નૅશનલ ગવર્નમેન્ટે ‘ધ વૅક્સિન વૉર’ ટૅક્સ-ફ્રી કરવી જોઈએ

01 October, 2023 11:45 AM IST  |  Mumbai | Bhavya Gandhi

સિમ્પલી સુપર્બ કહી શકાય એવી આ ફિલ્મ માત્ર અને માત્ર એટલે પણ જોવા જવી જોઈએ કે આ ફિલ્મ આપણા એ મેડિકલ એક્સપર્ટ્સની જીત દર્શાવે છે, જેને આપણે ક્યારેય હીરો તરીકે જોવાનું કામ નથી કર્યું

ફાઇલ તસવીર

હેડિંગ વાંચીને જો તમને એવું થતું હોય કે આ શું મેન્ટલ જેવી વાત કરે છે, ટૅક્સ-ફ્રીના રાઇટ્સ તો સ્ટેટ ગવર્નમેન્ટ પાસે હોય તો કહેવાનું કે હા, એની મને ખબર છે, પણ હું ઇચ્છું છું કે આપણા દેશનો એકેક યુથ ઇચ્છે છે કે જેમ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટે અનેક કામ એવાં કર્યાં જેમાં તેમણે કોઈની પણ પરમિશનની દરકાર નહોતી કરી એવી જ રીતે ‘ધ વૅક્સિન વૉર’માં પણ તેમણે એક પણ સ્ટેટ ગવર્નમેન્ટની રાહ જોયા વિના નૅશનલ લેવલ પર જ ફિલ્મને ટૅક્સ-ફ્રી કરી દેવી જોઈએ અને બન્ને, સ્ટેટ અને નૅશનલ જીએસટી પણ હટાવી દેવા જોઈએ જેથી આ ફિલ્મ આપણા દેશના એકેક વ્યુઅર સુધી પહોંચે.

ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ની સૌથી મોટી ખૂબી કહું તો, આજે આપણે જે શ્વાસ લઈએ છીએ, ફરીથી માસ્ક વિનાના જીવતા થઈ ગયા છીએ અને ગમતા લોકોને ગળે મળીએ છીએ એનું જે કારણ છે એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. વૅક્સિન તો ફૉરેનની જ હોય એવી જે માનસિકતા હતી એ માનસિકતા વચ્ચે આપણા વૈજ્ઞાનિકોએ જે પ્રકારે કામ કર્યું અને ખરા અર્થમાં જીવ પર આવીને જે રીતે લાઇટનિંગ ટાઇમમાં વૅક્સિન બનાવી એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે અને જો આ બધું વાંચતી વખતે તમને મનમાં એવું થાય કે આ તો સાયન્સ પરની કે બાયોલૉજિકલ સબ્જેક્ટની ફિલ્મ છે તો હા પણ અને ના પણ. હા એટલા માટે કે આ ફિલ્મમાં એ જ વાત છે અને એમાં મેડિકલ ફીલ્ડના શબ્દો પણ ભરપૂર વપરાયા છે, પણ આપણે સૌએ સ્વીકારવું રહ્યું કે ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ આખી વાતને એટલી સરળ રીતે સમજાવી છે કે સામાન્ય ભણતર ધરાવતા કે ટેન્થ ફેલને પણ આ સબ્જેક્ટ પોતાનો લાગવા માંડે અને એ આપણો જ સબ્જેક્ટ છે.

હમણાં જ સેન્ટ્રલ ગવર્નમેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટના સિનિયર ઑફિસરને મળવાનું થયું ત્યારે તેમણે બે-ત્રણ વાત બહુ સરસ કરી. એક તો વૅક્સિન પરની જ હતી. તેમના કહેવા મુજબ આપણે વૅક્સિન પર ક્યારેય કામ જ નહોતું કર્યું અને એવામાં આપણે રાતોરાત કોરોના માટે વૅક્સિન બનાવવાની આવી ગઈ. ઑપોઝિશનથી લઈને મોટા ભાગના ઇંગ્લિશ મીડિયાની એક જ વાત હતી કે આપણે સમય બગાડ્યા વિના ફૉરેનથી વૅક્સિન મગાવવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી દેશ બચે, પણ આપણી ગવર્નમેન્ટ, આપણી નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ નહોતી ઇચ્છતી કે એવું કરીને દેશને દેવાળિયું બનાવવું. હા, જે પ્રકારના વૅક્સિનની પ્રાઇસ હતી, જે પ્રકારે દેશ સાવ જ કામધંધા વિનાનો એમ જ બેસી રહ્યો હતો અને જે પ્રકારે મહામારી દેશભરમાં ફેલાયેલી હતી એ આખી પરિસ્થિતિ વચ્ચે જો દેશના લોકો પાસેથી વૅક્સિનનો ચાર્જ લેવામાં આવે તો એવું બનવાનું હતું કે ૮૦થી ૯૦ ટકા લોકો વૅક્સિન લે જ નહીં અને દેશની હાલત કફોડી થઈ જાય. બીજું એ કે ધારો કે વૅક્સિન ફૉરેનથી મગાવવામાં આવે તો એ ફ્રીમાં આપવી દેશને પોસાય નહીં અને એમ છતાં જો ફ્રી વૅક્સિન વિશે વિચારવામાં આવે તો દેશની આર્થિક હાલત કફોડી થઈ જાય. મહિનાઓ સુધી દેશની ઇન્કમ એક પર્સન્ટ અને બે પર્સન્ટ રહી હતી.

સીધી વાત હતી કે આપણે આપણા સાયન્ટિસ્ટ્સ પર ભરોસો કરવાનો હતો અને લાઇટનિંગ ટાઇમ સાથે આગળ વધવાનું હતું. આગળ વધવાનું એ કામ કેવી રીતે થયું અને કેવી રીતે આપણા વૈજ્ઞાનિકોએ લિટરલી જીવના જોખમે વૅક્સિન પર કામ કર્યું એ આખી વાત ‘ધ વૅક્સિન વૉર’માં છે. મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા એકેક વ્યક્તિ પર આપણું માન બેવડાઈ જાય એ સ્તરનું કામ આ ફિલ્મના ઍક્ટર્સથી માંડીને ટેક્નિકલ સ્ટાફે કર્યું છે. હું તો કહીશ કે ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે એ બધું જોતી વખતે તમને કોવિડ અને એના કારણે લાગેલા લૉકડાઉનની એકેક વાત યાદ આવશે અને સાથોસાથ તમને તમારા મોબાઇલમાં વપરાયા વિનાની હવે ક્યાંક ખૂણામાં પડેલી પેલી આરોગ્ય સેતુ મોબાઇલ ઍપ પણ યાદ આવશે જે મોબાઇલમાં હોવી જરૂરી હતી, જેમાં તમે લીધેલો વૅક્સિન ડોઝ કેટલામો છે અને એ લીધાને કેટલો સમય થયો એની પણ જાણકારી મળતી, તો તમારી આસપાસના ૫૦૦ મીટરના રેડિયસમાં કોરોનાના કેટલા કેસ છે એની પણ માહિતી મળતી. એ બધામાંથી જેણે છુટકારો અપાવ્યો એ ડૉ. બલરામ ભાર્ગવની લાઇફ પરથી બનેલી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ માટે એટલું જ કહેવાનું કે એ જોવા જતી વખતે તમારા ટીનેજ ઘરે મૂકીને ન જતા. દેશની વાઇટ-આર્મીએ દેખાડેલા સાહસની આ આખી વાત તેમને સાથે લઈને જોશો તો ખરેખર એ વાઇટ-આર્મી પ્રત્યે એ ટીનેજર્સનું રિસ્પેક્ટ વધશે.

vivek agnihotri bollywood bollywood news entertainment news