17 August, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનસી પારેખ
માનસી પારેખની ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ માટે માનસીના નામની ગઈ કાલે બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે જાહેરાત થઈ હતી એને જોતાં તેને એટલો આનંદ થયો કે તે સતત બે કલાક સુધી રડતી રહી હતી. ‘કચ્છ એક્સપ્રેસ’માં તેણે ઍક્ટિંગ કરવાની સાથોસાથ એને પતિ પાર્થિવ ગોહિલ સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી હતી. ફિલ્મને ૨૦૨૦માં આવેલી ‘ગોળકેરી’ના વિરલ શાહે ડિરેક્ટ કરી હતી. ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસીની સાથે રત્ના પાઠક શાહ અને દર્શિલ સફરી જોવા મળ્યાં હતાં. ફિલ્મની સ્ટોરી કચ્છના એક નાનકડા શહેરની છે જેની કેટલીક મહિલાઓ એક ગ્રુપ ચલાવે છે, જેનું નામ ‘સિસોટી’ રાખવામાં આવ્યું છે. તેઓ નાની-નાની બાબતમાં ખુશી શોધીને એને એન્જૉય કરવામાં માને છે. જોકે આ વાતની તેમના હસબન્ડને જાણ નથી હોતી. અવૉર્ડની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરતાં માનસી કહે છે, ‘કોઈ એ લાગણીને અન્ય ફીલિંગ સાથે સરખાવી ન શકે. આવો જ અનુભવ મને થઈ રહ્યો હતો જ્યારે મારી દીકરી નિર્વીનો જન્મ થયો હતો. હા હું બે કલાક સુધી રડી હતી. મને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે હું મારી નવી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. સાથે જ ખાસ બાબત એ છે કે ‘કચ્છ એક્સપ્રેસ’ અન્ય અવૉર્ડ્સ પણ જીતી છે. આ અમારા અને અમારા પ્રોડક્શન-હાઉસ માટે મોટી બાબત છે. ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો હેતુ એ હતો કે એને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવે. આ નૅશનલ અવૉર્ડ હવે ચોક્કસ અમને ત્યાં લઈ જશે.’
મેં સખત મહેનત કરી છે. હું જે પણ કામ કરું છું એ મને ગમે છે. મારા માટે આ જીત વધુ મહત્ત્વ ધરાવે છે, કેમ કે મેં અને મારા હસબન્ડે સાથે મળીને ‘કચ્છ એક્સપ્રેસ’ પ્રોડ્યુસ કરી છે. મારે બેસ્ટ વર્ક અને બેસ્ટ વસ્તુઓ પ્રોડ્યુસ કરવી છે. - માનસી પારેખ
કચ્છ એક્સપ્રેસને બીજા કયા અવૉર્ડ મળ્યા?
બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નૅશનલ, સોશ્યલ ઍન્ડ એન્વાયર્નમેન્ટલ વૅલ્યુઝ
બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનર - નિકી જોશી