મોને આ રીતે ન બનાવી શકાય. ‘બ્લૅક ઍડમ’ને આ રીતે દેખાડવો ખોટો છે. શઝામની બે સ્ટોરી એક જ ફિલ્મમાં લેવામાં આવે તો એ ચાલી શકે એમ હતું, પરંતુ બ્લૅક ઍડમ સાથે એ યોગ્ય નહોતું. મેં મેકર્સ પાસે જઈને કહ્યું કે આ વિશે મારે મારા વિચાર રજૂ કરવા છે. હું જે કહેવાનો હતો એ લોકોને સારું નહોતું લાગવાનું, કારણ કે દરેક એમ કહી રહ્યા હતા કે આ સ્ક્રિપ્ટ ખૂબ જ સારી છે, ચાલો, એના પર ફિલ્મ બનાવીએ. મેં તેમને કહ્યું કે તેઓ શઝામ જે રીતે બનાવવા માગે છે એ જ રીતે બનાવે, પરંતુ તેમણે આ ફિલ્મ અલગથી બનાવવી જોઈએ.’
અંતે ડ્વેઇન જોન્સનની જીત થઈ હતી અને બન્ને ફિલ્મ અલગ-અલગ બનાવવામાં આવી હતી.