06 November, 2022 05:40 PM IST | Mumbai | Rachana Joshi
‘વ્હાલમ જાઓ ને’નું પોસ્ટર
ફિલ્મ : વ્હાલમ જાઓ ને
કાસ્ટ : પ્રતિક ગાંધી, દીક્ષા જોષી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, જયેશ મોરે, ઓજસ રાવલ, કવિન દવે, કિંજલ પંડ્યા, બિંદા રાવલ, સોનાલી લેલે દેસાઈ, પ્રતાપ સચદેવ
લેખક : રાહુલ પટેલ
ડિરેક્ટર : હાર્દિક ગજ્જર
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : અભિનય, ગીતો, કૉમેડી
માઇનસ પોઇન્ટ : ડિરેક્શન
ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા મુરતિયા સુમિત ગાંધી (પ્રતિક ગાંધી) અને તેની ગર્લફ્રેન્ડ રીના (દીક્ષા જોષી)ની આસપાસ ફરે છે. રીના ફેશન ડિઝાઇનર છે અને તેના અતરંગી પ્રયોગો મ્યુઝિક ડિરેક્ટર બૉયફ્રેન્ડ પર કરે છે. સુમિત બોલવામાં કંઈપણ ભુલ કરે કે, તરત જ રીના આત્મહત્યા કરવાની ધમકી આપે છે. તેની આ આદતથી કંટાળ્યો હોવા છતા સુમિત રીનાને અઢળક પ્રેમ કરે છે. દરમિયાન અમેરિકાથી રીનાના પિતા તેના લગ્ન માટે સુમિતના પરિવારને મળવા અમદાવાદ આવે છે. બસ અહીંથી જ સુમિતની ખરી કસોટી ચાલુ થાય છે. પોતાના સગા પિતા સાથે બનતું ન હોવાને કારણે સુમિત ખોટી ફૅમેલી ઊભી કરે છે અને પછી થાય છે ખરેખર જોવા જેવી કૉમેડી. સાથે-સાથે સુમિત અને રીનાના રાઝ ખૂલતા જાય છે અને આ મુરતિયાની જાન કઈ રીતે મંડપ સુધી પહોંચે છે તે જોવા જેવું છે. આ મુસાફરીમાં સુમિતના મિત્રો, પરિવાર અને રીનાના ગાર્ડિયન તરીકે ઇન્સ્પેક્ટર સુરેશ નાઇક (જયેશ મોરે) સાથ આપે છે.
પરફોર્મન્સ
ફિલ્મની જાન મુરતિયો એટલે કે, પ્રતિક ગાંધી છે. અભિનય અને એક્સપ્રેશન દ્વારા તેણે દર્શકોના દિલ જીત્યા છે. મૂડ વગરનો મુરતિયો ફિલ્મની શાન છે. ફિલ્મ જોવાનું મહત્વનું કારણ છે આ મુરતિયો.
કામ વગરની કન્યા દીક્ષા જોષી તેના સ્વીટ અને બબલી અવતારને કારણે ગમી જાય છે.
દીક્ષાના પિતાના પાત્રમાં ટીકુ તલસાનિયા બિગ સ્ક્રિન પર જોવા મળે છે. સોનાલી લેલે દેસાઇ માતાની ભૂમિકામાં સરપ્રાઇઝ એન્ટ્રી મારે છે. તો સુમિતના નકલી પિતા અને આર્યુવેદિક ડૉકટરની ભૂમિકામાં સંજય ગોરડિયા આઉટ-એન્ડ-આઉટ તેમના ઓરિજનલ કૉમેડી અવતારમાં જોવા મળે છે. સુમિતના મિત્રની ભૂમિકામાં કવિન દવેનો અભિનય બિરદાવવા જેવો છે. તેની સાથે કિંજલ પંડ્યા સરસ સાથ નિભાવે છે. સુમિતના અસલી માતા-પિતાની ભૂમિકામાં પ્રતાપ સચદેવ અને બિંદા રાવલ ગામડાંના સ્ટ્રિક્ટ પેરેન્ટ તરીકે દમદાર અભિનય કરે છે.
આ બધા કરતાં બે ભૂમિકા દર્શકોના દિલ પર છાપ છોડી જાય છે. ડૉક્ટરની ભૂમિકા ભજવતા ઓજસ રાવલના કૉમિક ટાઇમિંગ પેટ પકડીને ખડખડાટ હસાવે છે. તો ઇન્સ્પેક્ટરના પાત્રમાં ફરી એકવાર જયેશ મોરે અભિનયના ઓજસ પાથરે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું લેખન રાહુલ પટેલનું છે. વાર્તા ગુજરાતી નાટકની ફીલ આપે છે. શરુઆતમાં વાર્તા સાથે કનેક્ટ થતા થોડોક સમય જાય છે. બાદમાં ફૅમેલીના સમીકરણો સમજાય જાય છે. કૉમેડી પંચ નવા નથી પરંતુ દર્શકોના મોઢા પર હાસ્ય લાવવામાં સફળ રહે છે.
અનેક હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા દિગ્દર્શક હાર્દિક ગજ્જરની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ઓવરઑલ દિગ્દર્શન સારું છે. પરંતુ કેટલાક મહત્તવ સીનમાં ડાયરેક્ટરનું એન્ગલ સમજવામાં મુશ્કેલી પડે છે. અમુક સીનમાં કન્ટિન્યૂટિનો અભાવ વર્તાય છે. બાકી પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે દિગ્દર્શક અભિનંદનને પાત્ર છે.
મ્યુઝિક
આ ફિલ્મનું બૅક-ગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે. ફિલ્મમાં સંગીત સચિન-જીગરનું છે. લવ સોન્ગ ‘ચોરી લઉ’, લગ્ન ગીત ‘મુરતિયો’ હોય કે ગીત ‘ગેલો રે ગેલો’ ફિલ્મના દરેક ગીત બહુ જ સરસ અને અપકમિંગ લગ્ન સિઝન માટે પર્ફેક્ટ છે.
ફિલ્મ જોવી કે નહીં?
કૉમેડી ફિલ્મોના ચાહક અને પ્રતિક ગાંધીના દિવાનાઓએ ફિલ્મ ચોક્કસ જોવી.