24 February, 2024 02:01 PM IST | Mumbai | Rachana Joshi
‘નાસૂર’નું પોસ્ટર
ફિલ્મ : નાસૂર
કાસ્ટ : હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ઘુમરા, હીના જયકિશન, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન
લેખક : કાજલ મહેતા
દિગ્દર્શક : રિષિલ જોષી
રેટિંગ : ૨.૫/૫
પ્લસ પોઇન્ટ : અભિનય, કૅમેરા વર્ક, સ્ટોરી
માઇનસ પોઇન્ટ : ધીમી ગતી, બૅકગ્રાઉન્ડ સ્ટોરી ડૅવલપમેન્ટ
ફિલ્મની વાર્તા
સાયકોલોજિકલ થ્રીલર ‘નાસૂર’ ફિલ્મની વાર્તા હર્ષવર્ધન શેઠના જીવનની આસાપાસ ફરે છે. સફળ બિઝનેસમેન પાસે વૈભવ, પૈસો, પ્રેમાળ પત્ની બધુ જ છે છતા તેની પાસે દરરોજ જીવવાનો કોઈ હેતુ જ નથી. હર્ષવર્ધન એકલતા અને અસંતોષની ગહન ભાવનાથી ઝઝૂમી રહ્યો છે. પરિવાર, પત્ની અને બિઝનેસ પાર્ટનર હોવા છતા તે હંમેશા આંતરિક સંઘર્ષો કરતો રહે છે. એટલે જ તેને જીવવા કરતા મરવાના વિચારો વધુ આવે છે. મરવા માટે હર્ષવર્ધન તેના તમામ શુભચિંતકોની મદદ લે છે પરંતુ બધું જ નિરર્થક જાય છે. હર્ષવર્ધન તેના જીવનનો અંત લાવવાના પ્રયત્નોમાં પત્ની, પરિવાર, પ્રેમ, બિઝનેસ પાર્ટનર બધુ જ ગુમાવવાને આરે છે ત્યારે તે કેવો વ્યવહાર કરે છે તેની વાર્તા છે ફિલ્મ ‘નાસૂર’. કેવી રીતે ડિપ્રેશન વ્યક્તિના મન પર કબજો કરી શકે છે કે વ્યક્તિને જીવવાની ઈચ્છા પણ નથી રહેતી અને તે સમયે તેનું વર્તન કેવું હોય છે તે દશાર્વ છે ફિલ્મ.
પરફોર્મન્સ
અભિનય અને પરફોર્મન્સની વાત કરીએ તો હર્ષવર્ધન શેઠના પાત્રમાં હિતુ કનોડિયાનું અત્યાર સુધીનું આ બેસ્ટ પરફોર્મન્સ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. ડિપ્રેસ્ડ પણ વૈભવશાળી બિઝનેસમેનના પાત્રમાં હિતુ કનોડિયા દરેક સીનમાં વિવિધ પ્રકારની લાગણીઓ અને અભિવ્યક્તિઓ સાથે પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરે છે. આંખોમાં ડર હોય કે દર્દ, મરવાની ઇચ્છા હોય કે જીવવાની અનિચ્છા દરેક લાગણીને તેઓ સ્ક્રિન પર જીવ્યા છે.
હર્ષવર્ધન શેઠની પત્ની જોલી શેઠના પાત્રમાં નીલમ પંચાલ ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ જટિલ પાત્રનું સહેલાઈથી નિરૂપણ કર્યું છે. પત્ની તરીકેનું દર્દ હોય કે પછી બિઝનેસમેનની પત્નીનો ઠસ્સો બન્નેમાં નીલમ પંચાલ ખરા ઉતર્યા છે.
આ સિવાય ડેનિશા ઘુમરા, હીના જયકિશન, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેને પોતાના પાત્રોને પુરો ન્યાય આપ્યો છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
લેખક કાજલ મહેતા એક નવો વિષય લઈને આવ્યા છે. જે ખરેખર દાદ આપવાને લાયક છે. ફિલ્મની વાર્તા ધીમે-ધીમે તેની ગતી પકડે છે. ફર્સ્ટ હાફમાં શું ચાલી રહ્યું છે તે સમજવામાં થોડો સમય લાગે છે. જોકે સેકેન્ડ હાફ હજી વધુ ક્રિસ્પ થઈ શક્યો હતો. તેમજ અમુક વાત ગળે ઉતરે એવી નથી કે, ડિપ્રેશનમાંથી પસાર થઈ રહેલ વ્યક્તિ જાતે જ પોતાની સાથે લડી રહ્યો છે. પરિવાર અને મિત્રોનો સાથ ક્યાંક દેખાડ્યો હોત તો વાર્તા વધુ રસપ્રદ લાગી શકત. તે સિવાય બૅકગ્રાઉન્ડ સ્ટોરી ડેવલપ કરવામાં સમય આપવામાં આવ્યો હોત તો દર્શકોને વધુ મજા આવત. બાકી આટલા મહત્વના મુદ્દાને કાજલ મહેતાએ સરળ ભાષામાં આવરી લીધો છે. એટલી જ સરળ અને સરસ રીતે રિષિલ જોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. કૅમેરા વક્ર અને દિગ્દર્શનના શોટ્સ આખી ફિલ્મ દરમિયાન વખાણવા લાયક છે.
મ્યુઝિક
ફિલ્મમાં મ્યુઝિક મૌલિક મહેતાનું છે. સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ હોય ત્યારે મ્યુઝિક બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ ફિલ્મમાં મૌલિક મહેતાના મ્યુઝિકે તેનો ભાગ સુપેરે ભજવ્યો છે. ફિલ્મનું ટાઇટલ ગીત જીગરદાન ગઢવીએ ગાયું છે.
ફિલ્મ જોવી કે નહીં?
ગુજરાતી પ્રેક્ષકોની આંખો આમ તો રૉમ-કૉમ અને કૉમેડી ફિલ્મો જોવા ટેવાયેલા છે. પરંતુ હવે અર્બન ગુજરાતી ફિલ્મોમાં સતત જે નવા પ્રયોગો થઈ રહ્યાં છે તેને વધાવનાર વર્ગ પણ મોટો છે. ગુજરાતી ફિલ્મમાં એક નવા વિષયને માણવો હોય તો સાયકોલોજિકલ થ્રીલર ‘નાસૂર’ ચોક્કસ જોવી જોઈએ. લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસરે કરેલા નવતર પ્રયોગને વધાવવા થિયેટર સુધી જવું જોઈએ.