07 April, 2024 09:18 AM IST | Mumbai | Bhavya Gandhi
ભવ્ય ગાંધી
તમે જુઓ, ગુજરાતી ફિલ્મની વાત આવે એટલે ફિલ્મ રિલીઝ થતી હોય એ પ્રકારની જે ટિપિકલ એન્ટરટેઇનમેન્ટ ઍડ આવે એ દેખાવાની શરૂ થાય અને પછી સીધી પ્રીમિયરની વાત આવે. ૯૯.૯૯ ટકા તો એવું જ હોય કે પ્રીમિયર બે જ સિટીમાં થાય. અમદાવાદ અને મુંબઈ અને એમાં પણ આવે કોણ, તો કહે, ઇન્ડસ્ટ્રીના જ લોકો. પછી એ બધા લોકો ફિલ્મ માટે પોતાના સોશ્યલ મીડિયા પર લખે અને પ્રોડ્યુસર-ડિરેક્ટર એવું માને કે હવે તો ઑડિયન્સની લાંબી લાઇન લાગી જશે, પણ બીજા જ દિવસે રિયલિટી આંખ સામે આવી જાય. કહેવું જ પડશે કે હવે તો ગુજરાતી ફિલ્મની જે ઑડિયન્સ છે એ પણ એટલી સ્માર્ટ થઈ ગઈ છે કે એ સમજી જાય છે કે પ્રીમિયર થયું છે એમાં આ ભાઈ કે બહેનને ઇન્વિટેશન હતું એટલે એ ભાઈ કે બહેન ફિલ્મ વિશે બહુ સારું-સારું લખે છે. હું કહીશ કે સારું નહીં, સાચું લખશો અને એમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક આપવાને બદલે ૯૦ માર્ક આપશો તો પણ ઑડિયન્સને તમે ટ્રસ્ટવર્ધી લાગશો, પણ બધું જ સારું છે અને આવી ફિલ્મ તો ક્યારેય આવી જ નહોતી અને આવી ફિલ્મ તો આ જ ડિરેક્ટર બનાવી શકે એવી વાતોને હવે ઑડિયન્સ ઓળખવા માંડી છે. બધાને સમજાઈ ગયું છે કે અહીં માર્કેટિંગ કે રિવ્યુની વાત નથી, પણ અહીં વાત છે એ રિલેશનશિપ રાખવા માટેની છે અને જો તમારે રિલેશન રાખવાં હોય, જો તમને પ્રીમિયરમાં આવ્યાનું ઋણ ઉતારવું હોય તો બહેતર છે કે અમે આ રિવ્યુને સાચો માનવાને બદલે જેન્યુઇન રિવ્યુની રાહ જોઈશું અને એ પછી પૈસા ખર્ચવાનું વિચારીશું. આ રિયલિટી છે અને આ રિયલિટીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ સમજવાની જરૂર છે.
પ્રીમિયર કરવાં જરૂરી હોય તો કરો જ. સોશ્યલ મીડિયા પર ફિલ્મ વિશે પ્રમોશન કરવાનું જ હોય, પણ એની સાથોસાથ પ્રમોશનના જે બીજા રસ્તા છે એ પણ વાપરવાનું રાખો. માત્ર પેપરમાં ઍડ આપી દેવાથી ફિલ્મ જોવા માટે લાઇન નહીં લાગી જાય એ આપણે સમજવું પડશે. માર્કેટિંગના નિતનવા આઇડિયા લઈ આવવા પડશે અને એનો અમલ કરવો પડશે. બને પણ ખરું કે એમાંથી કોઈ આઇડિયા કામ ન પણ કરે અને એવું પણ બને કે કોઈ આઇડિયા એવો ક્લિક થઈ જાય કે તમારી ફિલ્મની બહાર હાઉસફુલનું પેલું જે જૂના જમાનાનું બોર્ડ હતું એ બોર્ડ ઝૂલવા માંડે, પણ એ ત્યારે જ બનશે જ્યારે ટિપિકલ રસ્તા છોડીને આપણે માર્કેટિંગના નવા ફન્ડાનો ઉપયોગ કરતા થઈશું.
અગાઉ એક વાર કહ્યું હતું કે શાહરુખ ખાન અને આમિર ખાન પણ પોતાની ફિલ્મ વેચવા માટે બહાર આવે છે અને જાતજાતના પ્રૉપગૅન્ડા અપનાવે છે. અક્ષયકુમાર પણ આ કામ કરે છે તો પછી આપણી ઇન્ડસ્ટ્રી શું કામ ત્યાંથી એવી પ્રેરણા ન લે. સોશ્યલ મીડિયા એ લોકોના મગજમાં એવું ઘૂસી ગયું છે કે બસ, એ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સિવાય એને કશું આગળ સૂઝશે નહીં. અરે ભાઈ, દરેકનો એક ટાર્ગેટ ઑડિયન્સ છે એ તો પહેલાં સમજો. ફૂડ વ્લૉગ્સ ચલાવતા વ્લૉગરને ત્યાં સ્ટાર આવશે તો એની કોઈ અસર ઊભી નથી થવાની. ટ્રાવેલ વ્લૉગ ચલાવતા વ્લૉગરથી પણ ફિલ્મને ફાયદો નથી થવાનો અને સૌથી અગત્યની વાત એ કે વ્લૉગરની જે ઑડિયન્સ છે એ ઑડિયન્સ કદાચ તમારી છે જ નહીં. તમારી ઑડિયન્સ આજે પણ પેલી ટિપિકલ ઑડિયન્સ છે જે પેપરમાં ફિલ્મ વિશે વાંચીને, એના ન્યુઝ વાંચીને ફિલ્મ માટે વિચારતી થાય છે, તેના મનમાં ક્યુરિયોસિટી જાગે છે અને એ ક્યુરિયોસિટીને પ્રેશર આપવાનું કામ સિટીમાં રહેલાં હોર્ડિંગ્સ કરે છે. હોર્ડિંગ હૅમર કરે છે અને એ અટૅકમાંથી ઑડિયન્સ બહાર ન આવી હોય ત્યાં તેને સોશ્યલ મીડિયા પર એ જ ફિલ્મની વાતો કે ફિલ્મના સ્ટારના ઇન્ટરવ્યુ જોવા મળે છે.
ઑડિયન્સ સામે કરવામાં આવતું માર્કેટિંગ હવે સ્ટ્રેટ રસ્તો નથી. હવે તમારે ઑડિયન્સને ૩૬૦ ડિગ્રીએ ફરીને દરેક ઍન્ગલ પર ફિલ્મ પહોંચાડવી પડે છે. એ ફિલ્મ પહોંચે પછી જ એવું બને છે કે આપણી ઑડિયન્સ થિયેટર સુધી પહોંચે અને ટિકિટ ખરીદે પણ આ માનવું પડશે, આ સ્વીકારવું પડશે. ‘શૈતાન’ શું કામ ચાલી એનો કેસ સ્ટડી બનાવશો તો તમને એમાં દેખાશે કે ફિલ્મ સારી હતી અને એટલું જ સારું એનું માર્કેટિંગ હતું એટલે ફિલ્મ સુધી ઑડિયન્સ પહોંચી છે. આપણે પણ જો ગુજરાતી ફિલ્મને એ સ્તરે લઈ જવી હોય તો માર્કેટિંગને સ્ટ્રૉન્ગ કરવું પડશે અને એ સ્ટ્રૉન્ગ કરવા માટે અત્યારે જે છે એ ટિપિકલ રસ્તાની સાથે નવા આઇડિયાનું કૉમ્બિનેશન પણ એમાં ઉમેરવું પડશે.