Mahesh Danannavar: સાઉથના આ ફિલ્મ નિર્માતા બનાવશે મહિલા કેન્દ્રિત ગુજરાતી ફિલ્મ `રુજ` 

08 July, 2022 02:16 PM IST  |  Mumbai | Nirali Kalani

મહેશ દન્નાવરે શું થયું અને ગાંધી એન્ડ કો જેવી ગુજરાતી કૉમેડી ફિલ્મનું નિર્માણ કર્યુ છે. અને હવે તે મહિલા કેન્દ્રિત ફિલ્મ બનાવવા જોઈ રહ્યાં છે. જેનું શૂટિંગ આ મહિનાથી શરૂ થશે.

મહેશ દન્નાવર

ગુજરાતી સુપરહિટ ફિલ્મ `શું થયુ?` અને `ગાંધી એન્ડ કો` વિશે બધા જાણે જ છે, પરંતુ શું તે ફિલ્મના નિર્માતા કોણ છે તે તમને ખબર છે..? આ ફિલ્મ બનાવનાર કોઈ ગુજરાતી નહીં પણ દક્ષિણ ભારતના મહેશ દન્નાવર છે. જેમણે આ બે ગુજરાતી ફિલ્મ, હિન્દી શોર્ટ ફિલ્મ અને કેટલીક કન્ન્ડ ફિલ્મનું નિર્માણ કર્યુ છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મહેશ દન્નાવર (Mahesh Danannavar)સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે તેમના આગામી ગુજરાતી પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. 

દક્ષિણ ભારતમાં આટલી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોવા છતાં ગુજરાતી ઈન્ડસ્ટ્રી કેમ..? આ સવાલનો જવાબ આપતાં મહેશ દન્નાવરે જણાવ્યું હતું કે " મારા ઘણાં બધા ગુજરાતી મિત્રો છે. તેમના દ્વારા મને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે જાણ થઈ. સાઉથ ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં ઢોલીવુડમાં સ્પર્ધા નહીવત પ્રમાણમાં છે. જેને કારણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક્સપ્લોર કરવાનું વિચાર્યુ."  આ સાથે તેમણે કહ્યું હતું કે ગુજરાતી લોકોને કૉમે઼ડી ફિલ્મમાં વધારે રસ છે, તેથી તેમણ કૉમેડી ફિલ્મ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તે સફળ પણ રહી. 

નિર્માતા મહેશ દન્નાવર ઢોલીવુડમાં વિવિધ ઝોનરની ફિલ્મ બનાવવા ઈચ્છે છે. આગામી પ્રોજેક્ટ સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું હતું કે " `શું થયું` અને `ગાંધી એન્ડ કો` જેવી કૉમેડી ફિલ્મ બાદ હવે હું મહિલાઓને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું. મારી આગામી ફિલ્મ મહિલાઓ સંબંધિત `રુજ` છે. જેનું શૂટિંગ આ મહિનાથી ભાવનગરમાં શરૂ થશે. ફિલ્મનું ડિરેક્શન હિમાદ્રી પરમાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી દિક્ષા જોશી જોવા મળી શકે છે.

આ ઉપરાંત મહેશ દન્નાવર ગુજરાતીમાં બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારી પણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયા બાદ આ ફિલ્મ વિશે સત્તાવાર જાહેરાત કરશે. 

ઢોલીવુડને વધુ વેગ આપવા વિશે વાત કરતાં મહેશ દન્નાવરે જણાવ્યું હતું કે, ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં તમામ ઝોનરની ફિલ્મ બનવી જોઈએ. ગુજરાતીમાં વધારે વિકલ્પ ન હોવાથી દર્શકો વિવિધ પ્રકારની ફિલ્મો જોવા માટે અન્ય ભાષા તરફ જાય છે. પરંતુ જો દર્શકોને ગુજરાતી ભાષામાં જ વિવિધ પ્રકારની ફિલ્મો જોવા મળે તો ગુજરાતી ફિલ્મનું ઓડિયન્સ પણ વધી શકે છે. 

નોંધનીય છે કે મહેશ દન્નાવર દ્વારા નિર્મિત ફિલ્મ શું થયું સફળ રહી હતી. તેમજ તેમની અન્ય ફિલ્મ ગાંધી એન્ડ કો ને પણ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ ફિલ્મની ગ્લોબલ સ્તર પર સરાહના કરવામાં આવી હતી.  FBR 2021 ની યાદી તેમજ Biffes 2022 નો ભાગ બનેલી ‘ગાંધી એન્ડ કો’ એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી.

 

dhollywood news gujarati film