૬ મિનિટનો છેલ્લો સીન બાકી હતો અને પડદો પાડી દેવાયો

15 October, 2024 11:43 AM IST  |  Mumbai | Rashmin Shah

રવિવારે તેજપાલ ઑડિટોરિયમમાં સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક Bluffmaster ગુજ્જુભાઈનો પાંચસોમો પ્રયોગ જોવા આવેલા ઑડિયન્સને આંચકો લાગ્યો

સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ‘Bluffmaster ગુજ્જુભાઈ’નો પાંચસોમો શો

ટેક્નિકલ ક્ષતિઓને કારણે નાટક થોડું લંબાયું, પણ ઑડિટોરિયમે દરકાર ન કરી : નાટકના મૅનેજરની આજીજી વ્યર્થ ગઈ: સિદ્ધાર્થ રાંદેરિયા કેક લાવેલા એ પણ ડબ્બામાં જ પડી રહી

તેજપાલ ઑડિટોરિયમમાં નાટક ભજવવું એ જેમ કલાકારો માટે વિરલ અનુભવ કહેવાય એવું જ ગુજરાતી ઑડિયન્સનું છે. જોકે રવિવારે રાતના શોમાં તેજપાલ ઑડિટોરિયમમાં ગુજરાતી નાટક ‘Bluffmaster ગુજ્જુભાઈ’ જોવા ગયેલા ઑડિયન્સે કડવો અનુભવ કરવો પડ્યો અને નાટકનો ક્લાયમેક્સ જોયા વિના જ નીકળી જવું પડ્યું. બન્યું એવું કે રવિવારે સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ‘Bluffmaster ગુજ્જુભાઈ’નો પાંચસોમો શો હતો, પણ કરમની કઠણાઈ એવી થઈ કે ચાલુ નાટકે સિદ્ધાર્થભાઈનું લેપલ-માઇક બગડી ગયું એટલે થોડોક બ્રેક આવ્યો. નવા માઇકની અરેન્જમેન્ટ કરવામાં આવી તો એ માઇક પણ બરાબર કામ નહોતું કરતું એટલે માઇક અને કેબલનું વાયરિંગ ચેક કરવામાં આવ્યું અને એ પછી પણ સાઉન્ડમાં પ્રૉબ્લેમ હતો એટલે ઇન્ટરવલમાં એ બધી મરમ્મત કરવામાં આવી. પરિણામે ઇન્ટરવલ પણ લંબાયો અને આ બે ઘટનાના કારણે નાટકનો એન્ડ પાછળ ખેંચાયો. ૭ઃ૩૦ના નાટકને સામાન્ય રીતે ૧૦ વાગ્યે પૂરું કરવાનું હોય, પણ નાટક ખેંચાયું અને પ્રી-ક્લાઇમૅક્સ સીન પૂરો થયો, બ્લૅકઆઉટ થયો કે તરત પડદો પડી ગયો. ઍક્ટરોથી માંડીને ઑડિયન્સ બધા હેબતાઈ ગયા અને મૅનેજરે અનાઉન્સ કરી દીધું કે તમે ટાઇમ-લિમિટની બહાર છો, હવે નાટક નહીં કરી શકો.

તેજપાલ ઑડિટોરિયમના મૅનેજર કુમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે મૅનેજરને વૉર્ન કર્યા હતા પણ એમ છતાં એ લોકો નાટક ચલાવ્યે જતા હતા. અમારે પણ નિયમો છે, બીજા પ્રોડ્યુસરો માટે પણ આ જ નિયમ હોય છે. અમે પંદર મિનિટ ગ્રેસની આપી, એનાથી વધારે અમારાથી કંઈ ન થઈ શકે.’

‘Bluffmaster ગુજ્જુભાઈ’ના ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયા એ આ વિષય પર હતાશા વ્યક્ત કરતો એક મેસેજ ગુજરાતી નાટ્ય જગત (GNJ)ના વૉટ્સઍપ ગ્રુપમાં મૂક્યો છે, પણ એનાથી વધુ કંઈ વાત કરવા તેઓ રાજી નથી. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘મારા માટે ચૅપ્ટર પૂરું થઈ ગયું. નેક્સ્ટ ટાઇમથી હું ધ્યાન રાખીશ. સિમ્પલ છે. બાકી મારે જે કહેવું હતું એ મેં મેસેજમાં કહી દીધું છે.’

ક્લાઇમૅક્સ જોયા વગર જવું પડ્યું એને લીધે લોકોમાં ચર્ચા હતી કે નાટકમાં આવેલી ટેક્નિકલ ક્ષતિઓને ધ્યાન પર લીધા વિના નાટકને જો ઑડિયન્સ સ્વીકારી લેતું હોય તો ઑડિટોરિયમના મૅનેજમેન્ટે પણ એ વાતને ધ્યાનમાં રાખીને ઑડિયન્સની ફેવરમાં વિચારવું જોઈતું હતું, પણ એવું થયું નહીં. ‘Bluffmaster ગુજ્જુભાઈ’ નાટકની ટીમના એક કલાકારના કહેવા મુજબ ઑડિયન્સે પણ મૅનેજરને છેલ્લી ૧૦ મિનિટ માટે રિક્વેસ્ટ કરી પણ મૅનેજર માન્યા જ નહીં અને છેલ્લે ઑડિયન્સે નિરાશ થઈને તેજપાલથી નીકળવું પડ્યું.

‘Bluffmaster ગુજ્જુભાઈ’એ સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ સિરીઝનું પાંચમું નાટક છે.

સિદ્ધાર્થ રાંદેરિયાએ વૉટ્સઍપ પર ચાલતા ગુજરાતી નાટ્ય જગતના ગ્રુપમાં શું મેસેજ કર્યો?

GNJ group માટે એક સનસનીખેજ samachar -

આ ડિસેમ્બરમાં રંગભૂમિની મારી યાત્રાનાં ૫૦ વર્ષ પૂરાં થશે.

ગુજરાતી નાટકના નિર્માતાઓનો એક શિરસ્તો રહ્યો છે કે નાટકનો પ્રથમ પ્રયોગ તેજપાલથી જ થાય. દાયકાઓથી પ્રેક્ષકોનું મનગમતું થિયેટર.

સમય જતાં નિર્માતાઓ માટે ભાડું અને પ્રેક્ષકો માટે પાર્કિંગની અગવડ નડતરરૂપ બનવા લાગ્યાં.

મેં આજદિન 13/10/’24ના દિવસે Bluffmaster Gujjubhaiના શોનું આયોજન કર્યું. નાટકનો 500મો પ્રયોગ તેજપાલમાં ઊજવવા.

ઈશ્વરકૃપાથી houseful હતું.

નસીબજોગે પ્રથમ દૃશ્યમાં જ મારા લેપલ માઇકમાં ટેક્નિકલ ગ્લિચ ઊભી થઈ. 

૪થી ૫ મિનિટ રોક્યું, માઇક બદલ્યું. ઇન્ટરવલમાં બીજું માઇક લીધું. ૯.૩૫ બીજો અંક શરૂ થયો. વળી તકલીફ આવી. અટક્યા. માઇકનો કેબલ બદલ્યો. લોકો ભરપેટ નાટક માણી રહ્યા હતા. અને પછી...

૫૦ વર્ષમાં નથી અનુભવ્યું એવું બન્યું.

બીજા અંકનું ત્રીજું દૃશ્ય પત્યું. 

છેલ્લા સીન માટે ૬ મિનિટની જરૂર હતી અને...

૧૦.૧૫ મિનિટે પડદો પાડી દેવામાં આવ્યો. અમે અને પ્રેક્ષકો સૌ સ્તબ્ધ!

મારા મૅનેજરની અશ્રુભીની આજીજી અને કાલાવાલા બધું જ વ્યર્થ.

સમયની પાબંદીનું રંગભૂમિના ઇતિહાસમાં નોંધવું પડે એવું ઉદાહરણ. 

હતપ્રભ પ્રેક્ષકોની કચવાતા મને વિદાય.

૫૦૦મા પ્રયોગની કેક ડબ્બામાં જ પડી રહી.

આ પ્રયોગ હવે તો ચિરકાળ યાદ રહેશે.

જો નસીબજોગે થિયેટરની કોઈ ટેક્નિકલ ક્ષતિ ઊભી થઈ હોત તો?

હશે, જેવી હરિ ઇચ્છા!

રંગભૂમિનો જય હો

Siddharth Randeria

siddharth randeria Gujarati Natak Gujarati Drama dhollywood news mumbai entertainment news gujarati mid-day Rashmin Shah