ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી ચારુબેન પટેલની વસમી વિદાય

22 November, 2023 10:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી રંગભૂમિના જાણીતાં કલાકાર ચારુબેન પટેલ (Charuben Patel)નું અવસાન થયું છે. દાયકાઓ અગાઉ દૂરદર્શન પર પ્રસારિત થયેલી ધારાવાહિક ‘એકડાળનાં પંખી’માં તેમના પાત્રથી તેમણે આગવી ઓળખ બનાવી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી રંગભૂમિના જાણીતાં કલાકાર ચારુબેન પટેલ (Charuben Patel)નું અવસાન થયું છે. દાયકાઓ અગાઉ દૂરદર્શન પર પ્રસારિત થયેલી ધારાવાહિક ‘એકડાળનાં પંખી’માં તેમના પાત્રથી તેમણે આગવી ઓળખ બનાવી હતી. ‘એકડાળનાં પંખી’માં તેમણે કલા સાંગાણીનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત “મામાનું ઘર કેટલે” સિરિયલમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ચરુબેન પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1961માં એકાંકી નાટકનોથી કરી હતી અને ત્યારબાદ વર્ષ 1964માં તેમણે રંગ ભૂમિમાં પ્રવેશ કર્યો. ચારુબેને રંગમંચ પર સૌથી પહેલું નાટક ‘મળેલા જીવ’ ભજવ્યું હતું. ચારુબેને અનેક ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોમાં નોંધપાત્ર કાર્ય કર્યું હતું, જેમાં વાતનું વતેસર, તણખા, માણસાઈ, અંગાર, ઇન્સ્પેક્ટર વિક્રમ, સબરસ, પાલવ, મને બચાવો, અખંડ સૌભાગ્યવતી સામેલ છે.

તેમણે સામાજિક જાગૃતિ માટે પણ ટીવી પર કાર્યક્રમો કર્યાં હતાં. વર્ષ 1975થી ચારુબેન પટેલ ઈસરોના શૈક્ષણિક કાર્યક્રમો સાથે જોડાયેલાં હતાં, જેમાં ‘અમે અને અમારી ભૂરી’ જેવા પશુપાલકો માટેના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ અને સામાજિક નિસ્બત માટે ‘ન્યાય અન્યાય શ્રેણી’, ગ્રામીણ વિકાસ માટે ‘ગામડું જાગે છે’, ‘હું અને મારા એ’, ‘હું મકન અને માલજી’ જેવાં સામાજિક જાગૃતિ માટેના ટીવી શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા પણ તેમણે સમાજ સુધારણા કરવામાં પોતાનો ફાળો આપ્યો.

gujarati film television news dhollywood news entertainment news