ઇરાનના ફિલ્મ ફેસ્ટિવલમાં 'મૃગતૃષ્ણા'ને બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ

25 October, 2020 09:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇરાનના ફિલ્મ ફેસ્ટિવલમાં 'મૃગતૃષ્ણા'ને બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ

ફિલ્મનું દ્રશ્ય

બૉલીવુડનું વર્ચસ્વ ધરાવતા દેશમાં ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. ત્યારે એક ગુજરાતી ફિલ્મ 'મૃગતૃષ્ણા'એ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. દર્શન ત્રિવેદી (Darshan Trivedi) દિગ્દર્શિત ફિલ્મ 'મૃગતૃષ્ણા'નું ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું હતું, એટલું જ નહીં પણ આ ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ મળ્યો છે.

ઇરાનમાં 18થી 23 ઓક્ટોબર 2020 દરમિયાન યોજાનારા 33માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથમાં દર્શન ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર'નું સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું હતું, જેમાં ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટનો એવોર્ડ મળ્યો છે. સ્ટોરી-સ્ક્રિનપ્લે દર્શન અશ્વિન ત્રિવેદીએ અને ડાયલોગ્સ અંકિત ગોર અને ગૌરાંગ આનંદ તેમ જ સ્ક્રિપ્ટ ડૉકટર્સ અરવિંદ શિવકુમારન અને વિજય કે.પટેલ છે, જ્યારે કો-પ્રોડ્યુસર બુરઝીન ઉનવાલાએ VFX પણ આપ્યું છે.

આ ફિલ્મમાં ચાર બાળકોની વાત છે. જે નદી કિનારે રહે છે. નદીને પેલે પાર દુનિયા કેવી હશે તે જોવાની અને જાણવાની આ બાળકોની ઈચ્છા છે. તે માટે તેઓ નદી કઈ રીતે પાર કરશે તેની વાત આ ફિલ્મમાં છે. 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર' મુખ્ય કલાકારોમાં જયેશ મોરે અને બાળકોમાં કરણ પટેલ, નિષ્મા સોની, આર્યા સાગર અને કુશ તાહિલરામાની છે. વાર્તામાં ચારેય બાળકોના પાત્રો સામાન્ય જીવન પર અને તેમના સપનાઓ પર આધારિત છે.

અગાઉ ફિલ્મના દિગ્દર્શક દર્શન ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર' ગુજરાતી સિનેમાની પ્રથમ ટ્રિઓલોજી ફિલ્મ છે. મારી 'ઇલ્યૂઝન ટ્રિઓલોજી'ની આ પ્રથમ ફિલ્મ છે. રોજિંદા જીવનમાં આપણે જે ભ્રામક અનુભવો અનુભવે છે તેનાથી પ્રભાવિત થઈને મેં આ ફિલ્મની રચના કરી છે. જે ત્રણ જુદી જુદી ફિલ્મો સાથે જોડાઈ છે. મેં દિગ્દર્શિત કરેલી શોર્ટ ફિલ્મ 'માયા' ફિલ્મના અગ્રદૂત તરીકે કામ કરે છે.

દર્શન ત્રિવેદીએ 'મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર'નું ફક્ત દિગ્દર્શન જ નથી કર્યું પણ સ્ક્રિનપ્લે પણ લખ્યો છે. ફિલ્મને પ્રોડયુસ મ્રિણલ કાપડિયા અને ડૉ. દેવદત્ત કાપડિયાએ કરી છે. મ્યુઝિક નિશિથ મહેતાનું છે.

dhollywood news gujarati film iran entertainment news