ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રત્નો નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરાશે

27 October, 2021 11:51 PM IST  |  Mumbai | Karan Negandhi

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાત્રે આયોજિત પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડની જાહેરાત કરી હતી.

મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા

ગુજરાતી ગાયક સ્વ. મહેશ કનોડિયા અને તેમના ભાઈ, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાના નામની મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાત્રે આયોજિત પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડની જાહેરાત કરી હતી.

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ભાઈઓ મહેશભાઈ અને નરેશભાઈને મરણોત્તર પદ્મશ્રી જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ૯ નવેમ્બરના રોજ એવોર્ડ આપશે.” તેમ પટેલે કહ્યું હતું.

આ સંદર્ભે વાત કરતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “પ્રથમવાર ભારતમાં એવું બન્યું છે કે બ સગા ભાઈઓને એકસાથે મરણોત્તર પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો છે. નરેશભાઈ અને મહેશભાઈની જોડી ૫૦ વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતા અને ૧૯૪૭થી મ્યુઝિક ઓરકેસ્ટ્રાથી ચાલે છે. આટલા વર્ષથી નોંધ નહોતી લેવાઈ, હવે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમણે આ જોડીના યોગદાનની નોંધ લીધી છે.”

તેમણે ઉમેર્યું હતું કે “આ ઍવૉર્ડ ૯ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે આપવામાં આવશે. મારા પિતાનો ઍવૉર્ડ મારા મમ્મી રતનબેન કનોડિયા સ્વીકારશે અને મારા કાકા મહેશભાઈ કનોડિયાનો ઍવૉર્ડ હું સ્વીકારીશ.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘નરેશ-મહેશની જોડી’ પ્રખ્યાત છે. બંને ભાઈઓ એકસાથે ગાતા હતા – અને કમનસીબે લગભગ સમાનકાળે મૃત્યુ પામ્યા હતા. મહેશ કનોડિયાના 25 ઑક્ટોબર, 2020ના રોજ લાંબી માંદગી બાદ અવસાન બાદ બે દિવસ પછી નરેશ કનોડિયાનું 27 ઑક્ટોબરની સવારે કોવિડ-19 થી અવસાન થયું હતું.

નરેશ કનોડિયાએ 300થી વધુ ફિલ્મોમાં તેમના યોગદાન અને ભૂમિકા માટે વર્ષ ૨૦૧૨માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. દરમિયાન, મહેશ 32 અલગ-અલગ અવાજોમાં ગાઈ શકતા હતા અને 20થી વધુ ભાષાઓ જાણતા હતા.

 

dhollywood news entertainment news padma shri