મૂળસોતાં - ધ રૂટેડ: દેડિયાપાડાના આદિવાસીઓની મૂળ સાથે જોડાયેલા રહેવાની અહિંસક સંઘર્ષગાથા

28 November, 2022 10:17 PM IST  |  Mumbai | Karan Negandhi

વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ડૉક્યુમેન્ટરી

મૂળસોતાં - ધ રૂટેડ

નર્મદા જિલ્લામાં આવેલું શૂલપાણેશ્વર અભયારણ્ય હંમેશા સમાચારોમાં રહ્યું છે. અહીં ચોક્કસ વિસ્તારને જ્યારે અભયારણ્ય જાહેર કરાયો ત્યાર બાદ સ્થાનિક આદિવાસીઓને ત્યાં ખેતી કરવાથી રોકવામાં આવ્યા અને તેમના માટે ગુજરાન ચલાવવું પણ કપરું બની ગયું. તે સમયે આદિવાસીઓએ સાથે આવી જે અહિંસક સંઘર્ષ કરી પોતાનો હક મેળવ્યો તેના પર એક ખાસ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મ ‘મૂળસોતાં - ધ રૂટેડ’ (Mulsotan - The Rooted)માં વસાવા આદિવાસી સમુદાયની 32 વર્ષ લાંબી અહિંસક સંઘર્ષગાથાને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ સરસ છે. ફિલ્મને 25મા સવાન્નાહ ફિલ્મ ફેસ્ટિવલ, ખાતે જ્યોર્જિયામાં ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે.

જોકે, દેડિયાપાડાના આદિવાસીઓ માટે સંઘર્ષની આ રાહ ખૂબ જ લાંબી હતી. તેમને ખેતી કરવા માટે જમીન તો પાછી મળી, પરંતુ તેઓ હજુ પણ દબાણદાર જ ગણાતા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વન મંત્રાલયે આખા દેશમાં જગલમાં વિસ્તારમાં રહેતા લોકોની હકાલપટ્ટી કરી. ત્યારે આખો દેશ સાથે આવ્યો અને ૨૦૦૩-૦૪માં ‘કેમ્પેઇન ફૉર સર્વાઇવલ અને ડિગ્નિટી’ની શરૂઆત થઈ. આખરે વર્ષ ૨૦૦૬માં આદિવાસીઓના હકમાં કાયદો પસાર થયો.

વન વિભાગ તરફથી ભારે દબાણ છતાં સમુદાયે પોતાની જમીન બચાવવાના જે અહિંસક પ્રયાસ કર્યા તે રસપ્રદ રીતે અદ્ભુત સિનેમેટોગ્રાફી સાથે આ ફિલ્મ દર્શાવે છે. આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ઇન્ટરવ્યૂ બેઝ્ડ છે, જ્યાં આ ચળવળ સાથે જોડાયેલા લોકોએ પોતાની આપવીતી જણાવી છે.

એટલું જ નહીં પરંતુ ફિલ્મમાં બીજી પણ કેટલીક ઘટનાઓને ટાંકવામાં આવી જ્યાં આદિવાસી ભાઈ-બહેનોએ ધીરજ અને સૂઝબૂઝથી કામ લઈ સમસ્યાનો અંત આણ્યો છે. શરૂઆતથી જ આ સંઘર્ષમાં તૃપ્તિ પારેખ અને એક્શન રિસર્ચ ઇન કૉમ્યુનિટી હેલ્થ ઍન્ડ ડેવલપમેન્ટ (ArchVahini)ના અન્ય સાથીઓએ ટેકો આપ્યો હતો.

ફિલ્મ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ડિરેક્ટર જનાન્તિક શુક્લ કહે છે કે “‘મૂળસોતાં’ એટલે જમીન/મૂળ સાથે જોડાયેલું. આદિવાસીઓ સૌથી વધુ મૂળ સાથે, વૃક્ષો સાથે, જંગલ સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલા, તેથી  મૂળસોતાં શીર્ષક પસંદ કર્યું."

પડકારો વિશે વાત કરતાં તેઓ કહે છે કે “અમારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે 32 વર્ષની લડતને 25 મિનિટમાં કઈ રીતે બતાવવી. કયા મુદ્દાઓ/ઘટનાને સમાવવી અને કઈ ઘટનાઓને ઓછું પ્રાધાન્ય આપવું કારણ કે દરેક ઘટના લડતના જુદા-જુદા પડાવોને રજૂ કરે છે. ARCH વાહિનીના સભ્યો ગામના આગેવાનો સાથે જેલમાં ગયા હતા. રેલીઓ કરી, કોર્ટમાં ગયા, વાંસ લઈ જતી ટ્રકસ રોકવામાં આવી, પેપેરમીલ અને તતકાલીન સરકારો અને પોલીસ સાથેના સંઘર્ષ જેવી અસંખ્ય ઘટનાઓ છે, જે અમે સમાવી શક્યા નથી.”

જૂની ઘટનાઓ કેવી રીતે બતાવવી તે પણ ટીમ સામે મોટો પડકાર હતો. એક વિકલ્પ એ પણ હતો કે જૂન ફોટા સાથે વાત મૂકવી, આ વિકલ્પ પસંદ કરાયો. પરંતુ ઘણી ઘટનાઓ એવી હતી જ્યાં કોઈ ફોટા ઉપલબ્ધ ન હતા. ત્યાં ચિત્રો દોરી પછી તેને સ્ટોપ મોશન દ્વારા એનિમેટ કરવામાં આવ્યા. 18 સેકન્ડનો 1 સ્ટોપમોશન વીડિયો બનાવવા માટે કુલ 432 ફ્રેમ શૂટ કરવામાં આવી, આમ કુલ પાંચ ઘટનાઓને ચિત્રોની મદદથી એનિમેટ કરવામાં  આવી.

હાલ આ ફિલ્મને વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલવામાં આવી છે. લગભગ ૬ મહિના બાદ આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

entertainment news bollywood news karan negandhi