ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એની પા પા પગલી

19 November, 2023 04:41 PM IST  |  Mumbai | Bhavya Gandhi

એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો આવતી નથી એટલે અમે જોવા જતા નથી. હવે તો ફિલ્મો જ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થાય છે એ પછી પણ જવા માટે ઑડિયન્સ તૈયાર નથી

ભવ્ય ગાંધી

ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી એવી ફરિયાદ છેલ્લાં કેટલાંક વર્ષથી તમે સાંભળતા આવ્યા છો? કેટલા વખતથી આ એકની એક વાત બધા કરે છે ને પાછો આ જ વર્ગ નાટક જોવા માટે હોંશે-હોંશે જાય છે. જે નાટક સાથે જોડાયેલો છે, જે નાટકમાં કામ કરે છે એમાંથી જ તો મોટા ભાગના કલાકારો આ ફિલ્મમાં હોય છે અને એ પછી પણ તમે નાટક જોવા રાજી છો, પણ ફિલ્મ માટે તમને આગ્રહ કરીને કહેવું પડે છે, સમ આપવા પડે છે. શું કામ? જવાબ છે માત્ર એક જ વાત, ‘ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી.’

મારો જન્મ પણ નહીં થયો હોય એ સમયની આ ફરિયાદ આજે પણ લોકો પાસે અકબંધ છે, પણ આ ફરિયાદના જવાબ માટે તમે તેણે જ જોયેલી છેલ્લી બેચાર ફિલ્મનું નામ આપવાનું કહો કે તરત જ તેમની બોલતી બંધ થઈ જાય. કારણ કે તેઓ ફિલ્મ જોવા જતા જ નથી. તમે ફિલ્મ જોવા જતા નથી તો પછી કેવી રીતે એ ફિલ્મને ખરાબ કહ્યા કરો છો? જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તમે દસકાઓથી નાતો તોડી નાખ્યો છે ત્યારે તમે કેવી રીતે એને દોષ આપી શકો? આ તમારી ભૂલ છે અને આ ભૂલની સજા આજે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભોગવે છે.
નાટક કરતાં ઑલમોસ્ટ અડધી કિંમતમાં ગુજરાતી ફિલ્મની ટિકિટ મળે છે છતાં નાટક માટેની તમારી તૈયારી છે, પણ ફિલ્મ જોવા જવાની તમારી તૈયારી નથી. આ હિસાબ કોઈ કારણે ગળે ઊતરતો નથી. મને કે પછી અમારી આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ વાતથી લગીરેય ફરક નથી પડતો કે તમે નાટક માટે પૈસા ખર્ચો છો. ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જનેતા છે, એનાથી અમને કોઈ પ્રૉબ્લેમ હોઈ જ ન શકે. જો લાઇવ આર્ટ જીવશે તો જ ત્યાંથી એવા-એવા કલાકારો સામે આવશે જેને જોવા માટે લોકો ફિલ્મોમાં લાઇન લગાવશે, પણ આ જ વાત આગળ તમને કહી, એ જ કલાકારો ફિલ્મોમાં હોય છે ત્યારે કેમ એ જોવા જવા માટે તમે રેડી નથી થતા, એ જ કલાકારો થકી બહુ સરસ ફિલ્મો બને છે તો એ પછી પણ કેમ ગુજરાતી ફિલ્મો માટે

તમારા પગ નથી ઊપડતા? 
એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો આવતી નથી એટલે અમે જોવા જતા નથી. હવે તો ફિલ્મો જ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થાય છે એ પછી પણ જવા માટે ઑડિયન્સ તૈયાર નથી. આ નિરાશાવાદી સ્વભાવનું પરિણામ છે અને આ પ્રકારના નેચરને લીધે જ આજે આપણી ગુજરાતી ભાષાને પણ તકલીફ પડે છે. 
ન્યુઝપેપરથી લઈને ફિલ્મો સુધી, સ્કૂલથી લઈને મૅગેઝિન સુધી જ્યાં પણ ગુજરાતીની વાત આવે ત્યાં લોકોનાં મંતવ્ય તરત જ બદલાઈ જાય છે, પણ મારે એક વાત કહેવી છે કે જે ગુજરાતી સામે તમે મોઢું મચકોડો છો એ જ ગુજરાતી ભાષામાં તમારું ઘડતર થયું છે એ કેમ ભૂલી ગયા છો? પેરન્ટ્સ કેવી રીતે એ ભૂલી શકે કે તેમણે ગુજરાતી મીડિયમમાં જ શિક્ષણ લીધું હતું અને ગુજરાતી ન્યુઝપેપર અને સ્ટોરીબુક્સ વાંચીને જ તેઓ મોટાં થયાં છે. ગુજરાતી ફિલ્મો પણ તેમણે દાદા-દાદી સાથે જઈને જોઈ છે અને ગુજરાતી ફિલ્મોમાં આવતા એ જ ગરબા પર તેમણે બહુ નવરાત્રિઓ પસાર કરી છે. વાત મેન્ટાલિટીની છે. બીજાને દેખાડી દેવા 
માટે આપણે તરત જ તૈયાર થઈ જઈએ છીએ. સોસાયટીમાં લોકોની સામે કૉલર ટાઇટ કરવા આપણને કોઈ કહેતું નથી એ પછી પણ પહેલા દિવસની જ ‘માર્વલ’ની ટિકિટ લઈ આવીએ અને

અડધી ફિલ્મ સમજાઈ નહીં તો પણ દુનિયા સામે ચૂપ રહીએ છીએ. કોઈ દંભની જરૂર નથી, કારણ કે તમારા એ દંભથી કશું ઊકળવાનું નથી.ગુજરાતી પ્રત્યે તમારી જવાબદારી છે અને એ જવાબદારી તમારે સમજવાની છે. જો તમે એ સમજવા માટે તૈયાર ન હો તો પણ એક વાત તો તમને મારે કહેવાની જ છે. પ્લીઝ, એવું ન બોલો કે ‘ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી.’
જે ફિલ્મો તમે જોતા જ નથી એને ક્રિટિસાઇઝ કરવાનો તમને કોઈ હક નથી. કાં તો ઊભા થઈને જોવા જાઓ અને જોયા પછી જો ખરેખર વાહિયાત લાગે તો એ ફિલ્મને જાહેરમાં, સોશ્યલ મીડિયા પર, જ્યાં મન પડે ત્યાં વખોડી નાખો. છૂટ છે તમને, પણ જો તમે જોવા પણ જતા ન હો અને એ પછી પણ ગુજરાતી ફિલ્મોને ઉતારી પાડવાનું કામ કરતા હો તો યાદ રાખજો કે એ પાપ છે પાપ, ગુજરાતી ભાષાનું, ગુજરાતની અસ્મિતાનું.

Bhavya Gandhi dhollywood news entertainment news