21 February, 2023 06:10 PM IST | Mumbai | Rachana Joshi
‘હેલો’નું પોસ્ટર
૯૦ના દશકમાં ગુજરાતી ફિલ્મોમાં હંમેશા પારિવારિક સમસ્યાઓની આસપાસ ફરતી વાર્તાઓ જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવેલી અર્બન ગુજરાતી ફિલ્મોએ એક નવો ચિલો ચાતર્યો છે. નવા વિષય સાથે જોવા મળતી ફિલ્મોમાં અને ફિલ્મોના વિષય-વાર્તામાં વિવિધતા જોવા મળે છે. ક્રાઈમ અને થ્રિલર જૉનર પર પણ ઢોલિવૂડ ફિલ્મમેકર્સ ફોકસ કરી રહ્યાં છે . ત્યારે આ જ જૉનરની ફિલ્મ ‘હેલો’ (Hello)નું ટ્રેલર આજે રિલીઝ થયું છે.
નિરજ જોષી (Neeraj Joshi) દિગ્દર્શિત ફિલ્મ ‘હેલો’માં જયેશ મોરે (Jayesh More), દર્શન પંડ્યા (Darshan Pandya), મેઝલ વ્યાસ (Mazel Vyas), રિષભ જોષી (Rishabh Joshi), નિલ ગગદાની (Neel Gagdani), આયુષી ઢોલકિયા (Aayushi Dholakia) અને નિધિ સેઠ (Nidhi Seth) મુખ્ય ભૂમિકામાં છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ટ્રેલર પરથી જ આતુરતા જગાડે છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે.
અહીં જુઓ ટ્રેલર :
ટ્રેલરમાં જોઈ શકાય છે કે, એક અજાણ્યો ફોન કૉલ યુવાનો માટે અણધારી સમસ્યાઓ લઈને આવે છે. ફોનની રિંગ વાગતા જ દરેક પાત્રનું જીવન બદલાય જાય છે. ટ્રેલરમાં જાણવા મળે છે કે, યુવાનોએ કરેલી મસ્તી તેમના પર જ ભારે પડી રહી છે. એક ફોન કૉલ ક્રાઈમ તરફ ધકેલી રહ્યો છે. આ ક્રાઈમ કેસ શું છે અને કઈ રીતે સૉલ્વ થાય છે તે તો ત્રીજી માર્ચે જ ખબર પડશે કે, રમત રમતમાં કરેલો કૉલ સાવ અચાનક શું પરિણામ લાવે છે.
ફિલ્મમાં દર્શન પંડ્યા દમદાર દેખાય છે. તો જયેશ મોરે ફરીએકવાર પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ચારેય યુવા કલાકારો મેઝલ વ્યાસ, રિષભ જોષી, નિલ ગગદાની અને આયુષી ઢોલકિયા આશાના કિરણો બની પ્રકાશ પાથરશે.
‘હેલો’નો સ્ટોરી સ્ક્રિનપ્લે અને સંવાદો સુરેશ રાજડા (Suresh Rajda)એ લખ્યા છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાર્થ ભરત ઠક્કર (Parth Bharat Thakkar)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ પરિમલ પટેલ (Parimal Patel)એ કરી છે.
આ પણ વાંચો - મનોજ શાહ: કળાની કલમે રંગભૂમિના કલાકારોના જીવનમાં પુર્યા વિવિધ રંગો
ફિલ્મ ‘હેલો’ ત્રીજી માર્ચે થિયેટરમાં રિલીઝ થશે.