30 May, 2023 04:53 PM IST | Mumbai | Nirali Kalani
અસિત મોદી અને જેનિફર મિસ્ત્રી
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Tarak Mehta ka ooltah chasmah) હાલમાં તેના કામને બદલે રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) ને કારણે વધારે ચર્ચામાં છે. જ્યારથી જેનિફર મિસ્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે ત્યારથી રોજ કંઈકને કંઈક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. એ જાણીને તમને આશ્ચર્ય થશે કે વર્ષોથી દેશભરના કરોડો ચાહકોને હસાવતી કોમેડી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના સેટ પર કલાકારોને રડવાનો વારો આવે છે. તેમજ તેમને દબાવવામાં અને અપમાનિત કરવામાં આવે છે.
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં `મિસિસ રોશન`ની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ તથા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ મામલે અભિનેત્રીએ પવઈ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. નિવેદન નોંધાવ્યાને 5 દિવસ થઈ ગયા છે. પોલીસ તેનું કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ત્યાર બાદ આ મામલે અસિત મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ મામલે અપડેટ આપતાં કહ્યું, `મેં થોડા સમય પહેલા પોલીસમાં મારુ નિવેદન નોંધાવ્યું છે.પોલીસે છ કલાક મારી પૂછપરછ કરી હતી. મેં તેમના બધા જ સવાલોના જવાબ આપ્યા હતાં.` જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિવેદન નોંધ્યા બાદ આ અંગે પોલીસ તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ સવાલના જવાબમાં જનિફરે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બની શકે કે તે સામે પક્ષના નિવેદનો નોંધી રહી હોય. જોકે, નિવેદન નોંધ્યા બાદ પોલીસ તરફથી અપડેટ માટે મને કોઈ ફોન આવ્યો નથી.
આ પણ વાંચો: કાયદો હવે એનું કામ કરશે : જેનિફર મિસ્ત્રી બન્સીવાલ
સેટ પર કો-સ્ટાર્સનો સપોર્ટ કેવો હોય છે?
લોકોને એકા-બીજાથી જોડીને રાખતો અને પેટ પકડીને હસાવતો શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં સેટ પર કો-સ્ટાર્સનો સપોર્ટ કેવો હોય છે એવું પૂછતાં જેનિફરે કહ્યું કે એટલો બધો સપોર્ટ હોતો નથી. સેટ પર કોઈ પણ કો-સ્ટાર્સ એકા-બીજાના તરફેણમાં વધુ બોલતા નથી. હું જ્યારે નવી નવી હતી ત્યારે કંઈ થાય તો હું બોલતી હતી. અને મારી જેમ બીજા કોઈ પણ બોલે તો તેને ચૂપ કરાવવામાં આવતા.` જોકે, કોઈ કલાકાર એકા-બીજાના સપોર્ટમાં ક્યારેય બોલતો નહીં, પરંતુ ભાગ્યે જ કોઈ બોલે તો તેને દબાવવામાં આવતાં. એક વાર હું પ્રિયા અહુજા (રિટા રિપોર્ટર) ના સમર્થનમાં બોલી તો મને રોકવામાં આવી હતી.
જોકે, જે કલાકારોએ શૉ છોડી દીધો છે તેઓ જેનિફરના સમથર્નમાં આવ્યાં છે. જેમાં ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજડા, પ્રિયા અહુજા અને મોનિકા ભદોરિયાના નામ છે.
રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ કહ્યું, જ્યારે સિરિયલ કામ કરવાનું શરૂ કર્યુ ત્યારે અસિત મોદીની વર્તણુક સારી હતી. સેટ પર બધા હળીમળીને ખુશીથી કામ કરતા હતાં.ડ્રિકંસની પણ વાતો કરતા. અસિત મોદી અવાર-નવાર મારી સાથે મસ્તી કરતાં હતાં. સેટ પર એક ઘટના બની હતી જે બાદ હું ગુસ્સે હતી કે તમે મને સાચું બોલતાં અટકાવી શકો નહીં. હું ઘણી વાર તેમને સામે જવાબો આપી દેતી હતી. ત્યાર બાદ મારી પ્રત્યે તેમનું વલણ બદલાઈ ગયું હતું.
જ્યારે જયારે પરિવારમાં સંકટનો સમય કે ખુશીનો અવસર હોય ત્યારે રજા માગીએ તો મોટે ભાગે ગાળો સાંભળવા મળતી. અમને અપમાનિત કરવામાં આવતા. અમારું તો જાણે શોમાં કોઈ યોગદાન ન હોય એવો અનુભવ કરાવતા, તોછડાઈભર્યુ વર્તન કરવું તો સામાન્ય બની ગયું હતું. અસિત મોદીને સોહેલ પર ખુબ જ વિશ્વાસ. જ્યારે ઘરના લોકોને જરૂર હોય અને આપણે રજા માંગીએ તો સોહેલ ચિડાય જતો. મનફાવે તેવું વર્તન કરતો. ક્યારેક ગાળો તો કયારેક ધમકીભર્યા બોલ બોલતો હતો.
આ પણ વાંચો: TMKOC:‘મને માખીની જેમ ફેંકી દીધી’ હવે રીટા રિપોર્ટરે કર્યા મેકર્સ પર આકાર પ્રહાર
વાત 2029ની છે, અમે બધા સિંગાપોરમાં હતા.ત્યારે મારી વેડિંગ એનિવર્સરી હતી. બધાએ તાળીઓ પાડી મને વિશ પણ કર્યુ હતું. બીજા દિવસે અસિત મોદીએ મને કહ્યું કે તારી એનિવર્સરી ગઈ કાલે પુરી થઈ ગઈ ને! આજે શું વાંધો, રૂમમાં આવી જજે સાથે ડ્રિંક કરીશું. આ સાંભળી હું ખુબ ડરી ગઈ અને ત્યાથી નિકળી ગઈ. બાદમાં પણ તેને મારી સાથે પ્રકારનું વર્તન ચાલુ રાખ્યું હતું.
એકવાર તો અસિત મોદીએ જેનિફરને કહ્યું કે તેના હોઠ બહુ જ સેક્સી છે. આ ઘટના પણ સિંગાપોરમાં જ બની હતી.અસિત મોદીના આવા વર્તન બાદ જેનિફર ખુબ જ ડરી ગઈ હતી. એવી તો નાની-મોટી ઘણી ઘટનાઓ જેનિફર સાથે બની હતી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે તે અસિત મોદી સામે આવવાનું સુધ્ધા ટાળતી હતી.
અંતે જેનિફરે જણાવ્યું કે હું ન્યાય અને સત્ય માટે લડી રહી છું અસિત મોદીએ સ્વીકારવું પડશે કે તેમણે મારી સાથે આવું કર્યુ છે અને એવી વાતો પણ કરી છે. સોહેલે પણ સ્વીકરાવું પડશે. અભિનેત્રીના સાડા ત્રણ મહિનાના પૈસા બાકી છે. જોકે તેનું કહેવું છે કે હજી તેણીએ પૈસાનો તો સવાલ ઉઠાવ્યો જ નથી.