11 February, 2024 07:00 AM IST | Mumbai | Shilpa Bhanushali
લગન સ્પેશિયલ ફિલ્મ રિવ્યૂ માટે વાપરવામાં આવેલા પોસ્ટરની ફાઈલ તસવીર
ફિલ્મ: લગન સ્પેશિલ (Movie review Lagan Special)
કાસ્ટ: મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવી, નિજલ મોદી, રાગી જાની, કલ્પના ગાગડેકર, રૂપા મેહતા, ફિરોઝ ઇરાની
લેખક: સૂરજ બરાલિયા
દિગ્દર્શક: રાહુલ ભોલે અને વિનિત કનોજિયા
રેટિંગ: 2/5
પ્લસ પૉઈન્ટ: અભિનય, મ્યૂઝિક, કૉમિક ટાઈમિંગ
માઈનસ પૉઈન્ટ: પ્રૉડક્શન વેલ્યુ, પ્લૉટ કન્સ્ટ્રક્શન, કૉમેડીની કન્ટિન્યૂટી ક્યાંક મિસ થાય છે, તો વાર્તાના તાંતણા એકબીજામાં ગૂંથાવાને બદલે મૂંઝાયેલા દેખાઈ આવે છે.
ફિલ્મની વાર્તા: મલ્હાર ઠાકર અને પૂજા જોશી એટલે કે શેખર અને સુમનનાં લગ્નની તૈયારીઓ માટે શેખર એટલો બધો ઉત્સાહિત છે કે તેને ફાઉન્ટનમાં પણ મિનરલ વૉટર જોઈએ છે પણ આ જ શેખર જેની સાથે લગ્ન કરવાનો છે તે સુમનને પ્રેમ નથી કરતો તેવી સ્માર્ટ વૉચ જે લાય ડિટેક્ટર છે તેમાં ખબર પડે છે. વાત કરીએ આ સ્માર્ટ વૉચની તો આ ઘડિયાળ શેખરના ખાસ મિત્ર જોગી (મિત્ર ગઢવી)ની અમેરિકાની 10 વર્ષની મહેનતનું ફળ છે. શેખર અને સુમનનાં સંગીતની સાંજે જ્યારે શેખર સુમનને આઈ લવ યુ કહે છે અને સ્માર્ટ વૉચ લાય, લાય, લાય એટલે કે જૂઠ્ઠાણું એવું દર્શાવે છે અને સુમન પોતાના જ સંગીતમાં જવાની ના પાડી દે છે, અહીંથી ફિલ્મની ખરી વાર્તા શરૂ થાય છે. સુમન એવી છોકરી છે જેને માટે જૂઠ્ઠાણું અસહ્ય છે, સુમનને તેના જીવનસાથી પાસેથી માત્ર પ્રેમ અને સત્યની આશા છે જે પૂરી થતી જોવા મળતી ન હોવાથી તે લગ્ન કરવા કે નહીં તેની વિમાસણમાં ફસડાય છે. હવે શેખર આઈ લવ યુ સુમન કહે અને સ્માર્ટ વૉચ જ્યાં સુધી ટ્રુ ન કહે શું ત્યાં સુધી શેખર અને સુમનનાં લગ્ન થશે કે નહીં? તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે...
પરફૉર્મન્સ: પરફૉર્મન્સની વાત કરીએ તો ફિલ્મના નાયક અને નાયિકા મલ્હાર ઠાકર અને પૂજા જોશીની સાથે જ લોકોનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવનાર મિત્ર ગઢવી આ ફિલ્મના વેન્ટિલેટર ગણી શકાય છે, મલ્હારની `મલ્હાર એક્ટિંગ` તેના અંદાજમાં જબરજસ્ત છે, પૂજા જોશી જે સુમનના પાત્ર માટે પરફેક્ટ છે, જે રીતે સુમન પોતાના પાર્ટનરમાં કયા ગુણ હોવા જોઈએ તેને માટે ક્લિયર છે તે રીતે જ પૂજા પોતાના કામ માટે સ્પષ્ટ છે અને તે સુંદર રીતે પોતાનું કામ કરી જાણે છે. ફિલ્મમાં શેખર અને સુમનનાં માતા-પિતા, સુમનનાં નાની (રૂપા મેહતા) અને શેખરના દાદાની (ફિરોઝ ઈરાની) જે સાઈડ સ્ટોરી છે તે મેચ્યોર લોકો વચ્ચેનાં ફ્લર્ટિંગને જોવાની મજા પૂરી પાડે છે. આ ઉપરાંત ફિલ્મમાં રાગી જાની, કલ્પના ગાગડેકર, નીજલ મોદી, અર્ચન ત્રિવેદી, વૈભવી ભટ્ટ, રાહુલ રાવલ, મેહુલ વ્યાસ, વિશ્વા જોશી, વૈભવ બિનીવાલે, પૌરવ શાહ, આરજે કુનાલ, આરજે હિરેન બારોટ, આરજે મયંક જેવા ઘણા પાત્રો તમને જોવા મળશે અને આ તમામ પાત્રો ફિલ્મની વાર્તાને ગૂંથવામાં મદદરૂપ થાય છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન: દિગ્દર્શક રાહુલ ભોળે અને વિનિત કનોજિયાએ લગ્નનનાં ઘરમાં કેવા પ્રકારના મહેમાનો, કેવી તામ-ઝામ જોવા મળે છે તે દર્શાવવાનું કામ આ બેલડીએ સુપેરે પાર પાડ્યું છે એમ કહેવું થોડુંક વધારે થઈ જશે. કારણકે, ક્યાંક ફિલ્મના તાંતણા છૂટા પડે છે. કૉમેડી એલિમેન્ટ્સની વાત કરતાં પરિવારજનોના ડાયલૉગ્સ ક્યાંક ચમકારો કરી જાય છે. ફિલ્મ તમને જકડી રાખવામાં નિષ્ફળ જતી જોવા મળે ત્યાં ફિલ્મના પ્લસ પૉઈન્ટ કહી શકાય તેવા એક્ટર એટલે કે મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી ઑડિયન્સને જકડી રાખવાનું કામ કરે છે. ફિલ્મમાં લગ્ન પહેલા જે ધમાચકડી શરૂ થાય છે તે લગ્ન થયા સુધીમાં એટલે કે આખી ફિલ્મ દરમિયાન એમ કહી શકાય કે માત્ર ધમાચકડી જ ચાલી રહી છે. (Movie review Lagan Special)
મ્યૂઝિક: ફિલ્મમાં મ્યૂઝિક રાહુલ મુંજારિયાનું છે. ફિલ્મ માટેનું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક સારું છે. ક્યાંય પણ મ્યૂઝિક ફિલ્મની વાર્તા કરતાં જૂદું પડતું જોવા નથી મળતું. ઝૂલણ મોરલી વાગી રે આ ગીત પણ સુંદર રીતે પીરસવામાં આવ્યું છે.
ફિલ્મ જોવી કે નહીં?
મલ્હાર ઠાકર અને પૂજા જોશી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની સતત ચર્ચા ઉછળી રહી છે એવામાં આ ફિલ્મમાં મલ્હાર અને પૂજાને જોડીમાં જોવા ચાહકો માટે એક ભેટ સાબિત થઈ શકે છે. ગુજરાતી પરિવારોમાં થતાં લગ્નમાં `કહેવાતા પરિવારજનો`ની નસને બરાબર પકડીને રજૂ કરતી, તેમ જ સંપૂર્ણ રીતે પારિવારિક એવી આ ફિલ્મ મલ્હાર ઠાકરના ચાહકોએ જોવી જોઈએ. મલ્હારની એક્ટિંગના ચાહકો આ ફિલ્મમાં પણ તેને પસંદ કરશે. પણ કંઇક નવો વિષય, નવા સંદેશ અને નવીનતાને જોવા માટે કે તેની આશા સાથે નહીં, પણ ગુજરાતી લગનમાં માત્ર મોઢું ચડાવીને બેઠેલા ફુઆ સિવાયની અન્ય કેવી કેવી ધમાલ જોવા મળે તેનો અંદાજ પામવા માટે આ ફિલ્મ જોઈ શકાય.