Locha Lapsi Trailer: મલ્હાર ઠાકર સ્ટારર આ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું, જુઓ અહીં

09 September, 2024 09:04 PM IST  |  Mumbai | Karan Negandhi

ફિલ્મની વાર્તા ભાસ્કર જોશી (મલ્હાર ઠાકર)ની આસપાસ ફરે છે, જે એક એન્જિનિયર અને કચ્છ-ભુજની સફર દરમિયાન અણધારી મુસીબતનો સામનો કરે છે

તસવીર: યુટ્યુબ

મલ્હાર ઠાકરના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. નિશીથ બ્રહ્મભટ્ટ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ (Locha Lapsi Trailer)નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ ગુજરાતી કૉમેડી ફિલ્મનું નિર્માણ અજય પટેલ અને વિપુલ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મનું ટ્રેલર

ફિલ્મની વાર્તા ભાસ્કર જોશી (મલ્હાર ઠાકર)ની આસપાસ ફરે છે, જે એક એન્જિનિયર અને કચ્છ-ભુજની સફર દરમિયાન અણધારી મુસીબતનો સામનો કરે છે. ફિલ્મમાં ભાસ્કર જોશી (Locha Lapsi Trailer) એક એવું ડિવાઇસ બનાવે છે, જે કોઈપણ તાળું ચાવી વિના ખોલી શકે. જોકે, કચ્છના પ્રવાસ દરમિયાન ભાસ્કર જોશીની કેબ રણમાં પંચર છે અને તેને બીજું વાહન શોધવાની ફરજ પડે છે, હવે આ ઘટના તેને મનોરંજક અને અણધારી ઘટનાઓના દોરમાં ધકેલી દે છે.

મહા-મહેનતે ભાસ્કર જોશીને એક વ્યક્તિ લિફ્ટ આપે છે અને અહીંથી તેના જીવનમાં એક અણધારી મુસીબત પ્રવેશે છે. મલ્હાર (Locha Lapsi Trailer) જે ગાડીમાં લિફ્ટ લે છે એ ગાડીમાં તેને લાશ હોવાનું જણાય છે. રસ્તામાં એક ચેકપોસ્ટ પર જ્યારે ગાડી ઊભી રહે છે, ત્યારે વાર્તામાં વધુ એક પાત્ર અને ભાસ્કર જોશીના જીવનમાં મુસીબતમાં ઉમેરો થાય છે અને હવે તે આ મુસીબતમાંથી કઈ રીતે પીછો છોડાવે છે તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

જુઓ ટ્રેલર અહીં

ફિલ્મમાં લોકપ્રિય ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર તેમના ટ્રેડમાર્ક કોમિક ટાઇમિંગ સાથે તેમના પાત્રને જીવંત બનાવી રહ્યા છે. તો સાથે જ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય, કિંજલ રાજપ્રિયા, ચેતન ધામણી, હેમિન ત્રિવેદી, અને ચિરાગ વોરા સહિતના પ્રતિભાશાળી કલાકારો ફિલ્મની કૉમેડીમાં ઊંડાણ અને વિવિધતા ઉમેરે છે. ‘લોચા લાપ્સી’નું ટ્રેલર રમૂજ, સિચ્યુએશનલ કૉમેડી અને પ્રાદેશિક ફ્લેવરનું મિશ્રણ શોધી રહેલા પ્રેક્ષકો માટે મનોરંજક રાઈડ બનવાનું વચન આપે છે. હળવા મનની મસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરીને, તે ભારતીય સિનેમામાં જોવા મળતા લાક્ષણિક મેલોડ્રામેટિક ટોનથી વિરામ આપે છે.

ફિલ્મ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સીનેમાઘરોમાં રિલીઝ થશે.

મલ્હારે દિવંગત અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય માટે લખી વિશેષ પોસ્ટ

ખૂબ જ અપેક્ષિત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ (Locha Lapsi)ની રિલીઝ નજીક આવી રહી છે, ત્યારે ફિલ્મના લીડ એક્ટર, મલ્હાર ઠાકરે ફિલ્મની દિવંગત સહ-અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય માટે એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. ઈમોશનલ ઈન્સ્ટાગ્રામ રીલમાં મલ્હારે અભિનેત્રીના નિધનથી જે ખોટ સાલી છે, તે બદલ ઊંડી લાગણી વ્યક્ત કરી છે.

મલ્હારે પોસ્ટમાં કેપ્શન આપતા લખ્યું છે કે, “વૈભવી મિસ યુ!! તારી હાજરી હંમેશા અમારી સાથે છે વ્હાલી!! અઢળક પ્રેમ!! આપણું ‘લોચા લાપસી’ (Locha Lapsi Trailer)નું ટ્રેલર બધાને ત્યાં બતાવજે હો!” લોચા લાપસીમાં વૈભવીની ભૂમિકા ખૂબ જ અપેક્ષિત હતી, અને તેણીનો અભિનય ફિલ્મની ખાસિયત હશે તેવી અપેક્ષા હતી. મલ્હાર દ્વારા શેર કરવામાં આવેલી રીલ ફિલ્મની ક્ષણો અને પડદા પાછળની વાતચીત અને મસ્તી દર્શાવે છે, જે સહ-કલાકારો વચ્ચેનો સાચો સ્નેહ અને મિત્રતા કેપ્ચર કરે છે.

Malhar Thakar gujarati film upcoming movie gujarati mid-day dhollywood news entertainment news