‘ઓમ મંગલમ સિંગલમ’ થિયેટરમાં સિલ્વર જ્યુબિલી બાદ હવે શેમારૂમી પર કરશે ધમાલ

09 June, 2023 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલ્હાર ઠાકર-આરોહી પટેલ સ્ટારર ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે

‘ઓમ મંગલમ સિંગલમ’નું પોસ્ટર

ગુજરાતી ફિલ્મો (Dhollywood)ના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને આરોહી પટેલ (Aarohi Patel) સ્ટારર ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ (Aum Mangalam Singlem) થિયેટર્સમાં સિલ્વર જ્યુબિલી કર્યા બાદ ઘરેબેટાં દરર્શકોનું મનોરંજન કરવા માટે શેમારૂમી (Shemaroome) પર આવી ગઈ છે. આઠ જૂને ફિલ્મ રિલીઝ થઈ છે. રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ શેમારૂમી પર દર્શકોનું મનોરંજન કરી રહી છે. ફિલ્મમાં પ્રેમની આંટીઘૂંટી, મિત્રતા અને આત્મખોજની વાત જોવા મળશે.

સંદીપ પટેલ (Saandeep Patel) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’માં સિદ્ધાર્થ અને વાણી નામના બે વ્યક્તિઓની વાત છે, જે બાળપણથી સાથે મોટા થયા છે. સિદ્ધાર્થ અને વાણી સ્કૂલ સમયથી એકબીજાને પ્રેમ કરે છે. પરંતુ જેવું વાણી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પલિટ કરે છે કે તરત જ બંને પર સમાજ અને પરિવાર તરફથી લગ્નનું દબાણ આવે છે. પરંતુ સિદ્ધાર્થ હજી લગ્ન માટે તૈયાર નથી. તેને લાગે છે કે તેને સિંગલ હોવાનો અનુભવ જ નથી મળ્યો, કારણ કે તે બાળપણથી વાણી સાથે જ રહ્યો છે. પરિણામે બંને પોતાના સંબંધોને એક બ્રેક આપીને પોતાની જાત સાથે એકલા જીવવાનું નક્કી કરે છે. હવે આ એકલા જીવવાની સફરમાં શું-શું થાય છે, અને શું ફરી સિદ્ધાર્થ અને વાણી ભેગા થાય છે કે નહીં, તે જોવા માટે તમારે શેમારૂમી પર ‘ઓમ મંગલમ સિંગલમ’ જોવી પડશે.

આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને આરોહી પટેલ લીડ રોલમાં છે. તેમની સાથે ફિલ્મમાં ભામિની ઓઝા ગાંધી (Bhamini Oza Gandhi), તત્સત મુન્શી (Tatsat Munshi) અને દર્શન ઝરીવાલા (Darshan Jariwala) પણ જોવા મળશે. ‘ઓમ મંગલમ સિંગલમ’ એક ફેમિલી એન્ટરટેઈનર રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જે સંબંધોના તાણાવાણાને હાસ્યની છોળો સાથે રજૂ કરે છે.

આ પણ વાંચો – ઓમ મંગલમ સિંગલમના એક્ટર્સને જો તેમના પાત્રો રિયલ લાઇફમાં મળે તો આ સલાહ આપે

શેમારૂમી પર ‘ઓમ મંગલમ સિંગલમ’ ફિલ્મના ડિજીટલ પ્રીમિયરને લઈને મલ્હાર ઠાકર ખૂબ જ ઉત્સાહિત છે. તેનું કહેવું છે કે, ‘અમારી ફિલ્મને દર્શકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે, થિયેટરમાં ફિલ્મ પચ્ચીસ અઠવાડિયા ચાલી છે, આ પ્રતિસાદથી જ હું તો ગદગદ છું. હવે જ્યારે ફિલ્મ એક્સલુઝિવલી શેમારૂમી પર રિલીઝ થઈ છે ત્યારે મને થિયેટર રિલીઝ જેટલો જ આનંદ છે. આ ફિલ્મ એક મહત્વાકાંક્ષી યુવાન સિદ્ધાર્થની હ્રદયસ્પર્શી વાર્તા છે. જેને પોતાની ગર્લફ્રેન્ડ વાણી સાથે એક સારું જીવન જીવવું છે. પરંતુ આ પહેલા બંને પોતાના સંબંધને એક બ્રેક આપવાનું નક્કી કરે છે. થિયેટરમાં તો ફિલ્મને દર્શકોએ વખાણી છે, હવે શેમારૂમી પર રિલીઝ થઈ છે ત્યારે વધુને વધુ દર્શકો સુધી પહોંચશે. મને આશા છે કે આને કારણે ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો સુધી પહોંચશે, અને તેમને ગમશે.’

આ પણ વાંચો – ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ Review : નવી પેઢીના ઇમોશનલ કન્ફ્યૂઝનનો રસપ્રદ જવાબ

આરોહી પણ ફિલ્મને સુપરહિટ બનાવવા બદલ દર્શકોનો આભાર માનતા કહે છે, ‘ઓમ મંગલમ સિંગલમમાં બેફિકર અને નટખટ પર્સનાલિટી ધરાવતા વાણીના પાત્રને ભજવવાની તક મળવી એ વરદાન સમાન છે. મને ટેલેન્ટેડ કો સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી છે, જેમની મહેનત અને ક્ષમતાને લીધે ફિલ્મમાં ચાર ચાંદ લાગ્યા છે. દર્શકોએ આપેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ હું તેમનો આભાર માનું છું અને આશા રાખું છું કે થિયેટરમાં દર્શકોએ જેટલો પ્રેમ આપ્યો તેટલો જ શેમારૂમી પર પણ આપશે.’

આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

‘ઓમ મંગલમ સિંગલમ’માં સંગીત સચિન-જીગર (Sachin-Jigar)એ આપ્યું છે.

Malhar Thakar aarohi patel gujarati film dhollywood news entertainment news