28 September, 2023 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સમંદર’ ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલશે
‘રઘુ CNG’ અને ‘સૈયર મોરી રે...’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર વિશાલ વડાવાળાએ એકસાથે બે ફિલ્મો પર કામ શરૂ કર્યું છે, જેમાંથી ‘રામ ભરોસે’નું તો કામ પણ પૂરું થઈ ગયું છે, જ્યારે ‘સમંદર’નું શૂટ ચાલુ છે. ‘સમંદર’ વિશાલનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વિશાલ વડાવાળા કહે છે, ‘આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલી નાખશે. એંસી ટકા ફિલ્મ આઉટડોર છે અને એમાં પહેલી વાર અમે એવો વિષય લીધો છે જેની ગુજરાતી ફિલ્મ ઑડિયન્સની બહુ ડિમાન્ડ હતી. ‘સમંદર’માં ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે.’
‘સમંદર’માં જે બે ભાઈબંધની વાત છે એ ઉદય અને સલમાનના કૅરૅક્ટર મયૂર ચૌહાણ અને જગજિતસિંહ વાઢેર કરે છે. મયૂરે અગાઉ વિશાલ સાથે ‘સૈયર મોરી રે...’ કરી હતી તો જગજિતસિંહ વાઢેરે વિશાલની ‘રઘુ સીએનજી’ અને ‘સૈયર મોરી રે’ કરી હતી તો કરીઅરની શરૂઆત તેણે પ્રતીક ગાંધી સાથે ‘વિઠ્ઠલ તીડી’ વેબ સિરીઝથી કરી હતી. વિશાલે કહ્યું હતું, ‘ઉદય અને સલમાન માટે આ બન્ને ઍક્ટર ન મળ્યા હોત તો મેં ‘સમંદર’ ચાલુ જ ન કરી હોત.’