પ્રીમિયર શો પર ધ્યાન આપતા પ્રોડ્યુસરે સમજવું પડશે કે એનાથી કૉલર ટાઇટ થશે, પણ સોશ્યલ મીડિયા પર ગાજી જઈશું એવું ધારવું ખોટું છે
ભવ્ય ગાંધી
ગુજરાતી ફિલ્મના માર્કેટિંગની વાત આવે કે તરત આંખ સામે બે જ વાત આવે; એક પેપરમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ અને પ્રીમિયર. આ બે સિવાય ક્યાંય કોઈ જાતનું ખાસ પ્રમોશન થયું હોય કે પછી ખાસ રીતે પ્રમોશન થયું હોય એવું આપણને દેખાયું નથી. તમે જુઓ, હિન્દી ફિલ્મ માટે કયા સ્તરનું પ્રમોશન કરવામાં આવે છે. આજના સમયમાં પ્રમોશન બહુ મહત્ત્વનું છે. ૫૦ લાખની કિંમતની નવી કાર પણ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં એનું પણ પ્રમોશન થાય છે અને એને માટે અનેક જાતના નવા રસ્તા વાપરવામાં આવે છે, તો કરોડોના ખર્ચે બનેલી હિન્દી ફિલ્મને પણ પ્રમોશનમાં ક્યાંય પાછળ રાખવામાં નથી આવતી. અરે, સાઉથની ફિલ્મોનો તો અત્યારે બેસ્ટ ટાઇમ ચાલે છે એવા સમયે પણ એ લોકો ફિલ્મને પ્રમોશનમાં ક્યાંય ઓછી ઉતારતા નથી. ઑસ્કરમાં ગયા પછી ‘RRR’નું પ્રમોશન કેવું તગડું હતું એ જોવું હોય તો એક વખત ગૂગલ કરીને જોઈ લેજો. એકેક શહેરમાં અને મોટાં શહેર હોય તો દરેક પાંચ એરિયામાં ફિલ્મનું પ્રમોશન થયું છે. એક પણ સ્થાનિક મીડિયાને બાકી નથી રાખ્યાં, તો સાથોસાથ સામાન્યમાં સામાન્ય લોકો સાથે કનેક્ટ થવાનો પ્રયાસ પણ કર્યો છે. આપણે એ જ શીખવાનું છે, કરવાનું છે. જો ‘RRR’ની ટીમને પણ આ કામ કરવું જરૂરી લાગતું હોય તો આપણી ઇન્ડસ્ટ્રી તો હજી બહુ નાની છે, એને ગ્રો કરવાની છે, મોટી કરતા જવાની છે અને મોટી કરવા માટે આપણે નાનામાં નાના લોકો સાથે કનેક્ટ થવાનું છે.
પ્રીમિયર કરી લેવાથી કોઈ ફરક નથી પડી જવાનો. આજના સમયમાં હિન્દી ફિલ્મોનાં પ્રીમિયર પણ બંધ થઈ ગયાં છે, એ લોકો પણ માત્ર પોતાના રિલેટિવ્સ પૂરતા શો ગોઠવે છે અને ટ્રાયલ શો કરે છે. પ્રીમિયરનું મહત્ત્વ કેટલું છે એ આ જ વાત સમજાવે છે. સોશ્યલ મીડિયાનો ઍડ્વાન્ટેજ લેવા માટે થતાં પ્રીમિયર પણ હવે થતાં નથી, કારણ કે બધા જાણે છે કે એક વખત ફિલ્મ જોઈને છૂટા પડી ગયેલા લોકોને ફિલ્મ માટે કંઈ લખવાનું કે ફિલ્મનું પ્રમોશન કરવા માટે કશું કહી શકાવાનું નથી અને ખાસ તો ત્યારે જ્યારે ફિલ્મ પસંદ ન આવી હોય.
આજના સમયમાં ફિલ્મનાં પ્રીમિયર માત્ર અને માત્ર સ્ટેટસ સાચવવા માટે કે પછી એકબીજાના કૉલર ટાઇટ કરવા માટે કરવામાં આવતી ઍક્ટિવિટી જેવાં બની ગયાં છે. એનાથી ફિલ્મને ખરેખર ફાયદો થાય છે કે નહીં, ફિલ્મનું સાચા અર્થમાં પ્રમોશન થાય છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે અને નરી વાસ્તવિકતા એ છે કે પ્રીમિયરથી ભાગ્યે જ કોઈ ફિલ્મને બેનિફિટ થાય છે. પ્રીમિયર સામે કોઈ અંગત વિરોધ નથી એ નાનકડી સ્પષ્ટતા સાથે વાત આગળ વધારીએ.
પ્રીમિયર પણ અમદાવાદ અને મુંબઈ જેવાં બે જ શહેરમાં થાય છે. કોઈક વાર વધી-વધીને વડોદરા અને ક્યારેક સુરતમાં પ્રીમિયર કરવામાં આવે છે, પરંતુ એક હકીકત એ પણ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતી ફિલ્મનું બહુ મોટું માર્કેટ છે અને એને પ્રમોશનમાં અવગણવામાં આવે છે, જેને લીધે બને છે એવું કે આવનારી ગુજરાતી ફિલ્મ વિશે એ વિસ્તારમાં વધારે કોઈને ખબર નથી હોતી. એ તો સીધી ઍડ આવે એવા સમયે કે પછી સોશ્યલ મીડિયા પર જો કંઈ સામે આવી જાય તો જ એને એના વિશે ખબર હોય છે. બહેતર છે કે એમાં સુધારો કરવામાં આવે. કારણ કે એ સુધારો જ ગુજરતી ફિલ્મને એક નવી ઊંચાઈએ લઈ જવાનું કામ કરી શકે છે.
ફિલ્મના સ્ટાર્સ પાસે ઍક્ટિવિટી કરાવી શકાય છે, તો સાથોસાથ સિટી ટૂર દ્વારા પણ જે-તે શહેરના સામાન્ય લોકો સુધી પહોંચવાનું કામ થવું જોઈએ એવું પણ લાગે છે. સોશ્યલ મીડિયા પર બહુ મોટો આધાર રાખવાને બદલે જો પ્રમોશન માટે લેગ-વર્ક કરવામાં આવે તો એનું નક્કર રિઝલ્ટ મળશે અને ધારો કે સોશ્યલ મીડિયા પર જ ફોકસ રાખવું હોય તો એને માટેની સ્ટ્રૅટેજી ચેન્જ કરવી પડશે. આ એ સમય છે જે સમયે તમે કોઈ એક માધ્યમ પર બહુ મોટો મદાર નહીં રાખી શકો.
તમારે પ્રિન્ટ મીડિયા પણ ધ્યાનમાં રાખવું પડશે અને એને ધ્યાનમાં રાખવાની સાથોસાથ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમે માત્ર ઍડ આપીને ફિલ્મની જાણકારી આપી દેશો તો નહીં ચાલે. સામાન્ય લોકો કનેક્ટ થાય એ પ્રકારે પ્રિન્ટ મીડિયાને ફોકસ કરવું પડશે તો તમારે ટીવી-ચૅનલને પણ પ્રાધાન્ય આપવું પડશે અને તમારે સોશ્યલ મીડિયાને પણ મહત્ત્વ આપવું પડશે. સાથોસાથ તમારે લેગ-વર્ક પણ કરતા જવું પડશે. માત્ર ઍડ્વર્ટાઇઝમેન્ટ કે પછી માત્ર પ્રીમિયર કરવાથી કશું વળશે નહીં, કારણ કે આ માર્કેટિંગનો જમાનો છે અને જો એ સમયમાં તમે માર્કેટિંગ કે પ્રમોશનમાં જ થાપ ખાઈ ગયા તો પછી પત્યું...
ઑડિયન્સ ફિલ્મથી દૂર જ રહેશે.
ફિલ્મના સ્ટાર્સ પાસે ઍક્ટિવિટી કરાવી શકાય છે, તો સાથોસાથ સિટી ટૂર દ્વારા પણ જે-તે શહેરના સામાન્ય લોકો સુધી પહોંચવાનું કામ થવું જોઈએ એવું પણ લાગે છે. સોશ્યલ મીડિયા કે પ્રીમિયર શો પર બહુ મોટો આધાર રાખવાને બદલે જો પ્રમોશન માટે લેગ-વર્ક કરવામાં આવે તો એનું નક્કર રિઝલ્ટ મળશે.