21 July, 2023 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`૩ એક્કા`નું પોસ્ટર
ગુજરાતી ફિલ્મ `છેલ્લો દિવસ` (Chhello Divas) અને `શું થયું?` બાદ મલ્હાર, યશ અને મિત્રની ત્રિપુટી ફરી ધમાલ મચાવવા તૈયાર છે.આનંદ પંડિત મોશન પિક્ચર્સ (Anand Pandit Motion Pictures) અને વૈશલ શાહ દ્વારા નિર્મિત‘૩ એક્કા’ (Tron Ekka)ફિલ્મમાં આ ત્રિપુટી સાથે જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. જ્યારથી નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહની આ ફિલ્મ ‘3 એક્કા’ની જાહેરાત થઈ ત્યારથી ચાહકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે ગુજરાતી ફિલ્મના રસિયા અને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે.
યશ સોની (Yash Soni),મલ્હાર ઠાકર (Malhar Thakar)અને મિત્ર ગઢવી (Mitra Gadhvi)સ્ટારર ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોયા બાદ ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ટ્રેલરની શરૂઆત એક મલ્હારના એક એવા સીનથી થાય છે જે જોઈને એવું લાગે સ્ટોરીમાં આગળ સંઘર્ષ અને ભારે ઈમોશનલ ડ્રામાં જોવા મળશે. પણ ત્યાં તેના બે મિત્રની એન્ટ્રી થાય છે યશ અને મિત્રની, અને પછી સ્ટોરી કૉમેડીનો તડકો લાગે છે. આમ આ ફિલ્મમાં ઈમોશન્સ અને કૉમેડી અને જુગારનું કોમ્બિનેશન જોવા મળશે.
ફિલ્મના નિર્માતા આનંદ પંડિત(Anand Pandit) કહે છે, "ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ટ્રેલરે ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે, જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે."
આનંદ પંડિત(Anand Pandit)ની `ફક્ત મહિલાઓ માટે` (Fakt Mahilao Maate)અને `ડેઝ ઓફ ટફરી` (Days Of Tafree)પછી વૈશલ શાહના જનનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, "અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો." વૈશલ શાહ વધુમાં જણાવે છે, "અમે એક સારુ અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમારા પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે."
આ ફિલ્મમાં હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા પણ સહ કલાકારો છે અને રાજેશ શર્મા દ્વારા ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મને લોકો ખુબ લોકોને આકર્ષણ ઊભું કરનારું અન્ય એક પરિબળ એ છે કે તે બ્લોકબસ્ટર હિટ `છેલ્લો દિવસ`ના પ્રિય સ્ટાર્સને ફરી સાથે લાવે છે.