મને સંગીતકાર બનાવવાનું કામ પુરુષોત્તમભાઈએ કર્યું

13 December, 2024 08:48 AM IST  |  Mumbai | Rashmin Shah

મ્યુઝિક ડિરેક્ટર ગૌરાંગ અવિનાશ વ્યાસ ‘મિડ-ડે’ સાથે પુરુષોત્તમભાઈ સાથેનાં પોતાનાં સંભારણાં વાગોળ્યાં

ગૌરાંગ અવિનાશ વ્યાસ, પદ્‍મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

પદ્‍મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને બ્રધર ફ્રૉમ અનધર મધર તરીકે ઓળખાવતા એ દંતકથા સમાન મ્યુઝિક ડિરેક્ટર ગૌરાંગ અવિનાશ વ્યાસ ‘મિડ-ડે’ સાથે પુરુષોત્તમભાઈ સાથેનાં પોતાનાં સંભારણાં વાગોળતાં કહે છે: હું તો ઑલરેડી નોકરીએ લાગી ગયો હતો, પણ પુરુષોત્તભાઈ મને પરાણે આ લાઇનમાં ખેંચી લાવ્યા અને પછી મારી મ્યુઝિક-ડિરેક્ટર તરીકેની કરીઅર શરૂ થઈ. ગૌરાંગભાઈના પોતાના જ શબ્દોમાં વાંચીએ આ સ્મરણાંજલિ

આમ તો મારે આ બધું બુધવારે જ કહેવું હતું, પણ ખબર નહીં કેમ ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. બુધવારે ભગવાને મારો મોટો ભાઈ મારી પાસેથી છીનવી લીધો અને આંખ સામે એ બધા દિવસો આવી ગયા જેમાં અમે સાથે રહ્યા હતા. કેટકેટલા પ્રસંગો, કેટકેટલી વાતો, કેટકેટલાં સંભારણાં. શું કહું ને શું મારી પાસે રાખું?

એવું નહીં કે હું તેમને મોટા ભાઈ માનું, પુરુષોત્તમભાઈ તો મને નાના ભાઈથી પણ વિશેષ રાખે. અમે બન્ને સાથે હોઈએ અને જો કોઈ કાંઈ પૂછે તો પુરુષોત્તમભાઈ તરત કહે,
‘અલગ-અલગ કૂખે જન્મેલા અમે બે સગા ભાઈઓ છીએ.’

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ ચાલતો હતો એ દરમ્યાન પુરુષોત્તમભાઈના આ શબ્દો કોઈ પેપરવાળાએ તો બહુ મોટા અક્ષરે છાપ્યા હતા એવું મને હજી પણ યાદ છે. એ સમયે તો બીજા અમારા વડીલો એવું પણ કહેતા કે ગૌરાંગ એટલે અવિનાશભાઈનું વારસ-સંતાન અને આ પુરુષોત્તમ એટલે અવિનાશભાઈનું માનસ-સંતાન. બહુ ઓછા લોકોને ખબર છે એવી એક વાત કહું.

હું ભણ્યો મેકૅનિકલ એન્જિનિયરનું. મારે તો નોકરી કરવી હતી, પણ મને મારા ફીલ્ડની નોકરી મળી નહીં એટલે મેં જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીમાં નોકરી લઈ લીધી અને બે વર્ષ પછી મેં એ નોકરી છોડી દીધી. ઇન્શ્યૉરન્સ મળ્યાં જ નહીં. મેં નોકરી છોડી ત્યારે ઘરના બધા દુખી, એકમાત્ર પુરુષોત્તમભાઈ રાજી. મને કહે, ‘બહુ સારું થયું નોકરી છોડી દીધી. હવે આપણે મ્યુઝિકમાં કંઈક કરીશું.’

પિતાશ્રી અવિનાશભાઈને કારણે મ્યુઝિકની સૂઝ ખરી પણ એમાં કરીઅર બનાવવાનું હું કંઈ વિચારતો નહોતો, પણ પછી કામ નહોતું એટલે મેં પુરુષોત્તમભાઈની વાતમાં હામાં હા કરી અને થોડા મહિનામાં મારી પાસે એક ગુજરાતી ફિલ્મ આવી ‘લીલુડી ધરતી’ જે મેં પુરુષોત્તમભાઈ સાથે જૉઇન્ટ ક્રેડિટમાં કરી. હું કોરસ સંભાળતો, તેઓ લીડ સિંગર જુએ. અમને અવૉર્ડ મળ્યો, પણ બન્યું એવું કે અમારા એક મિત્રએ ખંડેલવાલ એન્જિનિયરિંગની ઑટોપાર્ટ્સની એજન્સી લીધી અને મને સેલ્સ એન્જિનિયરની નોકરી મળી ગઈ. જોકે પુરુષોત્તમભાઈને ચેન ન પડે. હું કહું કે તેમનો આત્મા જ સંગીતનો હતો. મને મળે ત્યારે એક જ વાત કરે કે આપણે ફિલ્મો કરવી છે, સાથે મ્યુઝિક કરવું છે.

નોકરી દરમ્યાન જ અમને ‘ઉપર ગગન વિશાળ’ ફિલ્મ મળી અને તેમણે પરાણે મને એ ફિલ્મ કરાવડાવી. એ ફિલ્મ પણ અમે બન્નેએ સાથે કરી અને એનાં ગીતો પણ ખૂબ વખણાયાં. મને એમ કે આમ ને આમ ચાલતું રહે તો વાંધો નહીં, આપણે કરતા રહીશું. જોકે પુરુષોત્તમભાઈ મારા પિતાશ્રીના અત્યંત નિયમિત સંપર્કમાં. તેમને ખબર પડી કે ‘જેસલ તોરલ’ ફિલ્મ માટે અવિનાશભાઈને સહાયકની જરૂર છે અને પુરુષોત્તમભાઈએ ભાઈને એટલે કે મારા પિતાશ્રીને એવું કંઈક કહ્યું કે ગૌરાંગ છે જને, તેને લઈ લો, બહુ ફરક પડશે અને પિતાશ્રીના સહાયક સંગીતકાર તરીકે મેં ફિલ્મ કરી ‘જેસલ તોરલ.’

બસ, પછી તો આમ જ બધું ચાલ્યું આગળ. નોકરી નોકરીની જગ્યાએ રહી ગઈ અને હું સંગીતમાં આવી ગયો. હું કહીશ કે જો પુરુષોત્તમભાઈએ મારી પાસે શરૂઆતની ફિલ્મો ન કરાવી હોત તો મને સંગીતનો શોખ હોત; પણ એ માત્ર શોખ હોત, મારી કરીઅર નહીં. પુરુષોત્તમભાઈ, તમારો ખૂબ-ખૂબ આભાર.

તમે બહુ યાદ આવશો.

 (અવિનાશ વ્યાસના દીકરા ગૌરાંગ વ્યાસ ગુજરાતી ફિલ્મોના ખૂબ જાણીતા સંગીતકાર છે. તેમણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. તેમણે સુગમ સંગીત ક્ષેત્રે પણ પુષ્કળ કામ કર્યું છે)

dhollywood news celebrity death gujarati community news indian classical music indian music