13 September, 2023 08:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : પીઆર
ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી (ShemarooMe) પર એક તદ્દન નવી ઑરિજિનલ વેબસિરીઝ ‘વ્હૉટ ધ ફાફડા’ (What The Fafda) સ્ટ્રીમ થવાની છે. આ વેબસિરીઝની ખાસ વાત એ છે કે તેમાં પ્રતિક ગાંધી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાણિયા, શ્રદ્ધા ડાંગર, નિલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી સહિતના ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ 40 કલાકારો એક સાથે જોવા મળશે. આ વેબસિરીઝના એકથી એક ચડિયાતા પાત્રો સહિત સિચ્યુએશનલ કૉમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે.
બીજી કૉમેડી વેબસિરીઝ કરતાં શેમારૂમીએ આ વેબસિરીઝમાં કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. આ વેબસિરીઝ તરંગી સ્વભાવ ધરાવતા લોકોની વાત દર્શાવે છે. ‘વ્હૉટ ધ ફાફડા’ (What The Fafda)ના દરેક એપિસોડમાં અનલિમિટેડ હાસ્ય છે. સાથે જ એક મજાની વાત એ પણ છે કે આ વેબસિરીઝમાં એક જબરજસ્ત ટાઈટલ ટ્રેક પણ છે, જે સિરીઝના સારને દર્શાવે છે અને તમને પણ થિરકવા માટે મજબૂર કરી દેશે.
આ વેબસિરીઝના રિલીઝ સમયે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ટીકુ તલસાણિયાએ જણાવ્યું કે, “શૂટ દરમિયાન સેટ પર બધા જ યુવાન અને ઊર્જાથી તરબતર કલાકારો જોવા મળ્યા, તેમને ખબર હતી કે તેમણે શું કરવાનું છે, મને આ જ વાત ગમે છે. આ સિરીઝમાં બધા એ જ જબરજસ્ત કામ કર્યું છે અને મને ખાતરી છે કે દર્શકો બા-બહુના ટિપિકલ ડ્રામા કરતાં કંઈક અલગ પ્રકારનું કૉન્ટેન્ટ જરૂરથી આવકારશે. આજે જ્યારે કૉમેડીના જુદા-જુદા સ્વરૂપો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ડાર્ક કૉમેડી, કટાક્ષ વગેરે, ત્યારે શેમારૂમી અને વ્હોટ ધી ફાફડાની ટીમે સફળતાપૂર્વક ફેમિલી ફ્રેન્ડલી હ્યુમર પીરસ્યુ છે અને આ જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની ખાસિયત છે. દર્શકોને આ વેબસિરીઝ તો ગમવાની જ છે, પરંતુ તેની સાથે તેઓ સહમત પણ થશે.”
તો અભિનેતા મનન દવેએ પણ શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે, “દર્શકો મને ‘વ્હૉટ ધ ફાફડા’ના બે એપિસોડમાં જોઈ શકશે. એક એપિસોડમાં, મને ઇન્ડસ્ટ્રીના પીઢ કલાકાર ટીકુ સર સાથે સ્ક્રીન શેર કરવાનો લહાવો મળ્યો અને હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ વેબસિરીઝમાં એક સાથે 40 ગુજરાતી કલાકારો છે, એટલે કે પીઢ કલાકારોની અને યુવાન કલાકારોની ટેલેન્ટનો સમન્વય શેમારૂમીએ કર્યો છે, આ બાબતે આભાર માનવો જ ઘટે. આ સિરીઝનો દરેક એપિસોડ એક સંદેશ આપે છે, જે દર્શકોને ગમવાનો છે. હું આશા રાખું છું કે દર્શકો આ શ્રેણી જોશે અને અમારા પર તેમનો પ્રેમ વરસાવશે.”
સિરીઝ 14 સપ્ટેમ્બરથી શેમારૂમી ઍપ પર સ્ટ્રીમ થશે.