12 December, 2024 12:43 PM IST | Mumbai | Hiten Anandpara
આ તસવીરો થકી યાદ કરીએ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયને
પથ્થરની એક કાંકરી ફેંકો
તો જઈને બેસે તળિયે
લખી તમારું નામ અમે તો
પાણી ઉપર તરીએ
૧૯૩૪ની ૧૫ ઑગસ્ટે જન્મનાર મુઠ્ઠીઊંચેરા સ્વરકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે ૧૧ ડિસેમ્બરે આપણી વચ્ચેથી વિદાય લીધી. ૯૦ વર્ષ ૩ મહિનાના આયુષ્યમાં ગુજરાતી સુગમ સંગીતનો ચહેરો ઘડવામાં સૂરોત્તમ પુરુષોત્તમે સર્વોત્તમ ફાળો આપ્યો. સૌ લાડમાં તેમને પિયુ કહેતા અને કહેતા રહેશે. આ લાખેણો કલાકાર હવે આપણી વચ્ચે નથી એ હકીકત સ્વીકારતાં લાખો ચાહકોને સમય તો લાગશે. ‘જત લખવાનું જગદીશ્વરને’ ગાનાર આ કલાકારને હવે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ગણગણીને સ્મૃતિબદ્ધ કરવાના છે.
કાગળને કન્સલ્ટ કર્યા વિના એક પછી એક ગીતો ગાઈ શકનાર પિયુને છેલ્લાં થોડાં વર્ષોથી સ્મૃતિ દગો દઈ રહી હતી. અનેક નામવંત કલાકારો તેમને મળીને પોતાનો પ્રેમ પ્રગટ કરતા. અહોભાવ વગર આવું નિર્હેતુક મિલન સંભવ નથી. અહોભાવ પગારની જેમ પહેલી તારીખે જમા થતો નથી. એ તો નિષ્ઠા અને પ્રદાનના સાતત્યથી સર્જાય છે.
પિયુએ માત્ર પોતાનાં સ્વરાંકનો દ્વારા સુગમ સંગીતને માતબર જ નથી બનાવ્યું, નવા-નવા કલાકારોને તાલીમ આપીને શિક્ષકધર્મ પણ બજાવ્યો છે. આખરી સમયમાં ઉંમરે ભલે રંગ દેખાડયો, પણ પિયુ પોતાની ઉંમરથી આગળ નીકળી ગયેલા માણસ હતા. કોઈ મળવા આવે ત્યારે આંખો ચહેરો ઓળખવામાં થાપ ખાતી, પણ હામોર્નિયમ પર ફરી વળતી આંગળીઓ લય અને તાલ ચૂકતી નહોતી. સંગીત તેમની રગ-રગમાં વહેતું હતું.
૨૦૧૨ પહેલાં ઇમેજ પબ્લિકેશન્સની પ્રિન્સેસ સ્ટ્રીટ ઑફિસે કવિ સુરેશ દલાલને તેઓ દર શનિવારે અચૂક મળવા આવતા. આ બન્ને મહાનુભવોના મિલનનો હું સાક્ષી રહ્યો છું. સ્વરકાર-ગીતકારની આ જોડીએ સોનામહોર જેવાં સુંદર ગીતો આપ્યાં છે. સુરેશ દલાલે જાહેરમાં કહ્યું હતું કે અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમે ગુજરાતને કવિતા ચાહતું કર્યું.
પિયુની ખાસ વાત એ હતી કે તેઓ જેટલા ઉત્તમ કલાકાર હતા એટલા જ ઉત્તમ શ્રોતા પણ હતા. સારી કવિતા સાંભળીને તેમના હોઠેથી ‘ક્યા બાત’ નીકળતું ત્યારે મંચ પરનો કવિ અભિભૂત થઈ જતો. ‘કવિતા’ મૅગેઝિન વાંચીને કોઈ રચના ગમી જાય તો તેઓ કમ્પોઝ કરતા. કૃતિની પસંદગીનો તેમનો ટેસ્ટ પણ ઊંચા માહ્યલો હતો.
જેટલો પ્રેમ સંગીત સાથે હતો એટલી જ તન્મયતા આરોગ્ય બાબતે રાખતા. યોગ અને ચાલવા જવાનું તેમની દિનચર્યામાં સામેલ હતું. કદાચ એટલે જ એંસી પછીના પુરુષોત્તમભાઈને સાંભળેલા ત્યારે પણ તેમના અવાજનું ઐશ્વર્ય એટલું જ સુરીલું લાગતું.
સૌપ્રથમ ‘રામરાજ્ય’ ફિલ્મ જોનાર પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાનું આગવું સૂરસામ્રાજ્ય સ્થાપ્યું હતું. છ વર્ષની ઉંમરે આ જ ફિલ્મનું ગીત તેમણે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને સંભળાવેલું. રસકવિએ એ જ ટ્યુન પર ‘સાધુ ચરણકમલ ચિત્ત જોડ’ ગીત લખ્યું. આ ગીત ગાનાર બાળપુરુષોત્તમને ૧૭ વન્સ મોર મળ્યા અને સત્તરમા વન્સ મોરે તેઓ ઊભા-ઊભા જ સૂઈ ગયા. અહીંથી શરૂ થયેલી યાત્રા મુંબઈમાં પાંગરી અને વિશ્વવ્યાપી બની. લતા મંગેશકર, બેગમ અખ્તર, મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા અનેક કલાકારો પાસે તેમણે ગુજરાતીમાં ગવડાવ્યું.
લાઇવ કાર્યક્રમમાં પિયુને સાંભળવા એક લહાવો હતો. આવા જ એક કાર્યક્રમમાં ગળગળા થઈને અવિનાશ વ્યાસે કહેલું : ‘આજે ઓગળતા અવિનાશને પુરુષોત્તમ થવાનું મન થયું છે.’
પ્રમુખસ્વામી મહારાજે અમૃત મહોત્સવ નિમિત્તે મોકલેલા પત્રમાં લખ્યું હતું, ‘શબ્દને સ્વર સાથે સંયોજીને એના અર્થને માત્ર નિષ્પન્ન જ નથી કરતા, પરંતુ તેઓ અર્થને મૂર્તિમાન કરીને સૌના અંતરમાં નર્તન કરતા મૂકી દે છે.’
પ્રારંભિક વર્ષોમાં પુરુષોત્તમભાઈનો રંગભૂમિ સાથે ઘનિષ્ઠ નાતો રહ્યો. એક નાટકમાં માસ્ટર અશરફ ખાન નાયક હતા અને પુરુષોત્તમભાઈએ તેમના પુત્રની ભૂમિકા ભજવી હતી.
દેશ-વિદેશમાં સુગમ સંગીતને લોકપ્રિય કરનાર પુરુષોત્તમભાઈએ મહેફિલો ગજાવી છે. તેઓ ઉર્દૂ ગઝલો પણ ગાતા હતા, પણ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એવો અપાર હતો કે તેમણે ગુજરાતીને વળગી રહેવાનું નક્કી કર્યું. ગુજરાતી ફિલ્મોમાં અને નાટકોમાં પણ તેમણે લોકપ્રિય સંગીત પીરસ્યું.
સંગીતસફરની શરૂઆતનાં વર્ષો સંઘર્ષનો સમય હતો. એક વાર એક સ્ટુડિયોમાં HMVના ગુજરાતી વિભાગના વડા આર. ડી. વ્યાસે અવિનાશ વ્યાસ સાથે પરિચય કરાવ્યો. તરત જ અવિનાશભાઈએ એક ગીતમાં એક પંક્તિ ગાવા કહ્યું. એ પંક્તિ હતી, ‘મોરલા બોલ્યા નહીં.’ અનંતની યાત્રાએ નીકળેલા પિયુ ભલે આપણી સાથે બોલશે નહીં, પણ તેમના ચાહકો તેમને ક્યારેય ભૂલશે નહીં. પુરુષોત્તમ નામનો એક દીવો અંતરમાં ઝળહળતો રહેશે અને ક્યારેક આપણું હૈયું તેમને યાદ કરીને ગાઈ લેશે : ભૂલેચૂકે મળે તો મુલાકાત માગશું.
શરીરસ્થ ભલે નથી, હૃદયસ્થ તો રહેશે જ
‘મારે રૂદિયે બે મંજીરા’ ઝંકૃત કરીને, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી’ની ઉદાસી ઘૂંટીને, ‘મન મળે ત્યાં મેળો’ સર્જીને, ‘કહું છું જવાનીને પાછી વળી જા’ એવો ઠપકો આપીને, ‘ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે’ પ્રશ્ન પૂછીને, ‘આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી’ એવો અફસોસ વ્યક્ત કરીને, ‘સાવ સીધી નદીનાં વ્હેણ વાંકાં થયાં’નાં કારણ પૂછીને તથા ‘જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું’ ગાનાર પિયુ શરીરસ્થ ભલે નથી, પણ આપણા હૃદયસ્થ તો રહેશે જ.