અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ખુશ કોણ હશે?

10 September, 2023 05:41 PM IST  |  Mumbai | Bhavya Gandhi

કૃષ્ણદેવ યાજ્ઞિક. તેમણે ગુજરાતીમાં જોયેલું એક સપનું હવે બહુ ઝડપથી શૂટ પર જવાનું છે અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ કાસ્ટ એ કૅરૅક્ટર કરવાની છે

ફાઇલ તસવીર

યસ, આપણે વાત કરીએ છીએ ‘વશ’ની. ‘વશ’નું પોસ્ટર આવ્યું ત્યારે જ બધાની બોલતી બંધ થઈ ગઈ હતી. બન્ને કાનમાં કાતર ખોસીને ઊભેલી જાનકી બોડીવાલા. હું તો કહીશ કે ફિલ્મની અનાઉન્સમેન્ટ સમયે બનાવવામાં આવેલું ટીઝર જ આમ તો બધું કહી જતું હતું, પણ ટીઝર રિલીઝ થયું એ સમયે લૉકડાઉન ખૂલવા માંડ્યું હતું અને લાંબો સમય ઘરમાં રહેલા લોકો બહાર જતા થયા હતા એટલે બને કે કદાચ ઘણા લોકોથી એ સ્કિપ થયું હોય, પણ એ ટીઝર પછી પોસ્ટર આવ્યું અને પોસ્ટર સમયે બધાની બોલતી બંધ થઈ ગઈ.

આપણે ત્યાં બધાને કૉમેડી જોઈએ છે, કૉમેડી સિવાય કશું ચાલે નહીં એવું ઑલમોસ્ટ બધા કહેતા અને આજે પણ એ જ વાત બધા કરે છે, પણ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે એ બધી વાતને ખોટી પુરવાર કરીને એક સાયકો-થ્રિલર બનાવી અને એ સાયકો-થ્રિલર એ સ્તરે જબરદસ્ત બની કે અજય દેવગન અને પ્રોડ્યુસર કુમારમંગત પાઠકે એના રાઇટ્સ લીધા. અફકોર્સ આ વાસી સમાચાર છે, પણ સારા સમાચાર એ છે કે એ ફિલ્મનું શૂટ એકાદ મહિનામાં શરૂ થવામાં છે અને જાન્યુઆરીમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ‘વશ’ પહેલી ગુજરાતી ફિલ્મ બનશે જે હિન્દી ઑડિયન્સ સામે આવશે.

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનતી અઢળક ફિલ્મ આપણે ત્યાં ડબ થાય છે, રીમેક બને છે, પણ ગુજરાતીમાં બહુ ઓછી ફિલ્મો એવી બની છે જેની રીમેક થાય અને હિન્દીમાં એ બને છે, ભૂતકાળમાં પણ એવી ફિલ્મો છે જેની હિન્દી ફિલ્મ બની હોય, પણ એ પછી ગુજરાતી ફિલ્મોનું સ્તર નીચું ગયું અને એ પછી એક તબક્કો એવો પણ આવ્યો કે ગુજરાતી ફિલ્મો હાસ્યાસ્પદ સ્તરે પહોંચી ગઈ, પણ થૅન્ક ગૉડ, અભિષેક જૈન અને કૃષ્ણદેવ યાજ્ઞિક આવ્યા અને તેમણે આખી ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરવાનું કામ કર્યું.

આજે પણ કહું છું, વારંવાર કહીશ કે એવું માનવું બિલકુલ ગેરવાજબી છે કે લોકોને કૉમેડી જ જોઈએ છે. ના, જરા પણ એવું નથી. ઑડિયન્સને એન્ટરટેઇનમેન્ટ જોઈએ છે અને કૉમેડી સિવાયનાં પણ મનોરંજનનાં અનેક માધ્યમ છે જ છે. ‘વશ’ એવું જ એક માધ્યમ હતું અને એટલે જ એ રિલીઝ થયા પછી રીતસર લોકો હેબતાઈ ગયા હતા કે આપણે આ શું જોઈ રહ્યા છીએ?

એક માણસ રિવેન્જ લેવા માટે કેવી રીતે કોઈના ઘરમાં દાખલ થાય છે અને કઈ રીતે તે આખા ઘરને ખેદાનમેદાન કરી મૂકે છે. બધેબધું નૅચરલ લાગે એ સ્તરે બનેલી સુપરનૅચરલ-થ્રિલર જોનરની ફિલ્મ અને તમે જુઓ, શું બન્યું. અજય દેવગન અને ‘દૃશ્યમ’ જેવી અનેક અદ્ભુત ફિલ્મો આપી ચૂકેલા પ્રોડ્યુસર કુમારમંગત પાઠકે આવીને ‘વશ’ના રાઇટ્સ લીધા. હું તો કહીશ કે આપણે સૌએ કૃષ્ણદેવ યાજ્ઞિકનું ખરા અર્થમાં સન્માન કરવું જોઈએ અને આપણે સૌએ જ શું કામ, ગુજરાત સરકારે પણ તેમનું સન્માન કરવું જોઈએ. આજે જ્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મથી માંડીને હૉલીવુડ અને કોરિયન ફિલ્મ્સના રાઇટ્સ લેવાતા હોય છે એવા સમયે એક ગુજરાતી ફિલ્મના રાઇટ્સ લઈ હિન્દી ફિલ્મ બનાવવાની અનાઉન્સમેન્ટ કરવી એ જરા પણ નાની કે ઊતરતી વાત નથી. આ ખરા અર્થમાં સિદ્ધિ જ કહેવાય. છેલ્લાં ૧૦ વર્ષમાં આવેલી એક પણ ગુજરાતી ફિલ્મના બીજી લૅન્ગ્વેજમાં રાઇટ્સ વેચાયા નથી અને વેચાયા હોય તો એની કોઈ અનાઉન્સમેન્ટ થઈ નથી. જે પ્રૂવ કરે છે કે ‘વશ’ એ બધામાં સર્વોચ્ચ સ્તરે છે અને આ જે સર્વોચ્ચ સ્તર છે એ જ આપણા ગુજરાતીઓ માટે પ્રાઉડની ક્ષણ છે.

હૅટ્સ ઑફ કેડી સર.

શૂટ ચાલુ થવામાં છે અને તમારી જ શોધ એવી જાનકીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. લેટ્સ સી ધ ઍક્શન...

Bhavya Gandhi janki bodiwala dhollywood news entertainment news